સુરત (Surat): સુરતના છેવાડે આવેલા સરસાણા (Sarsana) ગામમાં ચોરોનો (Thief) આતંક વધી ગયો છે. અહીં ચડ્ડી બનિયાન ધારી ચોરો બિન્ધાસ્ત આવી ચોરી કરી જતા રહે છે. સોમવારની રાત્રે પણ અહીં 8 જેટલાં ચડ્ડી બનિયાન ધારી ચોરો આવ્યા હતા. તેઓના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ ચોર ટોળકીને કોઈનો ડર નથી. તેઓ સરસાણા ગામના મકાનોમાંથી ચોરી કર્યા બાદ બિન્ધાસ્ત ટહેલતા ટહેલતા જઈ રહ્યાં છે.
સરસાણા ગામમાં આ અગાઉ પણ વાહનચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા હતા. હજુ પંદરેક દિવસ પહેલાં જ ગામમાં ત્રણ જેટલા વાહનચોર યુવાનો આવ્યા હતા અને ખૂબ જ સરળતાથી મકાનોની બહાર પાર્ક કરેલા વાહનો ચોરીને જતા રહ્યાં હતાં. વાહનચોરીના સીસીટીવી વીડિયો ફૂટેજ બહાર આવ્યા બાદ ગ્રામજનો ચિંતામાં મુકાયા હતા અને પોલીસ તંત્રને ગામમાં પેટ્રોલિંગ વધારવા વિનંતી કરી હતી, પરંતુ તેનો કોઈ ફરક પડ્યો હોય તેવું લાગતું નથી.
સોમવારની રાત્રે સરસાણા ગામમાં ફરી એકવાર ચોર ટોળકીનો આતંક જોવા મળ્યો છે. ગામના એક મકાનની બહાર મુકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં ચડ્ડી બનિયાન ધારી ટોળકીની ગતિવિધિ કેદ થઈ ગઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે 8 જેટલાં ચડ્ડી બનિયાન ધારી ચોરો ગામના ફળિયામાં બિન્ધાસ્ત ફરી રહ્યાં છે. આ ચોર ટોળકી પોતાની સાથે ઝોલામાં તાળાં તોડવાના ઓજારો લઈને ફરી રહ્યાં છે, તેઓની ચાલ પરથી લાગે છે કે જાણે તેઓને કોઈનો ડર નથી. આ ઘટના બાદ સરસાણા ગામના લોકો ભયમાં મુકાઈ ગયા છે. અહીં ગમે ત્યારે મોટી ચોરી લૂંટફાટની અનિચ્છનીય ઘટના બને તેવો ડર ગ્રામજનોને સતાવી રહ્યો છે. ગ્રામજનોએ સરસાણા ગામમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠાવી છે.