ધનવાન બનવાની હોડમાં અમેરિકાના બિલ ગેટ્સને પાછળ મૂકી દેનારા ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આજકાલ ખોટાં કારણોસર સમાચારમાં છે. થોડા સમય પહેલાં ગૌતમ અદાણીએ પોતાના ૬૦ મા જન્મદિનની ઉજવણી કરતી વખતે જાહેરાત કરી હતી કે તેઓ ૬૦,૦૦૦ કરોડ રૂપિયાનો ધર્માદો કરવાના છે. ગૌતમ અદાણીનો પરિવાર આ ૬૦,૦૦૦ કરોડ રૂપિયાનું દાન કોને આપવાના છે? ક્યારે આપવાના છે? તેનો કોઈ ફોડ પાડવામાં નથી આવ્યો, પણ જૈન ધર્મ પાળતાં સમાજમાં ગૌતમ અદાણી દાનવીર તરીકે જાણીતા છે, તેનો કોઈ ઇનકાર કરી શકે તેમ નથી. અમદાવાદમાં સાબરમતી ખાતે આવેલા વિજયરામચંદ્રસૂરિજી સ્મૃતિ મંદિરના ભક્તિ ભવનમાં અદાણી પરિવારનું માતબર દાન છે, જેનો ખ્યાલ બહાર લાગેલી તકતી પરથી આવી શકે છે.
ગૌતમ અદાણીએ ૬૦,૦૦૦ કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી તેની સાથે બીજા બે સમાચારો અખબારોમાં ચમકી ગયા, જેને કારણે અદાણી જૂથ ઉપરાંત મોદી સરકારની પણ ભારે ટીકા થઈ રહી છે. પહેલા સમાચાર એવા છે કે અદાણી જૂથે નવી મુંબઈના એર પોર્ટ માટે લીધેલી ૧૨,૭૦૦ કરોડ રૂપિયાની લોન સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા માંડી વાળવામાં આવી છે. બીજા સમાચાર એવા છે કે અદાણી જૂથે મુન્દ્રાના કોઈ પ્રોજેક્ટ માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી ૧૪,૦૦૦ કરોડ રૂપિયાની લોન માગી છે.
આ બે પૈકી પહેલા સમાચાર ફેક છે, પણ બીજા સમાચાર રિયલ છે. મૂળ સમાચાર એવા હતા કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ અદાણી જૂથની ૧૨,૭૦૦ કરોડ રૂપિયાની લોન ‘અન્ડરરાઇટ’ કરી છે. કોંગ્રેસના પ્રવક્તાએ તેનો અર્થ ‘રાઇટ ઓફ’ તેવો કર્યો હતો અને મીડિયામાં નિવેદન આપવાની ઉતાવળ કરી હતી. અન્ડરરાઇટનો અર્થ જવાબદારી લેવી, તેવો થાય છે. અર્થાત્ જો અદાણી જૂથ તે લોન ભરપાઈ ન કરી શકે તો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ભરપાઈ કરી દેશે. કોમર્શિયલ બેન્કો તેવી જવાબદારી લેતી હોય છે, માટે બેન્કને દોષ દઈ શકાય નહીં.
હજુ ૩ દિવસ પહેલાં જ સમાચાર આવ્યા હતા કે ગૌતમ અદાણી બિલ ગેટ્સને પાછળ રાખીને વિશ્વના ચોથા નંબરના ધનિક બની ગયા છે. ગૌતમ અદાણીની કુલ સંપત્તિ ૧૧૨.૫ અબજ ડોલર પર પહોંચી ગઈ છે. છેલ્લા એક જ વર્ષમાં તેમની સંપત્તિમાં ૩૬ અબજ ડોલરનો વધારો થયો છે. જો એક ડોલરની કિંમત ૮૦ રૂપિયા ગણીએ તો ગૌતમ અદાણી પાસે ૯,૦૦૦ અબજ કે ૯,૦૦,૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે.
તેમાં છેલ્લા એક વર્ષમાં જ ૨,૮૮,૦૦૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે. જો ગૌતમ અદાણી પાસે ૯ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ હોય તો બેન્કોને તેમની કંપનીને તેના ૨૫ ટકા કે ૨.૨૫ લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં જોખમ ન દેખાય, તે સ્વાભાવિક છે. અહીં સવાલ એટલો જ રહે છે કે જો શેર બજારમાં કોઈ આસમાની સુલતાની થાય અને અદાણી જૂથની કંપનીઓના શેરોના ભાવો ગગડી જાય તો બેન્કોની લોન જોખમમાં આવી જાય તેમ છે. અનિલ અંબાણી સાથે આવું જ બન્યું હતું. તેમની કંપનીઓ ફડચામાં ગઈ ત્યારે બેન્કોને તેમને આપેલી આશરે ૯૦,૦૦૦ કરોડ રૂપિયાની લોન માંડી વાળવાની ફરજ પડી હતી.
