Business

‘આ સમાચાર આપતા ખૂબ જ દુ:ખ થાય છે..’, એમેઝોનમાં છટણી શરૂ

નવી દિલ્હી: ટ્વિટર, મેટા પછી એમેઝોનમાં (Amazon) કર્મચારીઓની છટણીનો (Retrenchment) દોર શરૂ થયો છે. આ માટે એમેઝોને એક પત્ર (Letter) પણ તેના કર્મચારીઓને મોકલ્યો છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે ઘણી ચર્ચાઓ કર્યા પછી કંપનીના કેટલાક કર્મચારીની છટણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકાની ટેક્નોલોજી અને ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોને વધતી જતી આર્થિક મંદી વચ્ચે તેના ખર્ચમાં ઘટાડો કરવાનો નિર્ણય લીઘો હતો. જેના કારણે તેઓ પોતાની કંપનીના કર્મચારીઓની છટણી કરી રહ્યાં છે. કંપની દ્વારા કર્મચારીઓને મળેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે આ સમાચાર આપતા ખૂબ જ દુખ થાય છે. અમે જાણીએ છીએ કે આ છટણીના કારણે અમે અમારા કંપનીના સારા કર્મચારીઓને ગુમાવીશું.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે કંપનીએ અગાઉ જણાવ્યું હતું કે તેઓ શક્ય તેટલી વહેલી તકે 10,000 કર્મચારીઓની છટણી કરી શકે છે. વઘારામાં તેઓએ જણાવ્યું હતું કે એમેઝોનના ઇતિહાસમાં આ સૌથી મોટી છટણી હશે. જો કે, આ કંપનીના વર્કફોર્સના એક ટકા કરતા પણ ઓછું છે કારણ કે એમેઝોન વૈશ્વિક સ્તરે 1.6 મિલિયનથી વધુ લોકોને રોજગારી આપે છે. મળતી માહિતી મુજબ જોબ કટ એમેઝોનના ડિવાઇસ યુનિટ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં વૉઇસ-સહાયક એલેક્સા અને તેના રિટેલ અને માનવ સંસાધન વિભાગોનો સમાવેશ થાય છે.

ટ્વિટર અને મેટા પણ છટણી
કોવિડ-19 રોગચાળા દરમ્યાન એમેઝોનની વૃદ્ધિ થઈ પરંતુ ત્યાર પછીના સમયમાં એમેઝોનની વૃદ્ધિ બે દાયકાના સૌથી નીચા દરે થઈ ગઈ હતી. ટ્વિટર, મેટા અને માઈક્રોસોફ્ટ પછી એમેઝોને સંભવિત આર્થિક મંદીનો સામનો કરવા માટે તેના કર્મચારીઓની છટણીનો દોર શરૂ કર્યો. ગયા અઠવાડિયે એલોન મસ્કે ટ્વિટર ડીલ પૂર્ણ કર્યા પછી તેમના કર્મચારીઓની સંખ્યા લગભગ 50 ટકા ઓછી કરી હતી. ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ પણ ખર્ચમાં ઘટાડો કરવા માટે 11,000 કામદારોની છટણી કરી છે.

ગૂગલમાં પણ છટણીના સમાચાર
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે એક્ટિવિસ્ટ ઇન્વેસ્ટર TCI ફંડ મેનેજમેન્ટે ગુગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટને ખર્ચમાં ઘટાડો કરવા માટે તેના કર્મચારીઓમાં કાપ મૂકવા જણાવ્યું છે. 2017 થી આલ્ફાબેટમાં છ અબજનો હિસ્સો ધરાવનાર રોકાણકારે કંપનીને કહ્યું છે કે કંપનીમાં ઘણા બધા કર્મચારીઓ છે અને કર્મચારી દીઠ ખર્ચ ઘણો વધારે છે.

Most Popular

To Top