National

અહાના કુમરાની મુંઝવણ, ફિલ્મ કરું યા વેબ સિરીઝ?

અહાના કુમરા ચાહે છે કે તે પણ મોની રોયની જેમ હવે ફિલ્મોમાં જ દેખાતી થાય પણ લાગે છે કે હજુ તેણે વેબ સિરીઝમાં જ કામ કરવાનું છે. ‘શમશેરા’ અને ‘ઈન્ડિયા લોકડાઉન’માં તે જરૂર છે પણ તેમાં તે મુખ્ય ભૂમિકામાં નથી એના કરતાં તેની આવી રહેલી વેબ સિરીઝ ‘કોલ માય એજન્ટ’ અને ‘ઈન્ડિયા લોકડાઉન’ ફિલ્મ આવી રહી છે વધારે તક આપી રહી છે. ગયા વર્ષે તે ‘સેન્ડવિચ ફોરેવર’માં અને ‘લિપ્સ ડોન્ટ લાય’ માં તેમજ ‘બેતાલ’માં આવેલી. હા, ‘ખુદા હાફિઝ’ ફિલ્મમાં પણ તેમના હમીદની ભૂમિકામાં હતી પરંતુ હજુ તે એવું કામ નથી કરી શકી કે ફિલ્મોવાળા તેની પર વારી જાય બાકી ‘ધ એક્સિડન્ટલ પ્રાઈમ મિનીસ્ટર’માં તેને પ્રિયંકા ગાંધીની ભૂમિકા મળેલી. અહાના વિચારે છે કે તેણે જે પ્રકારની ફિલ્મો સ્વીકારી તેનાથી જૂદી ભૂમિકા સ્વીકારી જોઈતી હતી. પણ તે જે વિચારે છે તે નિર્માતાઓ પણ વિચારે તો વાત બને.

તેને ‘ઈન્ડિયા લોકડાઉન’નો ઈન્તજાર છે કારણ કે તેનો દિગ્દર્શક મધુર ભંડારકર છે અને આજના વિષયને રજૂ કરે છે. ‘લિપસ્ટિક અંડર માય બુરખા’ માટે પ્રશંસા મેળવી ચુકેલી અહાના સુભાષ ઘઈની વ્હિસસીંગ વુડ્સ ઈન્ટરનેશનલ સ્કૂલ ઓફ એક્ટિંગની સ્ટૂડન્ટ રહી ચૂકી છે. મૂળ લખનૌની આ અભિનેત્રીને ‘યુધ્ધ’ ટી.વી. શ્રેણીમાં અમિતાભ બચ્ચનની દિકરી બનવાનો મોકો મળેલો અને ત્યારથી તે ઘણાની નજરમાં જરૂર પડી છે પરંતુ 2013ની તેની પ્રથમ ફિલ્મ ‘સોના સ્પા’ પછી તેણે ફિલ્મ અને વેબ સિરીઝમાં વહેંચાવું પડ્યું છે. હવે જો કે તે ટી.વી. સિરીયલોમાં કામ નથી કરતી. વેબ સિરીઝ મળે તો બરાબર! અને તેની 11 વેબ સિરીઝ આવી છે તો ટી.વી.માં શું કામ વ્યસ્ત રહે? અહાનાને લાગી રહ્યું છે કે તેને ફિલ્મો તો મળવાની જ છે બસ અત્યારનો સમય પૂરો થઈ જાય પછી નવી જગ્યા ખૂલશે. તેની મુંઝવણ એ પણ છે કે ‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’ જેવી ફિલ્મ પ્રશંસા અપાવી શકે છે પણ ‘શમશેરા’ જેવી ફિલ્મો જ લોકપ્રિયતા અને પૈસા અપાવી શકે. અત્યારે તે આ બન્ને રસ્તે છે પણ રસ્તો ધીમો કપાય રહ્યો છે.

Most Popular

To Top