Editorial

XE વેરિએન્ટ ભલે ઘાતક નથી પણ તેને ફેલાતો અટકાવવાના પ્રયત્નો અત્યારથી જ શરૂ
થઇ જવા જોઇએ

મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં પણ કોરોનાના નવા વેરિએન્ટ XEની એન્ટ્રી થઈ છે. મહારાષ્ટ્રથી વડોદરા આવેલી એક વ્યક્તિમાં તેના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા વેરિએન્ટ તપાસવા સેમ્પલ મોકલવામાં આવ્યું હતું. જેમાં કોરોનાના નવા વેરિએન્ટ XEની પુષ્ટિ થઈ છે. હાલ નવા વેરિએન્ટથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ડોક્ટરોનું કહેવું છે કે, ઓમિક્રોન જેવો માઈલ્ડ વેરિએન્ટ હોવાથી ઘાતક નથી. જેથી લોકોએ ગભરાવવાની જરૂર નથી. આ કેસ મુંબઈના એક વૃદ્ધ વ્યક્તિનો છે, જેમણે લગભગ ત્રણ અઠવાડિયા પહેલા વડોદરા આવ્યા અને માર્ચમાં એક હોટલમાં તપાસ કર્યાના એક દિવસ પછી સકારાત્મક પરીક્ષણ કર્યું હતું. તેમણે માત્ર ટેસ્ટના હેતુસર વડોદરાથી એક સંબંધીનું સરનામું આપ્યું હતું. વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

સેમ્પલના જીનોમ સિક્વન્સિંગ બાદ તાજેતરમાં આવેલા પરિણામોમાં આ મામલો પ્રકાશમાં આવ્યો છે. ગુજરાતમાં  આ વેરિએન્ટો કેસ મળતા જ તંત્ર પણ સતર્ક થઇ ગયું છે. આરોગ્ય વિભાગના સેક્રેટરી મનોજ અગ્રવાલે જણાવ્યું હતુ કે, ‘મુંબઈના સીનિયર સીટિઝન સામાજિક મુલાકાતે વડોદરા આવ્યા હતા. તેમનામાં હળવા લક્ષણો જોવા મળતાં માર્ચમાં તેમની તપાસ કરવામાં આવી હતી.. તેમના કોઈ ગંભીર લક્ષણો નથી. જે લોકો તેમના સંપર્કમાં આવ્યા છે તેમની તપાસ કરવામાં આવશે.’ અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જાપાન, ચીન, હોંગકોંગ સહિતના દેશોમાં કોરોનાના નવા XE વેરિએન્ટે ચીનમાં હાહાકાર મચાવેલો છે. ત્યારે ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યામાં થઈ રહેલા ઘટાડા વચ્ચે આ નવા વેરિએન્ટની એન્ટ્રીથી આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે.તજજ્ઞોના જણાવ્યા અનુસાર  XE ઓમિક્રોનનો સબ વેરિઅન્ટ છે અને તેના કરતા પણ વધારે ચેપી મનાય છે.

તેને XE વેરિઅન્ટ Omicron ના BA.2 સબ-વેરિઅન્ટ કરતાં 10 ટકા વધુ ટ્રાન્સમિસિબલ માનવામાં આવે છે. અત્યાર સુધી, BA.2 એ તમામ COVID-19 વેરિઅન્ટ્સ માં સૌથી વધુ ચેપી માનવામાં આવતો હતો. પ્રારંભિક અભ્યાસો મુજબ, XE વેરિઅન્ટનો BA.2 કરતા 9.8 ટકાનો વૃદ્ધિ દર છે, જે ટેસ્ટને થાપ આપવાની તેની ક્ષમતાને કારણે સ્ટીલ્થ વેરિઅન્ટ તરીકે પણ ઓળખાય છે. તો બીજી તરફ કેટલાક આરોગ્ય નિષ્ણાતો એવુ પણ જણાવી રહ્યાં છે કે, જાન્યુઆરીથી સક્રિય હોવા છતાં ઓમિક્રોન જેવો કેસોમાં વધારો થયો નથી, પરંતુ  COVID-19-યોગ્ય વર્તનનું પાલન કરવા કડક સલાહ આપવામાં આવી છે.“સામાન્ય ખ્યાલ એ છે કે જાન્યુઆરીના મધ્યથી આ જાણીતું (વેરિઅન્ટ) હતું અને હવે આપણે તેનાથી અઢી મહિના વીતી ગયા છીએ. આ પ્રકારના ઘણા કિસ્સાઓ જોવા મળતા નથી.

યુકેમાં લગભગ 600 કેસ છે. આનો અર્થ એ છે કે જો તે ખતરનાક, વધુ ચેપી બનતું હોત, તો અત્યાર સુધીમાં આપણે તેને દરેક જગ્યાએ જોયા હોત, જે રીતે ઓમિક્રોન 4-5 સપ્તાહમાં આખી દુનિયામાં ફેલાઇ ગયો હતો તેટલી ઝડપથી આ વેરિએન્ટ ફેલાઇ રહ્યો નથી. જો કે, કોઇપણ વેરિએન્ટ આવે આરોગ્ય વિભાગ જે પ્રકારે દર વખતે ઉંઘતુ ઝડપાઇ છે તેવું હવે થવું નહીં જોઇએ. પહેલી લહેર આવી ત્યારે એ બાબત સમજી શકાય તેમ હતી કે, કોઇપણ તજજ્ઞોને તેના વિશે જાણકારી ન હતી. આવી સ્થિતિમાં તૈયારીઓમાં ઉણપ જોવા મળે તે સાહજિક છે. પરંતુ છેલ્લા બે વર્ષથી આપણે વૈશ્વિક બીમારીનો સામનો કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં હવે તંત્રએ અગમચેતી વાપરવી પડશે તો જ લોકોને આ નવા વેરિએન્ટથી બચાવી શકાશે. નવો વેરિએન્ટ ભલે ઘાતક નથી પરંતુ તેના ફેલાવાના કારણે ફરી લોકોના એકત્ર થવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવે છે. માસ ટ્રાન્સપોર્ટ ઉપર નિયંત્રણો આવી જાય છે. આવી સ્થિતિમાં આર્થિક ગતિવિધી અટકી જાય છે. શાળાઓ બંધ કરવી પડે છે. લગ્નો અને સમારોહ ઉપર નિયંત્રણ આવી જાય છે. આ વેરિએન્ટ ભલે ઘાતક નહીં હોય પરંતુ તેના ઝડપી ફેલાવાના કારણે લોકોની આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ગતિવિધી અટકી પડે છે. એટલે તેને ફેલાતો અટકાવવાના તમામ પ્રયત્નો તંત્રએ અત્યારથી જ શરૂ કરી દેવા જોઇએ.

Most Popular

To Top