ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવને રોકવા માટે લાવવામાં આવેલા વિવાદાસ્પદ UGC નિયમો પર કેન્દ્ર સરકાર પુનર્વિચાર કરવા જઈ રહી છે. સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે તેઓ આ નિયમોની ફરીથી તપાસ કરી રહ્યા છે અને તેની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરવા ઈચ્છે છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે તમામ વર્ગોના વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખવામાં આવશે, જેથી કોઈ પણ વિદ્યાર્થી અસંતુષ્ટ કે ભયભીત ન અનુભવે. જસ્ટિસ સૂર્ય કાંતે દરેક વિદ્યાર્થીના હિતોના રક્ષણની આવશ્યકતા પર ભાર મૂકતા કહ્યું કે આવા નિયમો ઘડતી વખતે દેશની યુવા પેઢીને ધ્યાનમાં રાખવી જોઈએ. તેમણે પુનરોચ્ચાર કર્યો કે તમામ વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવામાં આવશે અને યુવા પેઢીના ભવિષ્ય તથા કલ્યાણનો સંપૂર્ણ ખ્યાલ રાખવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે અગાઉ આ નિયમોના અમલીકરણ પર રોક લગાવી હતી
કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓમાં દલીલ કરવામાં આવી છે કે આ નિયમો ભેદભાવપૂર્ણ છે અને ‘સામાન્ય’ વર્ગના વ્યક્તિઓના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. અગાઉની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ નિયમોના અમલીકરણ પર રોક લગાવી હતી. કોર્ટે અવલોકન કર્યું હતું કે આ નિયમોની ભાષામાં સ્પષ્ટતાનો અભાવ છે અને તેનો દુરુપયોગ થઈ શકે છે. કોર્ટે સરકારને સૂચન કર્યું હતું કે નિયમોનું પુનઃમૂલ્યાંકન કરવા માટે એક નવી સમિતિની રચના કરવામાં આવે.
શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા રોહિત વેમુલા કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાંથી જાતિ આધારિત ભેદભાવ દૂર કરવા માટે નિયમો ઘડવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ UGC દ્વારા નવા નિયમો લાવવામાં આવ્યા જેમાં તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ‘સમાનતા સમિતિ’ (equality committee)ની રચના કરવી ફરજિયાત બનાવવામાં આવી. SC, ST અને OBC વર્ગના વિદ્યાર્થીઓ આ સમિતિ સમક્ષ જાતિ આધારિત ભેદભાવ અંગે ફરિયાદ નોંધાવી શકે છે. SC અને ST સમુદાયના વિદ્યાર્થીઓને આવી ફરિયાદો નોંધવાનો અધિકાર પહેલેથી જ હતો પરંતુ નવા નિયમો દ્વારા આ જોગવાઈમાં OBC વર્ગના વિદ્યાર્થીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. વધુમાં આ સમિતિમાં SC, ST અને OBC સમુદાયોના પ્રતિનિધિઓ હોવા જરૂરી છે. જોકે આ સમિતિમાં ‘ઉચ્ચ’ જાતિ વર્ગના પ્રતિનિધિનો સમાવેશ કરવાની કોઈ જોગવાઈ નથી. વિવાદનો બીજો મુદ્દો એ છે કે અગાઉ ખોટી ફરિયાદ કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવાની જોગવાઈ હતી પરંતુ UGCએ નવા નિયમોમાં આ જોગવાઈ દૂર કરી દીધી છે.
સુપ્રીમ કોર્ટના નિર્દેશોને પગલે સરકારે UGC એક્ટમાં સુધારો કર્યો હતો. UGCએ ૧૩મી જાન્યુઆરીએ આ નવા નિયમો જાહેર કર્યા. જોકે આ નિયમોને કારણે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. નિયમોનો વિરોધ કરનારાઓનું કહેવું છે કે UGC એક્ટમાં આપવામાં આવેલી ભેદભાવની વ્યાખ્યા સૂચવે છે કે જાતિ આધારિત ભેદભાવ માત્ર SC, ST અને OBC સમુદાયના વ્યક્તિઓ વિરુદ્ધ જ થાય છે જ્યારે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને કોઈ સંસ્થાકીય સુરક્ષા આપવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટની એક બેન્ચે જેની અધ્યક્ષતા મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાંત કરી રહ્યા હતા આ મામલાની સુનાવણી દરમિયાન UGCના આ નિયમોના અમલીકરણ પર રોક લગાવી દીધી છે.