Columns

‘ચાંચિયા પોતાની એક આંખે કાળા રંગના કાપડના ટુકડાથી કેમ ઢાંકી રાખે છે?, ’કલ્પનાના અજબ સવાલના ગજબ જવાબ

દિકાળથી આજે ડિજિટલ યુગના માનવીમાં એક જન્મજાત વૃત્તિ- પ્રકૃતિ કે સ્વભાવ કુદરતી રીતે વણાયેલો છે અને એ છે કુતૂહલ-વિસ્મય તથા નવું જાણવાની જિજ્ઞાસા…અંગ્રેજીમાં આપણે જેને પાંચ W તરીકે ઓળખીએ છીએ એ Who-What-Where- When- Why શબ્દથી આપણી જિજ્ઞાસા જાગૃત કરીએ છીએ, જેમ કે ‘કોણ- શું- ક્યાં- ક્યારે- શું કામ’ જેવા પ્રશ્ન પૂછીએ પછી એમાં જો વધારાનો એક H (How) ઉમેરીએ તો આપણા કુતૂહલનો જવાબ મળી જાય..

(અહીં એક આડ, પણ અગત્યની વાત એ છે કે પત્રકાર પણ આ પાંચ W અને એક H એની પ્રશ્નાવલિમાં ઉમેરે તો એને એક અચ્છો અહેવાલ મળે !) થોડા મહિના પહેલાં અહીં ‘ક્લોઝ-અપ જિંદગી’ કૉલમ (૨૩ જાન્યુઆરી-૨૦૨૧)માં આપણે એક અવનવા પુસ્તકની વાત કરી હતી. એ પુસ્તક હતું : ‘The Book Of Questions’. ગ્રેગરી સ્ટોકસ લિખિત આ બહુ જાણીતા થયેલા પુસ્તક્ની વિશેષતા એ હતી કે એમાં વાચકોને માત્ર પ્રશ્નો જ પૂછવામાં આવ્યા હતા, જેમ કે : ‘નળમાંથી ટપક્…ટપક પાણી પડતું હોય તો નળને રીપેર કરી પાણી ટપકતું બંધ કરતા તમને આવડે છે?’ અથવા તો આવો બીજો સવાલ : ‘તમને વધુ ને વધુ ધન કમાવાનું અથવા તો ખાણી-પીણીનું કે પછી સેકસનું જબરું વળગણ હોય અને એમાંથી એક જ પસંદ કરવાનું હોય તો તમે ક્યું વળગણ પસંદ કરો મની-ફૂડ કે પછી સેક્સ ?!’

આવા તો કેટલાય વાહિયાત- વિચિત્ર લાગે એવા પ્રશ્નો લેખક આ પુસ્તકમાં વાચકને પૂછે છે. લેખકે આવા પ્રશ્નોના પોતે જવાબ નથી આપ્યા. વાચકોએ પણ એના જવાબ આપવાની કોઈ સરત નહોતી, પણ પ્રશ્નો એવા ખૂબીપૂર્વકથી પેશ કરવામાં આવેલા કે ‘ગુગલ ગુરુ’ પણ આમાં તમને મદદરૂપ ન થઈ શકે. વાચક ખુદ એના જવાબ મનોમન પોતાને જ આપવા પ્રેરાય…! આમેય પ્રશ્નોથી અટવાતી ને પ્રશ્નોથી ઉકેલાતી આ જિંદગીમાં બાળપણ-તરુણાવસ્થા કે પછી ઢળતી આયુએ પણ આપણા મનમાં અનેક સવાલ નિરંતર જાગતા રહે છે. કેટલાકના જવાબ મળે તો અમુક તો જિંદગીભર અનુત્તર રહી જાય છે.
એક ઉદાહરણ લઈએ :

