Gujarat

દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ઘૃણાસ્પદ ષડયંત્ર કેન્દ્રની ભાજપ સરકારે રચ્યું હતું: કોગ્રેસ

ત્રણ કાળા કૃષિ કાયદા ઘડીને દેશના ૬૨ કરોડ અન્નદાતાઓને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરવે મૂકીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ઘૃણાસ્પદ ષડયંત્ર કેન્દ્રની મોદી સરકારે રચ્યું હતું જે દેશ સમક્ષ ખુલ્લુ પડી ગયું છે અને અંતે ખેડૂત, ખેતી વિરોધી ભાજપાની સરમુખત્યારશાહી અને અહંકારની હાર થઈ અને ખેડૂતો અને હિંદુસ્તાનની જીત થઈ છે, તેવું ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું.

ડૉ. રઘુ શર્માએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે કેન્દ્રની મોદી સરકાર ત્રણ વિવિધ કૃષિ કાયદાઓ લાવીને ખેડુત, ખેતી અને ભારતને બરબાદ કરી રહી છે. ખેડૂત, ખેતી અને ભારતને બચાવવા કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદા પાછા ખેંચી તાત્કાલિક રદ કરવાની માંગ સાથે સમગ્ર દેશના ખેડૂત સંગઠનોએ લાખો ખેડૂત સાથે સડક થી લઈ સંસદ સુધી ૧૪ મહિના કરતા વધુ સમય અહિંસક લડત લડતા રહ્યાં. ૭૦૦ જેટલા ખેડૂતોએ જીવ ગુમાવ્યા હતા.

ખેડૂત – ખેતી અને હિંદુસ્તાનને બચાવવા માટે ખેડૂત સંગઠનો – લાખો ખેડૂતોની સાથે કોંગ્રેસે સંસદ થી સડક સુધી સતત સમર્થન કરતા રહ્યાં છે. કેન્દ્રની મોદી સરકારના ઈશારે સતત ખેડૂતો ઉપર જુલ્મ કરવામાં આવ્યો, લાઠીઓ વરસાવવામાં આવી અને ક્રુર રીતે કેન્દ્રના મંત્રીના પુત્રએ ખેડૂતોને કચડી નાખ્યા તેમ છતાં કેન્દ્ર સરકારના મંત્રી કે સંત્રી આશ્વાસનના બે શબ્દ પણ ના બોલ્યા ઉલટું કેન્દ્રીય મંત્રીના ગુન્હેગાર પુત્રને બચાવવા માટે સતત દિલ્હી સુધી વ્યવસ્થા થઈ આ છે ભાજપાનો અસલી ચહેરો …!

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, આજે દેશમાં સંઘર્ષ કરતા બલિદાન આપીને શહાદત વહોરનાર ખેડૂતોની જીત થઈ છે અને તાનાશાહ શાસકોની હાર થઈ છે. ખેડૂત, ખેતી અને ગામડા તેમજ ભારત દેશને બરબાદ કરી નાખનારા ત્રણ કૃષિ કાળા કાયદા સામે સમગ્ર દેશમાં ખેડૂત સંગઠનો, ખેડૂત સમુદાયોમાં ભારોભાર આક્રોશ હતો. સંસદ થી લઈને સડક સુધી ખેડૂત સંગઠનોનું જન આંદોલન ૧૪-૧૪ મહિનાથી લડત લડે, ૭૦૦ થી વધુ ખેડૂતો શહિદ થયા પણ મોદી સરકારની પેટનું પાણી પણ નહોતુ હલતું. સરમુખત્યારશાહીથી માત્રને માત્ર પોતાના પાંચ ઉદ્યોગપતિ – મળતીયાઓને ફાયદા કરાવવા અને હિંદુસ્તાન અને ખેતીને બરબાદ કરનારા આ કાળા કાયદાની સામેનો જે રીતનો આક્રોશ વ્યાપ્યો હતો અને તાજેતરમાં પેટા ચૂંટણીના જે પરિણામો આવ્યા, જેમ પેટ્રોલ – ડીઝલના ભાવોમાં નજીવો ઘટાડો કરવાની ફરજ પડી તેજ રીતે આ કાળા કાયદા પણ આગામી પાંચ રાજ્યોની ચૂંટણીને ધ્યાનમાં લઈને પાછા ખેંચવાની ફરજ પડે છે. આ ખેડૂત સંગઠનોનો, દેશના ખેડૂતોનો વિજય છે.

Most Popular

To Top