Dakshin Gujarat

એવું તો શું થયું કે ભરૂચમાં પેકેજિંગનો 11 કરોડનો માલ કંપનીના સિક્યુરિટી ગાર્ડે જ સળગાવી દીધો..

ભરૂચ: (Bharuch) ભરૂચના ઉધોગનગર ભોલાવમાં તા.‌૨૨ માર્ચે સવારે નર્મદા પેકેજીંગ અને એજ પરિવારની આશાપુરા ટ્રેડિંગમાં લાગેલી ભયાનક આગ (Fire) સિક્યુરિટી ગાર્ડે (Security Guard) જ લગાડી હોવાનું સીસીટીવી ફૂટેજમાં બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી છે. જો કે, તેણે કયા કારણસર આ કૃત્ય કર્યું તેની તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

  • ભરૂચની નર્મદા પેકેજિંગમાં ૧૧ કરોડનો માલ સિક્યુરિટી ગાર્ડે જ સળગાવી દીધો હતો
  • સીસીટીવી ફૂટેજના આધારે સિક્યુરિટી ગાર્ડની ધરપકડ, શા માટે આગ લગાડી તેની તપાસ શરૂ

ઝાડેશ્વર રોડ શ્રીજી સદન લક્ષ્મીનારાયણ બિલ્ડિંગમાં રહેતા મહેશ શંકરલાલ નારાયણજી ભાનુશાલીની ભરૂચ GIDC ભોલાવ ફેઇઝ-૨ માં નર્મદા પેકેજિંગ નામની ફેક્ટરી આવેલી છે. જેમાં પ્લાસ્ટિકની યુરીયા ખાતર, ઘઉં ભરવાની બેગ બનાવવાનું તથા ટાર્સોલીન (તાડપત્રી) બનાવવાનું કામ કરવામાં આવે છે. તેની બરાબર બાજુમાં તેમના પિતાજી શંકરલાલના નામે આશાપુરા ટ્રેડિંગ નામનો યુનિટ છે. જેમાં પ્લાસ્ટિકનું ગોડાઉન, બેગ – સેક્રિગેશન તથા બનાવેલી તાડપત્રી અને રોલ રાખી છેલ્લા ૨૦ વર્ષથી વેપાર કરે છે.

બંને ફેક્ટરીમાં પૈકી ૧૧ માણસો કામ કરે છે. દરમિયાન ગઇ તારીખ ૨૦ માર્ચે તેમની બંને ફેક્ટરીમાં આગ લાગી હતી અને આ ઘટના અંગે તેમના સિક્યુરિટી ગાર્ડ મનોજ બકરેએ જ તેમને ફોન કરી આપી હતી. બે દિવસ બાદ સંપુર્ણ રીતે આગ ઓલવાયા પછી ભરૂચ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણ કરાઈ હતી. PI હસમુખ ગોહિલ અને સ્ટાફે તપાસ શરૂ કરી હતી. ફેક્ટરીની સામે અવી ટ્રાવેલ્સનું પાર્કિંગ તથા સર્વિસ સ્ટેશનના CCTV કેમેરા પોલીસે તપસ્યા હતા. ઘટનાના દિવસે સવારે ૭.૧૮ કલાકે નવો સિક્યુરીટી ગાર્ડ મનોજ નટવરલાલ બકરે (રહે. હરીનગર સોસાયટી નંદેલાવ ભરૂચ) CCTV માં કેદ થયો હતો. પોતાની પાસેની માચીસ બોક્ષથી આશાપુરા ટ્રેડિંગના આગળના ભાગે રાખવામાં આવેલ પ્લાસ્ટિકની બેગમાં આગ લગાડતો દેખાયો હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરી કયા કારણસર આગ લગાડી છે તેની તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top