ઘેજ : ચીખલી (Chikhli) તાલુકાના કલિયારી ગામે દીપડો (Panther) પાંજરે પૂરાયાના પાંચ દિવસમાં દીપડી પણ પાંજરે પૂરાતા વન વિભાગે જંગલમાં સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી હતી.કલિયારીના ઢોડિયાવાડ વિસ્તારમાં દીપડાની અવર જવર વધી હતી. દીપડા મરઘાનું મારણ કરતા આ અંગેની જાણ કરાતા વન વિભાગની ચીખલી રેંજના આરએફઓ (Range RFO) એ.જે. પડશાલાના માર્ગદર્શન હેઠળ વન કર્મીઓ દ્વારા પ્રશાંત પટેલના પોલ્ટ્રી ફાર્મ નજીક પાંજરૂ ગોઠવાયું હતું. જેને પગલે 23 જાન્યુઆરીએ ચાર વર્ષીય દીપડો પાંજરે પૂરાયો હતો. જો કે બાદમાં પણ આ વિસ્તારમાં દીપડાની ચહલ પહલ જણાતા વન વિભાગે ફરી 25 જાન્યુઆરીએ આજ વિસ્તારમાં ફરીવાર પાંજરૂ ગોઠવતા શનિવારે વહેલી સવારે અઢીથી ત્રણ વર્ષની ઉંમરની દીપડી પાંજરે પુરાતા લોકો દીપડીને જોવા ઉમટી પડ્યા હતા.
- ચીખલી તાલુકામાં શેરડીના ખેતરો ખાલી થતાં
- દર વર્ષે આ સિઝનમાં વધતી દીપડાઓની અવરજવર
- શનિવારે વહેલી સવારે અઢીથી ત્રણ વર્ષની ઉંમરની દીપડી પાંજરે પૂરાઇ
વન વિભાગે દીપડીનો કબજો લઇ વેટરનિટી તબીબ પાસે સારવાર કરાવી જંગલમાં સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી હતી. ચીખલી તાલુકામાં શેરડીના ખેતરો ખાલી થતાની સાથે જ દર વર્ષે આ સીઝનમાં દીપડાઓની અવરજવર જાહેરમાં રહેણાંક વિસ્તારમાં વધી જતી હોય છે. ત્યારે વન વિભાગ દ્વારા ડાંગ જેવા જિલ્લાના જંગલ વિસ્તારમાં દીપડાઓ માટે અભયારણનું નિર્માણ કરી તેમાં જરૂરી સવલત પૂરી પાડવી જોઇએ.
ડાંગ જિલ્લામાં દીપડાના વધેલા આટાફેરા : હુંબાપાડા બે ગાય તથા વાછરડી પર હુમલો
સાપુતારા : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં હૂંબાપાડા ગામે ખુંખાર દીપડાએ ઘરમાં ઘુસી પશુપાલકની વાછરડી પર હુમલો કરી મારણ કરતા ગામડાઓમાં ભયનો માહોલ સર્જાયો છે. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં દીપડાનાં હુમલાનાં બનાવો દિન પ્રતિ દિન વધી રહ્યા છે. થોડા દિવસ પૂર્વે આહવામાં એક ઈસમ પર દીપડાએ હુમલો કર્યો હતો. જ્યારે વઘઇ તાલુકાનાં બોન્ડારમાળ ગામે ત્રણ ઈસમો પર હુમલો કરી દીપડો ઘરમાં ભરાઈ જતા 24 કલાકનાં રેસ્ક્યુ ઓપરેશન બાદ પાંજરે પુરાયો હતો. તેવામાં દક્ષિણ વન વિભાગ હસ્તકની શામગહાન રેંજમાં લાગુ સરહદીય હુંબાપાડા ગામે છેલ્લા ત્રણ દિવસથી ખુંખાર દીપડાની લટાર વધી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
દીપડા દ્વારા સતત ત્રણ દિવસથી પશુઓ ટાર્ગેટ
ગતરોજ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં હૂંબાપાડા ગામનાં પશુપાલક મહેશભાઈ લક્ષમણભાઈ ભોયેની બે ગાય તથા એક વર્ષની વાછરડી પર રાત્રીનાં અરસામાં ખુંખાર દીપડાએ જીવલેણ હુમલો કરતા સ્થળ પર એક વર્ષની વાછરડી મોતને ભેટી હતી. ડાંગ જિલ્લાનાં હુંબાપાડા ગામે આ ખુંખાર દીપડા દ્વારા સતત ત્રણ દિવસથી પશુઓને ટાર્ગેટ કરી હુમલો કરતા ભયભીત બનેલા પશુપાલક શામગહાન રેંજ કચેરીએ દોડી આવ્યો હતો. ડાંગ જિલ્લાનાં હૂંબાપાડા ગામે ખુંખાર દીપડા દ્વારા પશુઓ પર થયેલા હુમલાની જાણ શામગહાન રેંજનાં આર.એફ.ઓ ચિરાગ માછીને થતા તેઓએ તુરંત જ ઘટના સ્થળે વનકર્મીઓનો કાફલો મોકલી મૃત વાછરડીનું પંચ કેસ કરી વળતરની તજવીજ હાથ ધરી હતી. હાલમાં શામગહાન રેંજનાં વનકર્મીઓ દ્વારા આ ખુંખાર દીપડાને પકડવા માટે હૂંબાપાડા ગામ વિસ્તારમાં પાંજરા ગોઠવી વધુ કવાયત હાથ ધરી છે.