Business

હિન્દુત્વવાદીઓની એકતાનો અસ્વીકાર કરનારા બધા જ નાસ્તિક છે?

ન્દુત્વવાદીઓ બસ આટલું જ ઈચ્છે છે, તમે હિંદુ પરિવારમાં જન્મ્યા છો એટલે હિંદુ છો એટલું સ્વીકારો. જેમ ગુજરાતી પરિવારમાં જન્મેલો માણસ ગુજરાતી હોવાપણાને નકારતો નથી એમ તમારે હિંદુ હોવાપણાને નકારવાનું નથી. તમે આસ્તિક છો કે નાસ્તિક, શૈવ છો કે વૈષ્ણવ, કબીરપંથી છો કે નાનકપંથી, સનાતની હિંદુ છો કે બૌદ્ધ કે જૈન જેવા શ્રમણધર્મી એની સાથે અમને કોઈ લેવાદેવા નથી. તમે ઉપર કહ્યા એવા કોઈ પણ પ્રકારના હિંદુ પરિવારમાં જન્મ્યા છો અને માટે હિંદુ છો અને આ દેશમાં હિંદુઓ બહુમતીમાં છે એટલે હિન્દુસ્તાન હિંદુઓનો દેશ છે.

ઉપરથી જો તમે આટલું નિષ્ઠાપૂર્વક સ્વીકારી લેશો તો હિન્દુસ્તાન હજુ વધુ મોટા પ્રમાણમાં હિંદુઓનો દેશ બનશે. દરેક રીતે હિંદુઓનો દેશ બનશે. સંખ્યાથી બનશે, વિધર્મીઓ સામે રાજકીય સરસાઈની દૃષ્ટિથી બનશે, વિધર્મીઓ સામે આર્થિક સરસાઈની દૃષ્ટિથી બનશે, વિધર્મીઓ સામે સાંસ્કૃતિક સરસાઈ મેળવીને હિન્દુસ્તાનને હિંદુઓનો દેશ બનાવી શકાશે. એમ દરેક રીતે ફાયદો જ ફાયદો છે. બસ, તમે હિંદુ હોવાની કોમી ઓળખ સ્વીકારી લો, તમારી અંગત શ્રદ્ધા સાથે બાંધછોડ કર્યા વિના!

હિન્દુત્વવાદીઓને ખરેખર એમ લાગે છે કે તેઓ સાવ સ્વાભાવિક અને હિંદુઓ માટે અત્યંત જરૂરી માગણી કરી રહ્યા છે. આમાં ખોટું શું છે? હિંદુ તેની દરેક પ્રકારની સાંપ્રદાયિક ઓળખ ફગાવીને અને જોઈએ તો રાખીને હિંદુ ઓળખ અપનાવે તો એમાં આટલો ગોકીરો શા માટે? આ તો એકતાની દિશામાં પહેલો કદમ થયો. નિર્બળ અને સબળ વચ્ચે ક્યારેય સાચી એકતા ન સધાય. માનવીય એકતાની વાત કરનારા ગાંધીજી જેવા આ સનાતન સત્ય સમજતા નથી એટલો જ તેમની સાથે અમારો મતભેદ છે. સાચી એકતા સ્થાપવી હોય તો નિર્બળે સબળ થવું જોઈએ અને તેને માટે એકતા જરૂરી છે.

આખરે ગાંધીજી પણ તો અંગ્રેજો સામે સંગઠીત થવાની વાત કરી રહ્યા છે. તેઓ મોટો ઠેકડો મારવાની વાત કરી રહ્યા છે જે અવ્યવહારુ છે, જ્યારે અમે એક પછી એક પગલું માંડવાની વાત કરી રહ્યા છે. એક વાર બહુમતી પ્રજા પોતાનાં સપનાનાં ભારતને વાચા અને આકાર આપે એ પછી બીજી પ્રજાને કહી શકાય કે જુઓ, પરિવારના બહુમતી સભ્યોએ જીવનની આ રીતી અપનાવી છે જેનાં મૂળ આપણી સંસ્ક્રુતિ અને ઇતિહાસમાં છે અને તમારે થોડી બાંધછોડ કરીને તેને સ્વીકારવી જોઈએ.

આખી વાત બહુ નિર્દોષ લાગે છે નહીં? દેશની બહુમતી પ્રજા એક ઓળખ અપનાવીને અને એક થઈને તેનાં સપનાનાં ભારતને વાચા આપે અને આકાર આપવાનો પ્રયત્ન કરે તેમાં ખોટું શું છે? આટલો બધો વિરોધ શા માટે? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યોને ખરેખર પ્રામાણિકતાપૂર્વક આવું લાગે છે. હું એવા અનેક હિન્દુત્વવાદીઓને ઓળખું છું જે કહે છે કે અમારી અને તમારી વચ્ચે કોઈ મતભેદ જ ન હોવો જોઈએ. પહેલાં હિંદુઓ એક થાય અને પછી દેશની દરેક પ્રજા એક થાય.

