SURAT

મહીધરપુરાની આંગડીયા પેઢીના કર્મચારીનું લમણે બંદૂક મુકી અપહરણ, 88 લાખ લૂંટી કામરેજમાં છોડી દેવાયો

સુરત(Surat) : શહેરના મહીધરપુરા (Mahidharpura) હીરા બજારમાં (DiamondMarket) સનસનીખેજ લૂંટની (Loot) ઘટના બની છે. ધોળે દહાડે બાઈક પર આવેલા અજાણ્યા ઈસમોએ અહીંની આંગડીયા પેઢીના (Angadiya) કર્મચારીનું બજારમાંથી અપહરણ (Kidnape) કરી લઈ જઈ લૂંટી લીધો હતો. રૂપિયા 88 લાખની લૂંટની આ ઘટનાની જાણ થતાં સુરત શહેર પોલીસ દોડતી થઈ ગઈ છે.

  • મહિધરપુરા ભવાનીવડની આંગડીયા પેઢીનો કર્મચારી લૂંટાયો
  • બાઈક પર અપહરણ કરી લૂંટારાઓએ 88 લાખ રોકડા લૂંટ્યા
  • આંગડીયાના કર્મચારીને કામરેજ ઉતારી લૂંટારા ભાગી છૂટ્યા
  • મહીધરપુરા પોલીસે તપાસ હાથ ધરી, સમગ્ર ઘટના ટેકનિકલ હોવાની આશંકા
  • આંગડીયાના કર્મચારીના વિરોધાભાસી નિવેદનોને પગલે વાર્તા ઉપજાવી કાઢી હોવાની શંકા

આ કેસની પ્રાથમિક વિગતો એવી છે કે, મહીધરપુરામાં ભવાની વડ હરીપુરા ખાતે આવેલી જૂની આંગડીયા પેઢી પટેલ ડી. પ્રવીણકુમાર એન્ડ કંપનીનો કર્મચારી રૂપિયા 88 લાખ રોકડા લઈ નીકળ્યો હતો. આ કર્મચારીનું બાઈક પર આવેલા અજાણ્યા ઈસમોએ લમણે બંદૂક મુકી અપહરણ કર્યું હતું.

અપહરણ કરી આંગડીયાના કર્મચારીને અપહરણકારો કામરેજ લઈ ગયા હતા, જ્યાં કર્મચારી પાસેના રોકડા રૂપિયા 88 લાખ લૂંટી લઈ તેને કામરેજ ઉતારી લઈ ભાગી છૂટ્યા હતા. ત્યાર બાદ આંગડીયાના કર્મચારીએ આ મામલે પેઢીના માલિકો અને પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં જ સુરત શહેર પોલીસ દોડતી થઈ ગઈ છે. કામરેજમાં અપહરણકારોએ કર્મચારીને ઉતાર્યો હોય કામરેજ પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. મહીધરપુરા પોલીસ આંગડીયા પેઢીની ઓફિસે ધસી ગઈ છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે.

દરમિયાન સૂત્રો પાસેથી જાણવા મળ્યા અનુસાર આ આખીય ઘટના ટેક્નિકલ હોવાનું લાગી રહ્યું છે. કોઈ ભરબજારે લમણે બંદૂક મુકી બાઈક પર અપહરણ કરી જાય તે વાત પોલીસના ગળે ઉતરતી નથી. વળી, પહેલાં આંગડીયાના કર્મચારીએ હીરા લૂંટાયા હોવાની કેફિયત રજૂ કરી હતી, ત્યાર બાદ 88 લાખ રોકડા લૂંટાયા હોવાનું જણાવ્યું હતું. આમ, કર્મચારીના વિરોધાભાસી નિવેદનોને પગલે પોલીસને આ સમગ્ર મામલામાં કશુંક ખોટું હોવાની ગંધ આવી રહી છે. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

ઘટના સ્થળની બહારના સીસીટીવી પોલીસે ચેક કર્યા
આંગડીયા પેઢીના કર્મચારીના નિવેદન પર શંકા જતા પોલીસે ઘટના સ્થળની બહારના સીસીટીવી ચેક કર્યા છે. પોલીસની જુદી જુદી ટીમો દ્વારા આંગણીયા પેઢીની આસપાસના ઓફિસ અને રેસિડેન્સના પણ સીસીટીવીની તપાસ કરવામાં આવ્યા છે. આ સીસીટીવી માં ભોગ બનનાર કર્મચારી ને અજાણ્યા બે જેટલા ઈસમો મોપેડ ઉપર પોતાની સાથે લઈ જતા જોવા મળ્યા છે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે તેને બંદૂક બતાવી જબરજસ્તી અપહરણ કરીને તેની સાથે લઈ જવામાં આવ્યો હોય. ત્યારે મહિધરપુરા પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચ ના ઉચ્ચ પોલીસ અધિકારી સહિતની ટીમ ભોગ બનનાર ફરિયાદીની સઘન પૂછપરછ કરી રહી છે અને ઉલટ તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top