National

ઈન્દોરમાં અમિત શાહે કર્યો ચૂંટણીનો પ્રચાર, કહ્યું આજથી જ આપણે દરેક બૂથ પર સખત મહેનત કરવી પડશે

ઈન્દોર : ભારતીય જનતા પાર્ટીએ (BJP) મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) વિધાનસભા ચૂંટણી (Assembly elections) માટે પ્રસાર શરુ કરી દિધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ઈન્દોરમાં (Indore) બૂથ કોન્ફરન્સ (Booth Conference) કાર્યક્રમ સાથે ચૂંટણી પ્રચારની પણ શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં હાજર લોકોને સંબોધતા તેમણે કહ્યું હતું કે આજથી વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ગયો છે. આજથી જ આપણે દરેક બૂથ પર સખત મહેનત કરવી પડશે અને ફરી એકવાર રાજ્યમાં ભાજપ સરકાર બનાવવાની છે.

કાર્યક્રમમાં લોકોને સંબોધતા તેમણે વધુમાં કહ્યું હતું કે અહીંની શિવરાજ સરકારે હંમેશા જનહિત માટે કામ કર્યું છે અને આના પરિણામે આજે મધ્યપ્રદેશ જે એક સમયે પછાત રાજ્યોમાં ગણાતું હતું તે હવે દેશના અગ્રણી રાજ્યોમાંનું એક છે. અમિત શાહે કહ્યું હતું કે દેશમાં બીજેપીનું શ્રેષ્ઠ સંગઠન મધ્યપ્રદેશમાં જ છે. તેમણે કહ્યું હતું કે આ મજબૂત સંગઠનનું પરિણામ છે કે 2014 અને 2019ની ચૂંટણીમાં મધ્યપ્રદેશના લોકોએ ભાજપ પર આશીર્વાદ વરસાવ્યા હતો.

કોંગ્રેસની સરકાર વખતે આલિયા, જમાલિયા પાકિસ્તાનથી આવતા હતા : શાહ
અગાઉની કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે કોંગ્રેસની સરકાર વખતે આલિયા, જમાલિયા પાકિસ્તાનથી આવતા હતા અને ગોળીબાર કરીને જતા રહ્યા હતા. પરંતુ અમારી સેનાએ પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને તેમના આતંકવાદીઓને ખતમ કરી નાખ્યા હતા. જે વડાપ્રધાનની દ્રઢ ઈચ્છાશક્તિના કારણે બન્યું છે. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને અટકાવી અને ભટકાવી રહી છે. પરંતુ મોદીજીના નેતૃત્વમાં કોર્ટનો નિર્ણય આવ્યો અને મોદીજીએ રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું. આજે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે.

સરકારે અમારા કાર્યકરોને હેરાન કર્યા છે : ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા
કાર્યક્રમમાં હાજર ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ કહ્યું હતું કે જો માલવા જીતશે તો અમે મધ્યપ્રદેશ જીતીશું. કોંગ્રેસ સરકારે અમારા કાર્યકરોને હેરાન કર્યા છે. હવે અમારો કાર્યકર દિલથી, ચૂંટણીમાં કોંગ્રેસને હરાવીને બદલો લેવા માટે તૈયાર છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે અમે ક્યારેય ભ્રષ્ટાચાર સાથે સમાધાન કર્યું નથી. અમે સુશાસન સાથે આગળ વધ્યા છીએ. આ જ કારણ છે કે વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે.

Most Popular

To Top