World

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં બોમ્બ બ્લાસ્ટ, 35ના મોત, 200 ઘાયલ

ખૈબર પખ્તુનખ્વા : પાકિસ્તાનના (Pakistan) ખૈબર પખ્તુનખ્વામાં (Khyber Pakhtunkhwa) રવિવારે જોરદાર વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં (blast) 35લોકોના મોત થયા છે, જ્યારે 200 લોકો ઘાયલ હોવાનું કહેવામાં આવ્યું છે. આ બ્લાસ્ટ ખૈબર પખ્તુનખ્વાના બાજૌર જિલ્લાના ખાર તહસીલમાં થયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર જમીયત ઉલેમા ઈસ્લામ-ફઝલ (JUI-F)ની કોન્ફરન્સ દરમિયાન આ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતા લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડ લગાવી રહ્યા હતા. આ બ્લાસ્ટમાં ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને તત્કાલિક પેશાવર અને તિમરગેરાની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. જોકે હાલ આ બલ્સટમાં જીવ ગુમાવનાર લોકોની સંખ્યા 35 છે, પરંતુ અધિકારીઓનું કહેવું છે કે આ બ્લાસ્ટમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. આ સાથે મળતી માહિતી અનુસાર વિસ્ફોટમાં જમીયત ઉલેમા ઈસ્લામ-ફઝલના અગ્રણી નેતા મૌલાના ઝિયાઉલ્લા જાનનું પણ મોત થયું છે.

JUI-Fના વડા મૌલાના ફઝલુર રહેમાને પાર્ટીના મીડિયા સેલ દ્વારા જારી કરેલ એક નિવેદનમાં આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે વડાપ્રધાન શાહબાઝ શરીફ અને સ્થાનિક સરકાર પાસેથી હુમલાની તપાસની માંગ કરી છે. આ સાથે રહેમાને ઘાયલો જલ્દિથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના પણ કરી છે. તેમજ JUI-Fના કાર્યકરોને તાત્કાલિક હોસ્પિટલો પહોંચીને રક્તદાન કરવાની અપીલ કરી હતી.

JUI-Fના નેતા હાફિઝ હમદુલ્લાએ કહ્યું હતું કે તેઓ આજે કોન્ફરન્સમાં ભાગ લેવાના હતા પરંતુ કેટલીક અંગત પ્રતિબદ્ધતાઓને કારણે હાજર રહી શક્યા નથી. મીડિયા સાથે વાત કરતો એક JUI-Fના નેતાએ કહ્યું હતું કે હું બ્લાસ્ટની સખત નિંદા કરું છું અને તેની પાછળના લોકોને સંદેશ આપવા માંગુ છું કે તે જેહાદ નથી પરંતુ આતંકવાદ છે.

હમદુલ્લાએ માંગ કરી હતી કે વિસ્ફોટની તપાસ થવી જોઈએ. એમ પણ કહ્યું કે અગાઉ પણ JUI-Fને નિશાન બનાવવામાં આવ્યા છે. અમે સંસદમાં આ અંગે અમારો અવાજ ઉઠાવ્યો હતો પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેમણે મૃત્યું પામેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને પ્રાંતીય સરકારને ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ પૂરી પાડવા વિનંતી પણ કરી હતી.

જમાત-એ-ઈસ્લામીના સેનેટર મુશ્તાક અહેમદે પણ વિસ્ફોટની નિંદા કરી હતી અને મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. મુશ્તાક અહેમદે એક ટ્વીટ પણ કર્યું હતું જેમા તેમણે લખ્યુ હતું કે કેન્દ્ર અને પ્રાંતીય સરકારો, ગુપ્તચર એજન્સીઓ લોકોની સુરક્ષા કરવામાં સંપૂર્ણ પણે નિષ્ફળ રહી છે. આતંકવાદનું પુનરાગમન એ સાબિત કરે છે કે સરકારની સુરક્ષા નીતિ નિષ્ફળ ગઈ છે. ખૈબર પખ્તુનખ્વાના આદિવાસી જિલ્લાઓ આ આગની વચ્ચે છે.

Most Popular

To Top