Comments

કોંગ્રેસમુક્ત ગુજરાત સિદ્ધ થવા બેઠું છે, પણ સાકાર ક્યારે થઇ શકશે?

ઉત્તર પ્રદેશ સહિત દેશનાં પાંચ રાજ્યોમાં ગુજરાતમાં એક તરફ વિધાનસભાની ચૂંટણીનું દંગલ જામેલું છે ત્યારે ગુજરાતમાં નવી સાફસફાઇ શરૂ થયેલી છે. રાજ્યમાં ભાજપની ભારે આણ પ્રવર્તી રહી છે. રાજ્યમાં કોંગ્રેસની બૂરી દશા થવા બેઠી હોય એમ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસમાંથી ભાજપ તરફનો પ્રવાહ શરૂ થયો છે. કોંગ્રેસના એક પ્રવક્તા અને માધ્યમોમાં ભાજપનો સજ્જડ મુકાબલો કરનારા બોલકા નેતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસને અલવિદા કરી દીધી છે અને ગણતરીના દિવસોમાં તેઓ ભજપમાં જોડાઇ જાય એવી પૂરી સંભાવના છે. આમેય ગુજરાતમાં બે જ વિકલ્પ રહેલા છે. ભાજપ અને કોંગ્રેસ. એ સિવાય ત્રીજો માર્ગ નથી. હમણાંથી કાઠું કાઢવા મથી રહેલી આમઆદમી પાર્ટી માટે કેટલીક આશાઓ મંડાઇ હતી, પરંતુ ભાજપના જાયન્ટ સ્ટ્રક્ચર અને વ્યાપ આગળ એ પણ વામણી પુરવાર થઇ રહી છે.

કોંગ્રેસ પાર્ટીમાં આમ જોઇએ તો જયરાજસિંહ કોઇ મોટો જનાધાર ધરાવતા નેતા નથી, પરંતુ તેમની સૂઝ-સમજ, વક્તૃત્વ અને જે તે મુદ્દાની લોજીકલ અને ધારદાર રજૂઆત કરવાની આગવી શૈલીને કારણે તેઓ મીડિયા અને માધ્યમોમાં તેઓ છવાયેલા રહેતા આવ્યા છે. હવે તેઓએ જ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી નાખતાં ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ માટે સવાલ ઊભા થયા છે. વળી તેમણે પાર્ટીમાંથી નારાજીનામું આપતી વખતે પાર્ટીના કાર્યકરોને સંબોધીને લખેલા પત્રમાં જે ધારદાર દલીલો અને  અવલોકનો વ્યક્ત કર્યાં છે,તે ગુજરાતમાં હાલમાં જ્યારે વિધાનસભાની ચૂંટણીને આડે નવ મહિનાનો સમય રહ્યો ત્યારે કોંગ્રેસની સાચી હાલત માટે ચિંતા સર્જે એવાં છે. તેમણે ફરિયાદ કરી છે કે લડવા નહીં માગતા નેતાઓની નિષ્ક્રિયતાથી થાક્યો છું.

ગુજરાત કોંગ્રેસ માટે વિચારવા જોગ બની રહે એવા પ્રકારનાં જયરાજસિંહનાં આ અવલોકનો છે, (જેમાં પાર્ટીની વર્તમાન હાલત જણાઇ આવે છે) જે તેમના અસલ શબ્દોમાં જોઇએ: ગુજરાતમાં છેલ્લાં 27 વર્ષથી કોંગ્રેસ સત્તાની બહાર છે છતાં આજેય પક્ષે હારેલા ઘોડાઓ પર દાવ લગાડવાની પરિપાટી જાળવી રાખી છે. ગુજરાતનો કોઈ પણ જિલ્લો કે શહેર જોઈ લો, તમને જાજમનો છેડો દબાવીને બેઠેલા એના એ જુના પુરાણા ચહેરાઓ નજરે પડશે. જે નેતાઓ પોતાની જમીન સાચવી શક્યા નથી એમને જ જમીનદાર બનાવી કોંગ્રેસને પાંચ-પચીસ લોકોની જાગીર બનાવી દેવાઈ છે. કોંગ્રેસ એક વિશાળ સમુદ્રમાંથી કૂવામાં ફેરવાઈ જવાની સ્થિતિ સુધી આવી ગઈ છે.

મોટા ભાગનાં મહાનગરોમાં વિરોધપક્ષનો દરજ્જો મેળવવાનાં પણ ફાંફાં છે, છતાં બહારની વાસ્તવિકતા સમજવા તૈયાર નથી. બીજી હરોળ ઊભી થાય તો પોતાનો ગરાસ લૂંટાઈ જાય એવું માનતા નેતાઓએ કોંગ્રેસના કી-બોર્ડમાંથી રીફ્રેશમેન્ટ બટન જ કાઢી નાખ્યું છે. નવું સ્વીકારવા, નવું વિચારવા કે નવા લોકોને અજમાવવા પક્ષ તૈયાર નથી. મને લાગે છે કે વિચારશીલ, બૌદ્ધિક લોકોને કોંગ્રેસની હોજરી પચાવી શકવામાં અક્ષમ બની છે, જેના કારણે સાચા-સારા અને સક્ષમ લોકો ધીરે ધીરે પક્ષ છોડી રહ્યા છે.

