Entertainment

સાઇડ હીરોઇન બની એટલે અમિતાનું નસીબ સાઇડ પર જ રહ્યું

શમ્મી કપૂર સાથે ઘણી હીરોઇને ફિલ્મોમાં પદાર્પણ કર્યુ. એમાં કેટલીક સ્ટાર બની, કેટલીક સ્ટાર થતાં થતાં અટકી ગઇ. શમ્મી સાથે લોન્ચ થયેલી અભિનેત્રીઓમાં એક શર્મિલા ટાગોર (કાશ્મીર કી કલી) બીજી આશા પારેખ (દિલ દે કે દેખો) ત્રીજી સાયરાબાનુ (જંગલી)ને સફળ કહી શકો. કલ્પના (પ્રોફેસર) ઓછી સફળ રહી અને અન્ય એક તે અમિતા (તુમસા નહીં દેખા). અમિતાનું સાચું નામ કમર સુલતાના પણ ત્યારે હિન્દુ નામ રાખવા પડતા આજે નથી રાખવા પડતા.

પ્રેક્ષકો અને ફિલ્મોદ્યોગ હવે એવી જરૂર જોતા નથી. અમિતાની જ દિકરી સબીહાએ નામ બદલ્યા વિના ફિલ્મોમાં કામ કર્યું છે. અમિતા કોલકાતામાં ૧૧ એપ્રિલ, ૧૯૪૦ માં જન્મેલી અને અત્યારે તેનું ૮૨ મું વર્ષ ચાલે છે. અમિતાની અમ્મા પણ એકટ્રેસ હતી અને શકુંતલા દેવી નામે કામ કરતી. તે મૂળ લાહોરની હતી. પાકિસ્તાનના અભિનેતા અસલમ પરવેઝની તે બહેન હતી. અમીતા મુંબઇ આવી બોર્ડીંગ સ્કૂલમાં રહીને ભણેલી. તેની ફેવરીટ એકટ્રેસ મધુબાલા હતી. ૧૧ વર્ષની હતી ત્યારે તે ‘બાદલ’ ફિલ્મની મધુબાલાની જેમ તલવારબાજી કરતી હતી.

દિગ્દર્શક લેખરાજ ભાકરીએ તેને જોઇ અને ‘ઠોકર’ ફિલ્મમાં તેને સાઇડ હીરોઇન બનાવી. એ વખતે ભાકરીએ તેને જયજયવંતી નામ આપેલું. પછી વિજય ભટ્ટની ‘શ્રી ચૈતન્ય મહાપ્રભુ’માં તેને તક મળી ત્યારે નામ બદલાયું. અને અમીતા થયું. એ ફિલ્મમાં આશા પારેખ પણ હતી. ફિલ્મ સફળ ન રહી પણ તેને કામ મળતું રહ્યું અને ‘અમર કિર્તન’, બાદલ ઔર બીજલી’, ‘બાગી સરદાર’ અને ‘ઇન્દ્રસભા’માં આવી. તેને ‘અભિમાન’ અને ‘જમાના’ ફિલ્મો ય મળી પણ તેને ઓળખ મળી શમ્મીકપૂર સાથેની ‘તુમસા નહીં દેખા’ થી. ફિલ્મીસ્તાનના એક માલિક તોલારામ જાલન તેના દીવાના થઇ ગયા અને તેમણે અમીતાને સ્ટાર બનાવવામાં મોટી મદદ કરી.

વિજય ભટ્ટે તેને ફરી એક ફિલ્મમાં સ્થાન આપ્યું અને તે હતી ‘ગુંજ ઉઠી શહનાઇ’. આ ભૂમિકા માટે આશા પારેખ પસંદ કરાયેલી પણ અમીતા નકકી થઇ ગઇ. આ ફિલ્મ જબરદસ્ત સફળ રહી. તેમાં તે રાજેન્દ્રકુમારની નાયિકા તરીકે આવેલી. જો કે એ સફળતા રાજેન્દ્રકુમાર અને ગીત – સંગીતના નામે ચડી એટલે તેને પછી જે ફિલ્મ મળી તે મલ્ટીસ્ટારર ‘રાખી’ હતી જેમાં અશોકકુમાર, વહીદા રહેમાન, પ્રદીપકુમાર હતા. એ ફિલ્મ બહુ સફળ ન રહી એટલે તે બાજુ પર ખસતી ગઇ. ‘મેરે મહેબૂબ’માં મુખ્ય હીરોઇન સાધના હતી અને અમિતા સાઇડ હીરોઇન. એટલે ફિલ્મ સફળ ગઇ તો પણ અમીતાનું ભાગ્ય તો ન જ બદલાયું.

