Columns

ભારત સિવાય અન્યત્ર આર્થિક બેહાલી ફાટી નીકળી છે

ભારતના સરેરાશ લોકોની હાલાકી આર્થિક સ્થિતિ થોડી તકલીફદાયક હશે પણ સાવ કથળી નથી. તે સામે યુરોપ-અમેરિકા અને ચીનમાં જે સમય અને સ્થિતિ આવી ગયા છે અને હજુ ખૂબ વધુ વણસવાનાં એંધાણ મળી રહ્યાં છે ત્યારે સહજ સવાલ થાય કે ભારત તેનાથી અછૂત કે અલિપ્ત થાય કે ભારત તેનાથી અછૂત કે અલિપ્ત રહી શકશે ખરૂં? ઇંગ્લેન્ડ અને યુરોપિયન દેશોની લોકોને રશિયન ગેસની સપ્લાય આંશિકપણે બંધ થઇ છે. વીજળીની કિંમત ખૂબ વધી છે. લોકો ઘરમાં કાયમ માટે બાંધી રાખવામાં આવેલા હાર્થ (દિવાલ સગડી)માં બળતણ, ઇંધણનું તાપણુ કરે તો આગની ચેતવણી માટે દરેક ઘરોમાં રાખેલી એલાર્મ બેલ, ધૂમાડો પામી જઇને રણકી ઊઠે છે. વરસોથી યુરોપની મોટા ભાગની પ્રજાએ લાકડાના કે કોલસાનું ઇંધણ વાપરવાનું બંધ કર્યું છે અને દરેક ઘરોમાં સ્મોક ડિટેકટર કરતાં એલાર્મ બેલ ગોઠવ્યાં છે.

બીજી તરફ ચીનમાં પ્રમુખ શી ઝિનપિંગ કોરોના ફોલિયાથી પીડાઇ રહ્યા છે. વાસ્તવમાં એમનો આ ફોબિયા કોઇ અન્ય ફોબિયાની આડઅસર રૂપે જન્મ્યો છે. એ ફોલિયા એવો છે કે જો ભારત, ઇંગ્લેન્ડ કે અમેરિકાની ડ્રગ્સ અને વેકસિન કંપનીઓએ વિકસાવેલી વેકિસન ચીની લોકોને આપવામાં આવશે તો તે વેકિસન ચીનાઓના શરીરમાંથી બકરૂં કાઢીને ઊંટ પેસાડી દેશે. બીજી તરફ ચીન પોતે પોતાની અસરકારક વેકિસન તૈયાર કરી શકયું નથી.

દરમિયાન ભારતે એક વરસ અગાઉ ચીન જેટલી જ ભારતની વસ્તીને, ઘર આંગણે વિકસાવેલી વેકિસનના ડબલ ડોઝ આપી દીધા. બુસ્ટર ડોઝની સુચારૂં વ્યવસ્થા કરી, પણ લોકોને તેની ખાસ જરૂર જણાઇ નથી. ભારતમાં એક દિવસ તો માત્ર 15 નવા કેસ નોંધાયા હતા જયારે ચીનમાં હજારોની સંખ્યામાં નવા કેસ આવે છે. શી ઝિનપિંગને ડર છે કે કોરોના ફેલાશે તો ચીનના ઉદ્યોગ ધંધા ઠપ થશે. આર્થિક વિકાસ નેગેટિવમાં જતો રહેશે. માટે વારંવાર લોકડાઉન જાહેર કરે છે અને પરિણામે લોકોની આવક, રોજી રોટી અટકી જાય છે. લોકડાઉનની નીતિ સામે લોકો મોટા પાયે વિરોધ નોંધાવી રહ્યા છે, પ્રદર્શનો કરે છે.

શી ઝિનપિંગની સત્તા મોળી પડી ગઇ તો ભલે પડી,ચીનની આર્થિક તાકાત ઘટતી ચાલી છે. શી ઝિનપિંગને કયા પડખે સુવું તે સમજાતું નથી. કોઇ શેહ ભાતી નહીં. ચીનની આ કથળતી આર્થિક સ્થિતિની અસર અન્ય દેશો પર પણ પડવાની છે, પરંતુ ભારત પોતે  જ એક મોટો ખંડ છે. તે પોતાની રીતે જ વ્યવહારો કરીને પોતાનું અર્થતંત્ર ટકાવી રાખે છે. 2008 અને 09ની વૈશ્વિક આર્થિક કટોકટી અમેરિકા અને અન્ય દેશોને નડી હતી એટલી ભારતને નીડ ન હતી. છતાં સાવ અસર ન પડે તેમ નથી. વળી દુનિયાની બજારોનું જેમ જેમ વધુ માત્રામાં જાગૃતિકરણ થયું છે તેમ અસર પણ વધવાની.