‘ચાંચિયા પોતાની એક આંખ કાળા રંગના ગોળ ચગદા-કાપડના ટુકડાથી કેમ ઢાંકી રાખે છે?’
અંગ્રેજીમાં આપણે જેને ‘આઈ પેચ’તરીકે ઓળખીએ છીએ એવી પટ્ટીથી ખૂંખાર ચાંચિયા કેમ હંમેશાં એની એક આંખ ઢાંકી રાખે છે? આ સવાલ તો બાળવાર્તા વાંચતાં હતા ત્યારથી મૂંઝવતો હતો પણ ભાગ્યે જ એનો જવાબ આપણને મળ્યો છે. આવી બાળસહજથી લઈને આધેડવય સુધીની ઘણી જિજ્ઞાસા અને એના સંતોષકારક જવાબ કોઈ પણ આયુએ જાણવા રસપ્રદ બની જાય છે. આ પ્રકારના અનેક પ્રશ્નો અને માન્યામાં ન આવે એવા સરળ તેમજ થોડા અઘરા ઉત્તરોનું સંકલન કરેલું ડેવિડ ફેલ્ડમન લિખિત એક પુસ્તક ‘ઈમપૉન્ડરેબલ’ આબાલ- વૃદ્ધોમાં ખાસ્સું લોકપ્રિય છે. ‘ઈમપૉન્ડરેબલ’ નો સરળ અર્થ છે: ‘અંદાજ ન કાઢી ન શકાય એવું’ બીજા શબ્દોમાં કહીએ કે ‘ક્લ્પના ન કરી હોય તેવું.’આપણી સમક્ષ ઘણી વાર એવા પ્રશ્ન આવે કે એના જવાબ સપનાંમાં પણ ધાર્યા ન હોય. ‘ચાંચિયાની એક આંખપટ્ટી’ જેવા અનેક સવાલના માન્યામાં આવે અને ન પણ આવે એના જવાબ કે ખુલાસા પણ જાણવા જેવા હોય છે, જેમ કે….

આપણું માથું ક્યાંક અથડાય ત્યારે ધોળે દિવસે તારા કેમ દેખાવા માંડે છે?
જવાબ : ‘કોલમ્બિયા યુનિવર્સિટી’ના નેત્ર નિષ્ણાત ડૉ. લેનવર્થ જહોન્સન આનો જવાબ આપતા કહે છે કે માથું અથડાય ત્યારે આંખની અંદર રહેલું પારદર્શક પ્રવાહી એ રીતે ખળભળી જાય કે રેટિના- નેત્રપટલનો બ્રેન-મગજ સાથેનો સંપર્ક કામચલાઉ તૂટી જાય છે. પરિણામે આપણને ‘ધોળે દિવસે તારા દેખાયા’ હોય એવો આભાસ થાય છે.

આંધળી વ્યક્તિ શા માટે કાળા ગોગલ્સ પહેરે છે?
જવાબ: નેત્ર-નિષ્ણાતે જેને સત્તાવાર રીતે ‘દ્રષ્ટિહીન-આંધળી ‘જાહેર કરી હોય એમાંથી 75 % વ્યક્તિ એવી હોય છે, જેને આછું-પાતળું પણ દેખાતું હોય. આવી વ્યક્તિની આંખ બહારનો તડકો કે તીવ્ર પ્રકાશ સહન નથી કરી શકતી એટલે એમણે ડાર્ક ગોગલ્સ પહેરવા જરૂરી હોય છે. ઉપરાંત આવા કાળા ચશ્માથી બીજાને ખબર પડે છે કે સામેની વ્યક્તિ દ્રષ્ટિહીન છે.

પુરુષની સરખામણીએ ઘણી સ્ત્રી ઊંચા સ્વરે બોલતી લાગે. એ જ રીતે, ઠીંગણા પુરુષ-સ્ત્રી પણ ઊંચા-મોટા અવાજે બોલે છે. આવું કેમ ?
જવાબ: પુરુષ અને સ્ત્રીની વૉકલ કોર્ડ (સ્વરપેટી)ની લંબાઈ અલગ અલગ છે. સ્ત્રીની સરખામણીએ પુરુષની વૉકલ કોર્ડ લાંબી હોય છે એટલે સ્ત્રી કે ઠીંગણી વ્યક્તિ પોતાનો અવાજ સામે પહોંચાડવા સ્વાભાવિક રીતે અજાણતા જ ઊંચા સ્વરે બોલતી હોય છે.