સવાલ એ છે કે શા માટે હિન્દુત્વવાદીઓ જેને સાવ સામાન્ય, નિર્દોષ અને અનિવાર્ય સમજે છે તેને ઘણાં હિંદુઓ સ્વીકારવા તૈયાર નથી? શું તેઓ હિન્દુત્વવાદીઓ કરતાં ઓછા બુદ્ધિશાળી છે? શું તેઓ દેશને ઓછો પ્રેમ કરે છે? શું તેઓ બીકણ છે? આઝાદીની લડતમાં તો માત્ર એવા જ હિંદુઓએ ભાગ લીધો હતો જેઓ હિંદુએકતાની જગ્યાએ રાષ્ટ્રીયએકતાને મહત્ત્વ આપતા હતા અને તેમણે દરેક પ્રકારના ત્યાગ કર્યા હતા. કેટલાકે તો જાનનું બલીદાન આપ્યું હતું.

બીજી બાજુએ હિન્દુત્વવાદીઓ આઝાદીની લડતથી દૂર રહ્યા હતા. શું તેઓ હિંદુ ધર્મ કરતાં પરાયા ધર્મને વધારે પ્રેમ કરે છે? શું તેઓ હિંદુ વિરોધી છે? હિન્દુત્વવાદીઓની હિંદુએકતાની વાતનો અસ્વીકાર કરનારા બધા જ નાસ્તિક છે? એવા અનેક હિંદુઓ મળી આવશે જે ધર્મનિષ્ઠ છે અને છતાંય હિન્દુત્વવાદીઓની આ વાત સ્વીકારવા તૈયાર નથી. શા માટે? એવું શું છે જેને હિન્દુત્વવાદીઓની દૃષ્ટિએ લાપસીની જેમ ગળે ઉતરી જવી જોઈએ એવી વાત પણ સ્વીકારવા તૈયાર નથી. હિન્દુત્વવાદીઓએ અને આજકાલ જે લોકો એકાએક દેશપ્રેમી હિંદુ બની ગયા છે તેમણે આનો ઉત્તર શોધવો જોઈએ.

મારી વાચકોને સલાહ છે કે તમે ઈતિહાસ, દર્શનશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, સમાજવિજ્ઞાનનાં બીજાં ક્ષેત્રો, વિદેશવ્યવહાર, ટોચના સંરક્ષણ, વિજ્ઞાનનાં ક્ષેત્રો, એન્જીનીયરીંગનાં ક્ષેત્રો, આયુર્વિજ્ઞાન, વિવિધ ભારતીય ભાષાઓના સાહિત્યકારો, ભાષાશાસ્ત્રીઓ, સંગીત, ચિત્રકલા, નૃત્ય, નાટક જેવા વિવિધ કલાપ્રકારો, મેનેજમેન્ટ, આંદોલનકારીઓ, કાનૂન અને બંધારણવિદો, વગેરે વિષયોની એક યાદી બનાવો. આવા સો વિષયોની યાદી સહેજે બની શકશે.

એ પછી એ ક્ષેત્રોમાં કે વિષયોમાં ટોચના દસ-દસ લોકોની યાદી બનાવો. કુલ એક હજાર એવા લોકો મળી આવશે જેમણે જે તે વિષયોમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને એ દ્વારા તેમણે સમાજને અને દેશને પ્રતિષ્ઠા અપાવી છે. એમાં એકલા હિંદુઓને પસંદ કરવાની જરૂર નથી. હિંદુઓને પહેલાં પસંદ કરો, પણ એ સાથે બીજા ધર્મીઓને પણ પસંદ કરો. એકલા ભારતીયોને પણ પસંદ કરવાની જરૂર નથી, વિદેશોમાં આ ક્ષેત્રોમાં યોગદાન આપનારાઓને પણ પસંદ કરો. આવા એક હજાર શું તેનાથી ઘણાં વધારે બત્રીસલક્ષણા મેધાવીઓ દુનિયાભરમાંથી મળી આવશે.

જેમણે તેમના અનોખા યોગદાન દ્વારા સમાજને ઉપર ઉઠાવ્યો છે એવા હજારેક લોકોની યાદી (જે બનાવવી જરાય મુશ્કેલ નથી) બનાવ્યા પછી તેમના વિશેની માહિતી એકઠી કરો અને તપાસી જુઓ કે તેમાંના કેટલા લોકો ધાર્મિક કોમી ઓળખ અને કોમી એકતાને મહત્ત્વ આપતા હતા કે આપે છે. હું ખાતરીપૂર્વક કહું છું કે ધાર્મિક કોમી ઓળખ અને કોમી એકતાને મહત્ત્વ આપનારા હજારમાંથી દસ માંડ મળશે. તમે પોતે ખાતરી કરી જુઓ. માત્ર હિંદુઓ અને ભારત નહીં, જગતના દરેક ધર્મો અને દરેક દેશોમાં આ જ હકીકત નજરે પડશે. જેઓ તેજસ્વી છે, મેધાવી છે, મૌલિકતા ધરાવે છે, પુરુષાર્થી છે, જેમણે દુનિયાને નવી દિશા આપી છે અને નવી રીતે વિચારતા શીખવાડ્યું છે, અલગ કેડી કંડારી આપી છે એવા લોકોએ હિંદુ સહિતની કોઈ કોમી ઓળખ સ્વીકારી નહોતી કે સ્વીકારતા નથી.

Most Popular

To Top