હાલમાં જગતને ત્રણ સ્થિતિ આર્થિક બાબતમાં નિરસ બનાવી રહી છે. એક તો રશિયા-યુક્રેન યુદ્ધ, પરિણામે ઊર્જા સપ્લાયની તંગી અને ચીનની કોરોના નીતિ. ઊર્જાના અભાવે ઉદ્યોગો નથી ચાલતા. યુરોપ-અમેરિકામાં મોંઘવારીએ 40 વરસનો રેકોર્ડ તોડયો છે. જર્મનીમાં લાખો લોકો બે છેડા ભેગા થઇ શકે એટલું કમાઇ શકતા નથી. આવક ઘટી અને મોંઘવારીને કારણે ખર્ચ વધ્યા. યુરોપમાં અને જર્મનીમાં લાખો, કરોડો લોકો ફૂડ બેન્કમાં જઇ જે કંઇ સસ્તામાં કે મફતમાં મળે તે લઇ આવે છે. આ ફૂડ બેન્કો લોકોના ડોનેશનો પર નભે છે અને દાનનો પ્રવાહ પણ અટકી ગયો છે. એટલે નવા લોકોને સભ્યો તરીકે લેવાનું બંધ કરવામાં આવ્યું છે. આફ્રિકા, મિડલ ઇસ્ટના આરબ દેશો અને હવે યુક્રેઇનના લાખો નિરાશ્રિતો યુરોપના દેશોમાં થાળે પડયા છે. તેમાં જર્મની મોખરે છે. ધર્માદા સંસ્થાઓના રિપોર્ટ પ્રમાણે ફૂડ બેન્કોની ડિમાન્ડ ગયા વરસમાં હતી તેમાં કરતા આ વરસે 30 ટકા વધી છે અને શિયાળો આગળ વધશે તેમ તેમ ફૂડ બેન્કોની ડિમાન્ડ ખૂબ વધશે. યુરોપિયન યુનિયનમાં પણ સૌથી ગરીબ દેશ બલ્ગેરિયા ગણાય છે. ત્યાં માત્ર એક મહિનામાં ફૂડ બેન્કના ખોરાકની ડિમાન્ડમાં 75 ટકાનો વધારો થયો છે.

જર્મનીમાં કુલ 962 (નવસો બાસઠ) ફૂડ બેન્કો છે તેમાંની ત્રીજા ભાગ કરતા વધુ બેન્કોએ નવા સભ્યો સ્વીકારવાનું બંધ કર્યું છે. આ બેન્કો જ 20 લાખ લોકોને મફતમાં ભોજન પૂરું પાડે છે. લોકો ખાનગીમાં એકબીજાને મદદ કરે છે તે અલગ. જો તમામ અરજદારોને સભ્ય બનાવવામાં આવે તો લાભાર્થીઓની સંખ્યા માત્ર જર્મનીમાં જ 50 લાખથી વધી જાય તેમ છે. નિર્મલા સીતારામન જયારે કહે છે કે ડોલરનું મૂલ્ય વધ્યું છે, રૂપિયાનું ઘટયું નથી તે વાત સાચી છે. ડોલર સામે પાઉન્ડ, યુરો, રૂબલ, રિયાલ વગેરે અનેક ખૂબ ઘટયા છે. પણ ડોલરની આ સ્થિતિ હવે અમેરિકાને જ નુકશાન પહોંચાડી શકે છે. ચીન અને વિશ્વના અન્ય દેશોને હવે અમેરિકાના મેનહટ્ટનમાં ઓફિસ રાખવાનું પોસાય તેમ રહ્યું નથી. ચીનમાં ઘર આંગણે કોવિડના ફફડાટમાં પ્રોડકશન્સ ઘટયું છે. આયાતો મોંઘી પડી રહી છે. ધંધામાં કસ રહ્યો નથી. અમેરિકનો પણ જે જરૂરી હોય તે જ ખરીદે છે. અમેરિકામાં ફૂગાવો વધતા ફેડરલ રિઝર્વ (બેન્ક) દ્વારા વ્યાજના દર વધારવામાં આવ્યા છે જેથી પ્રોડકશન અને બિઝનેસ મોંઘો પડે છે.

