Surat Main

આતંકવાદીઓએ સુરતમાં 29 બોમ્બ મૂક્યા હતા પણ એકેય ફૂટ્યો નહીં, કેમ? નયન સુખડવાલાએ જણાવ્યું કારણ

સુરત: અમદાવાદ(AHMADABAD)માં વર્ષ 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ (Serial bomb blast case)માં આજે અમદાવાદની સ્પેશિયલ કોર્ટ (Special Court ) દ્વારા ઐતિહાસિક ચુકાદો સંભાળવવામાં આવ્યો છે. આ કેસમાં કુલ 49 આરોપીઓ દોષિત હતા. જે પૈકી 38ને ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ ચુકાદાને સુરત જિલ્લાના સરકારી વકીલ (Public prosecutor) નયન સુખડવાલા (Nayan Sukhadwala)એ આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે આતંકવાદીઓએ સુરતમાં 29 બોમ્બ પ્લાન્ટ કર્યા હતા, પરંતુ એકેય ફૂટ્યો નહીં.

અમદાવાદમાં વર્ષ 2008માં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં 56 લોકો મોતને ભેટયા હતા. જ્યારે 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર દેશને હચમચાવનારી આ ઘટનાની 14 વર્ષ લાંબી કાર્યવાહી બાદ આજે ચુકાદો આવ્યો છે. જેમાં 49 દોષિત આરોપીમાંથી 38 આરોપીને ફાંસીની સજા અને 11 આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ બાદ સુરતમાં પણ બોમ્બ બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડાયું હતું. અમદાવાદમાં 70 મિનીટમાં 21 બ્લાસ્ટ થયા હતા, પરંતુ આતંકવાદીઓએ અમદાવાદ કરતા વધુ તબાહી સુરતમાં મચાવવાનો પ્લાન કર્યો હતો. અમદાવાદમાં 21 ત્યાં સુરતમાં 29 બોમ્બ પ્લાન્ટ કરાયા હતા.

વરાછા વિસ્તારમાં સૌથી વધુ બોમ્બ મળ્યા હતા
સુરતની આર્થિક કરોડરજ્જુ સમાન વરાછા વિસ્તારને આતંકવાદીઓએ ટાર્ગેટ કર્યો હતો. વરાછામાં બ્રિજ નીચે, હોર્ડિંગ્સની પાછળ, ઝાડ ઉપર, પોલીસ ચોકી પાસે ઠેકઠેકાણે બોમ્બ મુક્યા હતા. 29 પૈકી મોટા ભાગના બોમ્બ વરાછામાં હતા. તે સિવાય સિટીલાઈટ, અઠવાલાઈન્સ પર પણ બોમ્બ મળ્યા હતા. સૌથી પહેલો બોમ્બ સિટીલાઈટ નુપૂર હોસ્પિટલ પાસે મળ્યો હતો અને છેલ્લો બોમ્બ અઠવાલાઈન્સ પર ચોપાટી બસ સ્ટેન્ડ પાસે મળ્યો હતો. વરાછાનો એક યુવક તો બોમ્બ હાથમાં લઈ લંબેહનુમાન પોલીસ ચોકીમાં આવ્યો હતો, જેથી દોડધામ મચી ગઈ હતી.

29માંથી એકેય બોમ્બ નહીં ફૂટ્યો, કેમ કે..
સરકારી વકીલ નયન સુખડવાલા કહે છે કે સુરતીઓના પુણ્યકર્મ અને સારા નસીબના લીધે 29માંથી એકેય બોમ્બ ફૂટ્યો નહોતો. આ ઉપરાંત સુરત પોલીસની સતર્કતાના પગલે આતંકવાદીઓનું કાવતરું નિષ્ફ્ળ બન્યું હતું, અમદાવાદમાં બૉમ્બ બ્લાસ્ટ થયાના બીજા જ દિવસે સુરતમાંથી પણ જીવતા બોમ્બ મળ્યા હતા. તેમજ વરાછા, કાપોદ્રા માંથી વિસ્ફોટકો ભરેલી બે કાર મળી આવતાં સમગ્ર પોલીસ તંત્ર હચમચી ગયું હતું. પણ સુરતનું નસીબ હતું કે, બોમ્બ બ્લાસ્ટ થયા ન હતા. જેથી ત્યારે સુરતના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વકીલોની મહેનતને આવકારું છું.
બોમ્બ બ્લાસ્ટ કેસના ચુકાદા મામલે સુરત જિલ્લાના સરકારી વકીલ નયન સુખડવાલાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. અને આ ચુકાદાને ઐતિહાસિક ચુકાદો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, આ નિર્ણય આવકારદાયક અને ઐતિહાસિક ચુકાદો કહી શકાય અને સુરતમાં 29 બોમ્બ પ્લાન્ટ કરાયા હતા. સુરતનું નસીબ હતું કે બોમ્બ બ્લાસ્ટ ન થયા અને પોલીસે ગણતરીના કલાકોમાં બોમ્બ શોધી તમામને ડીફ્યુઝ કરવામાં સફળ થયા.

આરોપીઓએ મોટી જાનહાની સફળ બનાવવા માટે તમામ બોમ્બ જાહેર જગ્યા પર મુક્યાં હતા. આ ચુકાદાથી ગુનેગારોમાં બીજીવાર આવા ગુન્હા કરવા માટે ડર ઉભો થશે એવો દાખલો બેસાડતો ચુકાદો કહી શકાય છે, હા કેસ ચાલવામાં સમય લાગ્યો પણ, કેસની ગંભીરતા જોતા તેમજ સુરત અને અમદાવાદ બન્ને કેસ મર્જ થયા. હજારો પાનાની ચાર્જશીટ હતી. 1100થી વધુની જુબાની લેવી એ પહેલાં તોહમતનામું ગોઢવવું, પ્રપોઝ ચાર્જ વકીલ આપવો પડે, જયાંથી લઈ ચુકાદા સુધીની વકીલોની મહેનતને આવકારું છું. સાથે સાથે પોલીસે અધિકારીઓએ જે ડિટેક્શન કર્યું એ પણ આવકારદાયક છે. તાર ક્યાંથી ક્યાં સુધી જોડાયેલા હતા એ ભેગા કરવા અને સાચા આટોપીને પકડી કોર્ટમાં રજૂ કરવા એ એક ટીમ વર્કનું કામ છે. આ ચુકાદાથી જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે એમને આશ્વાસન મળશે અને ન્યાય તંત્ર પરનો વિશ્વાસ વધશે.

કપરા સમયે કામ કરનાર તમામ અધિકારીઓને શુભેચ્છા
આ સમગ્ર ચુકાદા મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કોર્ટના વકીલો સાથે મેજિસ્ટ્રેટને કાયદાએ જે રીતે આરોપીઓને સજા ફટકારી છે તેને લઈને ઐતિહાસિક ચુકાદાની વાત કરતા સાથે તે સમયે કામ કરનાર તમામ અધિકારીઓ શુભેચ્છા પાઠવતા પોતાની પ્રતિક્રિયા આપી હતી.

Most Popular

To Top