આપણી આંગળીઓ કેમ લાંબી-ટૂંકી હોય છે?
જવાબ: બોલો, આ હકીક્ત તરફ તમારું કયારેય ધ્યાન ગયું હતું? 99% લોકો આશ્ચર્ય પામીને કહેશે : ‘હાઈલ્લા..અમે તો એવો વિચાર સુદ્ધાં નહોતો કર્યો !’ હવે આપણી લાંબી-ટૂંકી આંગળીની વાત જાણી લો… વાત જરા લાંબી છે, પણ માહિતીપ્રદ પણ એટલી જ છે. આદિમાનવના અસ્તિત્વ પછી લાખો વર્ષોના ગાળામાં અન્ય જીવ-પ્રાણીસૃષ્ટિ સાથે માનવનો પણ ક્રમિક વિકાસ થતો ગયો. આ ઉત્ક્રાન્તિ કાળમાં એનામાં ઘણા શારીરિક-માનસિક પરિવર્તન આવ્યા. અગાઉ એના હાથ-પગની આંગળી-આંગળા લાંબા હતા. નૃવંશશાસ્ત્રીઓના સંશોધન મુજબ સમય વીતતા જંગલી પ્રાણી-પશુથી સ્વરક્ષણ માટે માનવી ઓજાર બનાવતા શીખ્યો.

ઓજાર-શસ્ત્રો પર બરાબરની પકડ રહે એ મુજબ એની આંગળીઓ જે રીતે ટેવાતી ગઈ એ રીતે આંગળીઓ લાંબી-ટૂંકી થતી ગઈ. કોઈ કોઈ સંશોધન એમ પણ કહે છે કે એ જમાનામાં માનવીને છઠ્ઠી આંગળી કે અંગૂઠો હતો, જે સમય જતાં ઘસાઈને ખરી ગયો. અલબત્ત, આ બધું રાતોરાત કે થોડાં વર્ષ દરમિયાન નથી થયું. આ ફેરફાર થતાં સેંકડો વર્ષ લાગ્યા છે. માનવશાસ્ત્રના અમુક અભ્યાસુ એમ પણ કહે છે કે આગામી લાખેક વર્ષ બાદ બની શકે કે માનવીની હજુ એકાદ આંગળી ખરી પણ જાય ! બાય ધ વે, તમે હથેળીમાં ક્રિકેટ કે ટેનિસ બોલ પકડો તો અંગૂઠા સહિત બધી જ આંગળીઓ જાણે એકસરખી હોય એ રીતે જ બોલને જકડી રાખશે. અહીં તમે લાંબી-ટૂંકી આંગળીના ભેદ ભૂલી જશો!

ગરમીના દિવસોમાં કામ દરમિયાન જાણે ઘેન ચઢ્તું હોય એમ ઊંઘ આવે ને રાતે આ જ ગરમીને કારણે ઊંઘ ઊડી જાય છે. આવું કેમ ?
જવાબ: ગરમીને લીધે બપોરે ઊંઘ આવી જવી એનું એક માત્ર કારણ ગરમી જ નથી. અમેરિકાની ‘બેટર સ્લિપ કાઉન્સિલ’ ના નિષ્ણાતો કહે છે કે શરીરનું પણ એક ઘટનાચક્ર છે. બપોરના અને મોડી સાંજના સમયે શરીરની ઊર્જાનું પ્રમાણ ઘટે છે પરિણામે આપણને ઊંઘ કે ઘેન ચઢે છે. આ ઊંઘને બહારની ગરમી સાથે સીધું કંઈ લાગતું-વળગતું નથી. હા, રાતના સમયે ગરમીની માત્રા વધે તો એ ઊંઘમાં જરૂર વિક્ષેપ પાડે છે.અત્યાર સુધી આપણે શરીરને લગતા સવાલના જવાબ મેળવ્યા. હવે બીજા ક્ષેત્રના પ્રશ્નોના ઉત્તર મેળવીને આપણું કુતૂહલ સંતોષીએ, જેમ કે…