દુનિયામાં સૌથી તવંગર અને ખર્ચાળ ઓફિસો, શો રૂમ અને ઇમારતો ન્યુયોર્કના મેનહટ્ટનમાં છે એ સર્વવિદિત છે. જે મસમોટા ચાઇનીઝ રોકાણકારો અને કંપનીઓ હતી તેઓમાંની મોટા ભાગના હવે એ ભાડાની ઓફિસો ખાલી કરીને ચીન સિધાવી ગયા છે. વળી હવે કોઇ દૂરની જગ્યાએથી (વર્ક ફ્રોમ હોમ) કામ થઇ શકતું હોવાથી પણ ખૂબ મોટી ભપકાદાર ઓફિસોની જરૂરત રહેતી નથી. કેટલાક નિવેશકો અમેરિકાના જ કોઇ સસ્તા વિસ્તારમાં પહોંચી ગયા. હમણા જે એફટીએકસ ક્રિપ્ટો એકસચેન્જ 26 અબજ ડોલર સાથે કકડભૂસ થઇ ગયું તેનું મોટા ભાગનું કામ તો અમેરિકામાં થતું પણ તેના માલિક સેમ બેન્કમેને વેસ્ટ ઇન્ડિઝના બહામા ખાતે મુખ્ય કાર્યાલય રાખ્યું હતું જયાં કાયદાની ઝંઝટ ખાસ પજવતી નથી.

હવે મેનહટ્ટનના એસ્ટેટ બ્રોકરોને પાકે પાયે લાગી રહ્યું છે કે વધુને વધુ લોકો ભાડાની મિલકતો છોડીને જતા રહેશે અને આસમાનને અડતા અનેક ટાવરોની પ્રોપર્ટીની કિંમતોમાં મોટો ઘટાડો થશે. મેનહટ્ટન લો કે દુનિયાનો કોઇપણ પ્રાઇમ ઓફિસ વિસ્તાર લો. લોકો કહેતા જોવા મળે છે કે ખર્ચનો ભાર ખૂબ વધી ગયો છે તે ફરજિયાતપણે ઓછો કરવો પડશે. મેનહટ્ટનમાં ઘણા લોકો ડિસ્ટ્રેસ સેલ કરવા માંડયા છે. મોટી મોટી રીઅલ એસ્ટેટ કંપનીઓના શેરની કિંમતો અડધી થઇ ગઇ છે. બ્લેકસ્ટોન નામની પ્રાઇવેટ ઇકિવટી કંપનીએ તેના રોકાણકારોને જણાવી દીધું છે કે હમણા તે 125 અબજ ડોલરનું રીઅલ એસ્ટેટ ફંડ છે તેમાં રિડેમ્પશનની માંગણી સ્વીકારશે નહીં ત્યાં સુધી કે ફેસબુકની માલિક કંપની ‘મેટા’ એ પણ મેનહટ્ટનની 2 લાખ 50 હજાર ચોરસ ફીટની જગ્યા ખાલી કરી નાખવાનું નકકી કર્યું છે. અન્ય મોટીટેક કંપનીઓ પણ એ જ માર્ગે જઇ રહી છે.

ચીન આજે અમેરિકા પછી દુનિયાની બીજા ક્રમની સૌથી મોટી ઇકોનોમી છે. ચીનમાં વિદેશોથી આવતી આયાતની ડિમાન્ડ તેમજ ઘર આંગણાના વપરાશકારોની ડિમાન્ડ નોંધપાત્ર રીતે ઘટી છે. ગયા નવેમ્બરમાં ચીને જે કાચા માલની આયાત કરી તેમાં નવેમ્બર 2021ની સરખામણીમાં ડોલર ચૂકવણીની રીતે 7 ટકાની ઘટ પડી છે. લોકોના મોટા વિરોધ બાદ ચીન હવે પોતાની ઝીરો કોવિડ નીતિમાં છૂટકારો આપવા તૈયાર થયું છે, પણ પોતાની વેકિસન અસરકારક ન બને ત્યાં સુધી લાખો કામદારો બિમાર પડતા રહેવાના તે જોખમ પણ વધશે. ચીનને બીજી મુશ્કેલી યુક્રેન યુધ્ને જ કારણે નડી રહી છે જેમાં એ રશિયાને સાથ આપી રહ્યું છે.