અમિતાની કારકિર્દી જુદા મોડ પર આવી ગઇ અને ‘સેમસન’, ‘નમસ્તેજી’ વગેરે બી ગ્રેડની ફિલ્મોમાં સ્થાન મળવા માંડયું. તેને બિગ બજેટ ફિલ્મ મળે પણ મુખ્ય ભૂમિકા ન મળે. દેવ આનંદ સાથે ‘મુનીમજી’, ભરત ભુષણ સાથે ‘સાવન’, મનોજકુમાર સાથે ‘પિયા મિલન કી આસ’ અને ‘મા બેટા’. વાત તો એટલી બદલાઇ ગઇ કે દારાસીંઘ અને જહોની વોકર સાથે તેને ભૂમિકા મળવા માંડી. મહેમૂદની નજર હંમેશા ટેલેન્ટ પર રહેતી તેને નિષ્ફળ થતી જોઇ એટલે પોતાને પડખે લીધી અને પોતાની ફિલ્મ ‘છોટે નવાબ’માં તક આપી. અમિતા જો ધારતે તો સાઇડ હીરોઇનની ભૂમિકાને નકારી શકી હોત.

શમ્મી કપૂર સાથેની પહેલી જ ફિલ્મ સુપરહીટ હતી પણ શમ્મીએ તેને ફરી હીરોઇન તરીકે લીધી જ નહીં. મહેમૂદે જેમ મુમતાઝને પોતાની સાથે તક આપેલી એમ અમિતાને ય આપી અને એ સંબંધ અેટલા વધ્યા કે એક દિવસે મહેમૂદે કહી દીધું કે હું અમિતાને પરણી ગયો છે. મહેમુદ તેની હીરોઇનને પોતાની કરી લેવામાં માનતા. અરુણા ઇરાની સાથે પણ તેમની શાદી થવાની હતી. ‘છોટે નવાબ’ પછી ‘મેં ઔર મેરા ભાઇ’ અને ‘પ્યાસે પંછી’ માં તેઓ સાથે આવી ચુકયા હતા. અમિતા એવી પહેલી અભિનેત્રી છે જે વગર લગ્ને મા બની હતી પણ અમિતાએ આ વાતનો સ્વીકાર નથી નથી કર્યો.

તેણે મહેમૂદ સાથે પરણવું હતું પણ લગ્ન વિના શરીર સંબંધ બાંધવા માટે મહેમૂદ જાણીતા હતા. જોકે અમિતા કામરાન નામા અભિનેતાને પરણેલી અને પછી ‘સુહાની રાત ઢલ ચુકી’ ગીતમાં જે હીરો દેખાય છે તે સુરેશ સાથે બીજા લગ્ન કરેલા. શમ્મી કપૂર, રાજેન્દ્રકુમારની હીરોઇન પછીના વર્ષોમાં પોતાની પ્રતિષ્ઠા જાળવી ન શકી. અમિતા પર ફિલ્માવાયેલા ગીતો યાદ કરો તો ‘યુ તો હમને લાખ હસી હૈ, તુમસા નહીં દેખા’, ‘સર પર ટોપી લાલ હાથ મેં રેશમ કા રૂમાલ’, ‘દિલ કા ખિલૌના હાય તૂટ ગયા’, ‘આયે હે દૂર સે મિલને હૂજૂર કો’, ‘દેખો કસમ સે દેખો કસમ સે’, ‘તેરી શહનાઇ બોલે, સુનકે જિયા મોરા ડોલે’ જેવા અનેક છે. અમિતા તેનું હીરોઇન તરીકેનું સ્ટેટસ ન જાળવી શકી બાકી તે તેને લાયક હતી. ફિલ્મોમાં કોણ ટોપ રહે કોણ ડાઉન જાય એ વિશે કહી ન શકાય બાકી અમિતા ભોળપણભર્યું સૌંદર્ય ધરાવતી હતી. પાછલા વર્ષમાં તેણે દિકરી સબીહાને હીરોઇન તરીકે સ્થાન અપાવવા મહેનત કરી પણ થોડી ફિલ્મ પછી તેની ય કારકિર્દી અટકી ગઇ. અમિતા આજેય છે પણ તે જાહેરજીવનથી દૂર રહે છે.

Most Popular

To Top