National

બંગાળ: સંદેશખાલી જઈ રહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ ઘાયલ, મમતા સરકારનો વિરોધ કરી રહ્યા હતા

કોલકાતા: પશ્ચિમ બંગાળના (West Bengal) સંદેશખાલીમાં આજે બુધવારે ભાજપના (BJP) કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને બાલુરઘાટના સાંસદ સુકાંત મજુમદાર ઘાયલ (Wounded) થયા હતા. પહેલા તેમને બસીરહાટની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સાંજે તેમની તબિયત બગડતાં ડોક્ટરોએ તેમને કોલકાતાની એપોલો હોસ્પિટલમાં રેફર કરી દીધા હતા.

વાસ્તવમાં સુકાંત મજમુદાર ભાજપના કાર્યકરો સાથે હિંસાગ્રસ્ત ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં બળાત્કાર પીડિતાને મળવા જઈ રહ્યા હતા. પરંતુ બસીરહાટ પોલીસે મંગળવારે તેમને ટાકીના એક ગેસ્ટ હાઉસમાં અટકાવ્યા હતા. અહીંથી સંદેશખાલી 30 કિલોમીટર દૂર છે.

દરમિયાન સુકાંતે બુધવારે સવારે ફરી એકવાર સંદેશખાલી જવાનો આગ્રહ કર્યો હતો. તેમજ પોલીસે તેમને ફરીથી રોક્યા હતા. જેના મામલે પોલીસ અને ભાજપના કાર્યકરો સાથે ઘર્ષણ થયું હતું. દરમિયાન પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. આ દરમિયાન સુકાંત એક કાર પર ઉભા રહી મીડિયા સાથે વાત કરવા લાગ્યા હતા. ત્યારે તેમનો પગ લપસી ગયો અને તેઓ બોનેટ પર પડ્યા હતા. તેમજ જે કાર ઉપર તેઓ પટકાયા તે કાર ઉપર પોલીસનું સ્ટીકર લાગેલું હતું.

દરમિયાન સુકાંત મજુમદારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે રાજ્ય પોલીસે સંદેશખાલી જતા રોકવા માટે તેમના લોજની ઘેરાબંધી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે તેમણે પ્રદર્શનકારીઓને મળવા બુધવારે સંદેશખાલી જવાનું હતું.

તેમણે આગળ કહ્યું, ‘ગઈકાલના વિરોધ પછી, મેં ઝડપથી સંદેશખાલી પહોંચવા માટે ટાકીમાં એક લોજમાં રહેવાનું નક્કી કર્યું હતું. તેમજ સવારે પોલીસે મારા લોજના પ્રવેશદ્વાર પર નાકાબંધી કરી દીધી હતી. તેમજ કોઈને બહાર જવાની મંજૂરી આપી નહી.

આ પહેલા સુકાંત મજમુદારે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ‘બસીરહાટ અને પશ્ચિમ બંગાળના અન્ય વિસ્તારોમાં હિંદુઓને ગુપ્ત રીતે પ્રાર્થના કરવી પડે છે. મમતા બેનર્જીએ પહેલાથી જ દુર્ગા પૂજા દરમિયાન મૂર્તિ વિસર્જન અટકાવી દીધું છે અને એક વાર તારીખ પણ બદલી છે. આ મમતા બેનર્જીની ગંદી રાજનીતિ છે. તે માત્ર તુષ્ટિકરણની રાજનીતિ વિશે વિચારે છે. પરંતુ લોકોના વિકાસ વિશે નહીં. હું સંદેશખાલી જવાની કોશિશ કરીશ.

સંદેશખાલીમાં સ્થાનિક મહિલાઓનું પ્રદર્શન
સંદેશખાલીમાં સ્થાનિક મહિલાઓ સતત વિરોધ કરી રહી છે. તેઓએ ટીએમસી નેતા શેખ શાહજહાં અને તેમના સહયોગીઓ પર તેમની જમીન પર બળજબરીથી કબ્જો કરવાનો અને તેમને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાઓએ શેખ શાહજહાંની ધરપકડની પણ માંગ કરી છે.

જણાવી દઈએ કે ગયા મહિને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ TMC નેતા શેખ શાહજહાંના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન શાહજહાંના સમર્થકોએ ED અધિકારીઓ પર હુમલો કર્યો હતો. જેમાં ત્રણ અધિકારીઓ ઘાયલ થયા હતા. આ અકસ્માત બાદ શાહજહાં ફરાર છે.

મહિલાઓ દ્વારા જાતીય સતામણીના આરોપો પર ભાજપના પ્રસ્તાવિત વિરોધને ધ્યાનમાં રાખીને મંગળવારે પોલીસ અધિક્ષક કચેરીની આસપાસ પ્રતિબંધના આદેશો લાદવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ફોજદારી કાર્યવાહી સંહિતા (CrPC) ની કલમ 144 હેઠળ સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી પ્રતિબંધનો આદેશ લાદવામાં આવ્યો છે.

Most Popular

To Top