યુરોપ-અમેરિકા અને દુનિયા આ યુદ્ધને પ્રતાપે આર્થિક સંકડામણમાં ફસાયા છે તેથી ચીનના માલસામાનની તે દેશોમાં ખપત પણ ઘટી છે. પરિણામે ચીનમાંથી થતી નિકાસ પણ ઘટી છે અને એટલે જ તો કાચા માલસામાનની આયાત ઘટાડવી પડી છે. આવા કપરાકાળમાં ચીન પોતાની પાસેનાં અણુબોમ્બની સંખ્યા 500 છે તે વધારીને 1500ની કરવા માંગે છે. કદાચ, પોતે નબળું પડયું નથી એવો સંકેત આપવા માગતું હશે અને નાટો – અમેરિકા પણ અણુ શસ્ત્રોનાં નિર્માણમાં બિનઉપજાઉં ખર્ચ વધારવા પ્રેરાય અને વધુ તકલીફમાં મુકાય એવી ચીનની ગણતરી હશે. બાકી આજે તો વિશ્વને ઉગારવાની વાત કરવી જરૂરી છે, વિનાશની નહીં.

ચીનની પ્રોપટી મારકેટ શી ઝિનપિંગનાં અપલખણોને કારણે બે વરસથી બેસી ગઇ છે. અન્ય એક જાણીતા ઉદ્યોગપતિ જેમ માએ ચીની સરકારની નીતિઓની સાવ હળવી આલોચના કરી ત્યારથી એમની કંપનીઓને રંઝાડવામાં આવી અને જેક મા લાંબો સમય અદૃશ્ય થઇ ગયા. છેલ્લા સમાચારો મુજબ હમણા એ ટોકિયોમાં દેખાયા અને હમણા જપાનમાં જ રહેવાના છે. એવરગ્રાન્ડ નામની ચીનની સૌથી મોટી આવાસ કંપની નાદાર થાય એ કપટ ઝિનપિંગની સરકાર દ્વારા આચરવામાં આવ્યું. હાલમાં ચીનની પ્રોપર્ટી માર્કેટની વેલ્યુ પચાસ ટકા થઇ ગઇ છે અને નવા મકાનોની ડિમાન્ડ માત્ર 30 ટકા રહી છે. આ વરસે ચીનનો વિકાસ દર 40 વરસમાં સૌથી ઓછો માત્ર ત્રણ ટકાથી સહેજ વધારે રહેવાનો છે. સરકારના અંદાજ કરતા પણ બે ટકાથી વધારે ઓછો રહેશે.

પણ આ બધી નકારાત્મક બાબતોની કિંમત દુનિયાની ગરીબ જનતાએ ચૂકવવી પડશે. ટ્રેડ વોર વધુ સબળ બનીને ફાટી નીકળશે. હમણા ચીનના ઝેનઝાઉ પ્લાન્ટ ખાતે એપલના હમણા ચીનના ઝેનઝાઉ પ્લાન્ટ ખાતે એપલના કર્મચારીઓ લોકડાઉનને પ્રતાપે કામ કરી શકયા ન હતા. એપલના કહેવા પ્રમાણે ક્રિસમસ સમયમાં એપલના ફોન વધારે વેચાતાં હોય છે પરંતુ પ્રોડકશન ઘટી ગયું હતું તેથી ક્રિસમસમાં સમયસર બધી ડિલિવરી થઇ શકશે નહીં. બીજી તરફ ડોલરની બાબતમાં અમેરિકાની સુપરપાવર મોનોપોલીને કારણે જગતના દેશો પણ ખફા છે. ઘણા દેશો અંદરો-અંદર અન્ય ચલણો દ્વારા વહેવાર સ્વીકારી રહ્યા છે. માત્ર ડોલર મોંઘો થાય ત્યારે દુનિયાના બાકીના દેશોના અર્થતંત્રો ખોરવાઇ જાય એ વાત પણ બરાબર નથી. આવતું નવું વરસ પણ આર્થિક બાબતે નવાઇ પમાડે તેવું નીવડી શકે છે, હાલમાં જગતને મહામંદીના આગમનનો ડર સતાવી રહ્યો છે પણ ઇતિહાસમાં એવું વારંવાર બન્યું છે કે જેનો ખૂબ ડર હોય એ સ્થિતિ આવતી જ નથી. કુદરત કોઇ નવો જ વળાંક આપે છે.

Most Popular

To Top