દાદા-પરદાદાના જમાનાની જૂની તસવીરોમાં તમે નોંધ્યું હશે કે પરિવાર સાથે ફોટો પડાવતી વખતે ઘરના વડીલ એમનાં કોટ-જેકેટ કે બંડીના એક ખિસ્સામાં હાથ નાખીને એકદમ ગંભીર ખડા હોય છે. આમ કેમ?
જવાબ: આમાં વડીલની ધીર-ગંભીર વર્તણૂકનો વાંક નથી. આજે જેમ આપણે આંખના પલકારામાં તસવીર ઝડપી શકીએ છીએ એવી ખૂબી એ જમાનાના કેમેરામાં નહોતી. કેમેરાના શટરની જેમ ત્યારે ફિલ્મ રોલ પણ સ્લો સ્પિડ-ધીમી ગતિના હતા એટલે ફોટો ઝીલતા થોડો સમય લાગતો. એ દરમિયાન કોઈ હલનચલન કરે તો ફોટો હલી ગયલો અસ્ષ્પટ આવે માટે એકદમ સ્થિર રહેવાની સૂચના મળી હોવાથી વડીલ કોટ-જેકેટના ખિસ્સામાં હાથ ખોંસીને ચહેરાના પણ હાવભાવ ન બદલાય એવા ગંભીર રહેતા અને આછું સ્મિત પણ ન ફરકાવતા..ફોટો ખરાબ થઈ જશે એવા ભયથી. હવે આપણે શરૂઆતમાં પૂછેલા પેલા ચાંચિયાવાળા પ્રશ્ન પર પરત આવીએ…

ચાંચિયા પોતાની એક આંખ કાળા રંગના ગોળ ચગદા-કાપડના ટુકડાથી કેમ ઢાંકી રાખે છે?
જવાબ: સામાન્ય માન્યતા એવી છે કે દરિયાઈ ઝપાઝપી વખતે ઈજા પામેલી – ફૂટી ગયેલી આંખને છુપાવવા એ કપડાની પટ્ટથી ઢાંકે છે. હકીકત આ નથી. ચાંચિયાની ટોળકી રાતે અંધારામાં પોતાના શિકાર પર ત્રાટકે છે એના કલાકો પહેલાં એક આંખને કાળા રંગના કપડાના ટુકડા(આઈ પેચ)થી ઢાંકી રાખે છે, જેથી એની એક આંખ અંધારાથી ટેવાઈ જાય. આ ઉપરાંત એમની ટોળકીનું વહાણ દિવસના પ્રકાશમાં દરિયામાં ભમતું રહે છે એટલે પ્રકાશ અને અંધારા વચ્ચે અંધારામાં ય સારી રીતે જોઈ શકાય એ માટે આંખ પર કપડાનું ચગદું પહેરી રાખે છે.

આ દરિયાઈ લૂટારા-ચાંચિયા એમની સાથે પોપટ કેમ રાખે છે ?
જવાબ : સમુદ્રની લાંબી કંટાળાજનક મુસાફરીમાં એમનું મનોરંજન કરી શકે એવું બહુ ‘બોલતું ‘ પક્ષી પોપટ છે માટે દરિયાની રઝળપાટમાં કંપની મળે એ માટે ચાંચિયા ટોળકી હંમેશાં પોપટને સાથે ફેરવે છે.
આવા મજેદાર સવાલોનો જમાવટ કરે એવા જવાબ હજુ ઘણા છે. ઉદાહરણ તરીકે….

  • અજાણી વાત કે જેનો જવાબ જાણતા નથી એના માટે આપણે અંગ્રેજી અક્ષર X (ઍક્સ ફેકટર) કેમ વાપરીએ છીએ?
  • આ જ X નો પ્રતીકાત્મક ઉપયોગ આપણે કિસ-ચુંબન દર્શાવવા કેમ કરીએ છીએ?
  • વિમાનની બારીઓ કેમ ઑવલ -અંડાકારની જ હોય છે?
  • શ્વાન ઊભા ઊભા અને બિલાડી મોટાભાગે બેસીને જ કેમ ખાય છે ?
  • બે દેશ વચ્ચે સમુદ્રી સીમાડા કોણ અને કઈ રીતે નક્કી કરે છે? આ પ્રકારના ઉત્કંઠા વધારે – ઉત્સુકતા જગાડે એવા તો અનેક પ્રશ્નો છે, જેના ઉત્તર આપણે આ તબક્કે અહીં નથી જણાવતા, પણ એ છે બહુ રસપ્રદ…આવા પ્રશ્નો અને એના ઉત્તર વિશે ફરી કયારેક….

Most Popular

To Top