જયરાજસિંહે પત્રમાં નિર્ભીકતાથી એવું પણ જણાવ્યું છે કે અનિર્ણાયકતાનો રોગ પક્ષ માટે  જીવલેણ નીવડશે એવા વારંવાર નિદાન થયા છતાં નિર્ણય લેવામાં ભીરુતા અને શિથિલતા દેખાય છે. એક નિર્ણય કરવામાં મહિનાઓ લાગે છે, કેમકે બધા જાગીરદારોના હિસ્સે સરખી વહેંચણીની મજબૂરી હોય છે. આટલો મોટો અને જૂનો પક્ષ બે વર્ષ સુધી પ્રદેશ માળખા સિવાય એડહોક એમાં વાંક કોનો? પ્રદેશ માળખા વગર સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવાનું પરિણામ આપણે જોયું છે. માત્ર પ્રદેશ નહીં, રાષ્ટ્રીય સ્તરે પણ આ સંક્રમણ મહામારી બની ફેલાઈ છે, જેની રસી કદાચ કોઈ વિજ્ઞાની પાસે નથી. કોંગ્રેસની સેના કાં તો સેનાપતિ વગર કાં સેનાપતિઓના ભારથી તૂટતી રહે અને આપણે કશું જ ના કરી શકીએ એ સ્થિતિ પીડાજનક છે.

સુરતમાં આમઆદમી પાર્ટીએ મહાપાલિકાની ચૂંટણીમાં ૨૨ બેઠકો જીતીને નવી શરૂઆત કરી હતી. પરંતુ ગયા જાન્યુઆરી મહિનાથી આમઆદમી પાર્ટીમાં ભંગાણ શરૂ થયું છે. કુલ છ કોર્પોરેટરોએ આમઆદમી પાર્ટીની ટોપીઓ ફગાવી દઇને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. સૌ પ્રથમ આમઆદમી પાર્ટીના સુરત જિલ્લા પ્રમુખ બટુક વાડદોરિયાએ ઝાડુ છોડીને કમળ પકડ્યું હતું. એ પછી ઉદ્યોગપતિ  યશસ્વી સામાજિક કાર્યકર મહેશભાઇ સવાણીએ આમઆદમી પાર્ટી છોડી.એ પછી ફેબ્રુઆરી મહિનાના ૧૦ દિવસમાં ૬ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા. સુરતમાં હવે આમઆદમી પાર્ટીના ૨૧ કોર્પોરેટર રહ્યા છે. તેની સામે સુરત મહાપાલિકામાં ભાજપનું સંખ્યાબળ ૯૩ થી વધીને ૯૯ થયું છે.

એક વર્ષ પહેલાં, એટલે કે ફેબ્રુઆરી, 2021 માં યોજાયેલી 7 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP)એ નોંધપાત્ર પ્રદર્શન કરી ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. એમાં પણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તો 27 બેઠક સાથે મુખ્ય વિપક્ષ બની ગઈ હતી, પરંતુ એક વર્ષમાં જ એટલે કે ફેબ્રુઆરી 2022 માં સુરત શહેરમાં ઝીરોમાંથી હીરો બનેલી AAP ના કોર્પોરેટરોએ પક્ષપલટો  શા માટે કર્યો એ પણ એક સવાલ છે. જે લોકોએ આમઆદમી પાર્ટી છોડી છે, તેમાંના મોટા ભાગનાઓએ સ્થાનિક અને રાજ્ય સ્તરનાં કારણોને લીધે છે. પ્રદેશ નેતાઓ કોર્પોરેટરો યોગ્ય વર્તન નહીં કરતા હોવાનો પણ આમઆદમી પાર્ટીમાં ચણભણાટ છે.

સુરતમાં આમઆદમી પાર્ટીએ માથું ઊંચક્યું તેમાં પાટીદાર ફેક્ટરની અસર મહત્ત્વની છે. પાટીદારબહુલ વિસ્તારોમાંથી આમઆદમી પાર્ટીના કોર્પોરેટરો ચૂંટાયા હતા. હવે આ જ કોર્પોરેટરો આમઆદમી પાર્ટીને છોડી રહ્યા છે, તેનો સીધો અર્થ એવો કરાઇ રહ્યો છે કે પાટીદાર વર્ગમાં આમઆદમી પાર્ટીની પકડ ઢીલી પડી રહી છે અને ભાજપ તેમાં ફરીથી સફળ થઇ રહ્યો છે. એક જ વર્ષના ગાળામાં આમઆદમી પાર્ટીની આંતરિક જૂથબંધી સપાટી પર આવી છે. હાલમાં આવી સ્થિતિ છે ત્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે કેવી હાલત હશે એની ચર્ચા સુરતનાં રાજકીય વર્તુળોમાં થઇ રહી છે. આંતરિક વિખવાદને કારણે આમઆદમી પાર્ટીની સંગઠનશક્તિ નબળી પડવા લાગી છે. આ હાલતમાં પાર્ટી વિધાનસભાની તમામ બેઠકો પર ચૂંટણી લડવાની ખેવના રાખે છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top