ભારતની પબ્લિક સેક્ટર બેન્કો માટે લોન માંડી વાળવાની કોઈ નવાઈ નથી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના આંકડાઓ મુજબ ભારતની પબ્લિક સેક્ટરની બેન્કો દ્વારા ૨૦૧૦ થી માંડીને આજ સુધીમાં કુલ ૬.૬૭ લાખ કરોડ રૂપિયાની લોન માંડી વાળવામાં આવી છે. બીજી ૧.૬ લાખ કરોડ રૂપિયાની લોન ખાનગી બેન્કો દ્વારા અને ૨૨.૭૯ હજાર કરોડ રૂપિયાની લોન વિદેશી બેન્કો દ્વારા માંડી વાળવામાં આવી હતી. આ પૈકી કુલ ૨.૩૭ લાખ કરોડ રૂપિયાની લોન તો ૨૦૧૯-૨૦ માં જ માંડી વાળવામાં આવી હતી. તે પૈકી ૧.૭૮ લાખ કરોડ રૂપિયા સરકારી બેન્કોના ડૂબી ગયા હતા, જ્યારે ખાનગી બેન્કોના ૫૩,૯૪૯ કરોડ રૂપિયા ડૂબી ગયા હતા. બેન્કોના ધંધામાં એવો કેટલો નફો છે કે આટલી લોનની માંડવાળ કર્યા પછી પણ બેન્કો નફો કરતી જોવા મળે છે?
બેન્કો દ્વારા અદાણી જૂથને આટલી બધી લોન આપવામાં આવે છે, તેનું મુખ્ય કારણ એ છે કે તેમનો ડેટ ટુ ઇક્વિટી રેશિયો ૨.૩૬ ટકા જેટલો છે. ડેટનો અર્થ દેવું થાય છે અને ઇક્વિટીનો અર્થ શેરોની કુલ મૂડી થાય છે. અદાણી જૂથે બેન્કો પાસેથી જે ૨.૩૬ રૂપિયાની લોન લીધી છે, તેની સામે તેમના શેરોની બજાર કિંમત ૧૦૦ રૂપિયા જેટલી છે. જો કે આ રેશિયો સતત વધી રહ્યો છે. ૨૦૧૯ માં તે ૧.૯૮ હતો અને ૨૦૨૦ માં તે ૨.૦૨ જેટલો થયો હતો. એમ તો ટાટા જૂથે પણ ૩.૩૫ લાખ કરોડ રૂપિયાની લોન લીધી છે, પણ તેમનો ડેટ ટુ ઇક્વિટી રેશિયો માત્ર ૧.૦૧ ટકા જેટલો નીચો છે.
અદાણી જૂથે મુન્દ્રામાં ૧૯,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે પીવીસી પ્લાન્ટ ઊભો કરવા માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી ૧૪,૦૦૦ કરોડ રૂપિયાની લોન માગી છે, તેવા સમાચારો પણ અખબારોમાં પ્રગટ થયા છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આ લોન મંજૂર કરવામાં નથી આવી; પણ તે મંજૂર કરવામાં આવે તો પણ દેશના કોઈ કાયદાનો ભંગ થતો નથી. અદાણી જૂથના દાવા મુજબ તેમને બેન્કો દ્વારા કુલ આશરે ૨.૨૦ લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે, પણ અત્યાર સુધી તેમને આપવામાં આવેલી એક લાખ રૂપિયાની લોન પણ ખોટી થઈ નથી, માટે બેન્કો તેને નવી લોન આપી શકે છે.
અદાણી જૂથ મુન્દ્રાના પ્રોજેક્ટ માટે ૧૪,૦૦૦ કરોડ રૂપિયાની લોન લેશે તેની સામે કદાચ ૧૯,૦૦૦ કરોડ રૂપિયાનો આખો પ્રોજેક્ટ ગિરવે મૂકશે. તે પ્રોજેક્ટ તૈયાર ન થાય ત્યાં સુધી અદાણી જૂથની કંપનીના શેરો ગિરવે રાખવામાં આવશે, કારણ કે બેન્કો સિક્યોરિટી વગર કોઈ લોન આપતી નથી. કોઈ મધ્યમ વર્ગનો માણસ મકાન ખરીદવા માટે બેન્ક પાસેથી લોન લે તો તેણે પોતાનું મકાન ગિરવે મૂકવું પડે છે. જો તે લોનના અમુક હપ્તાઓ ચૂકવી ન શકે તો બેન્ક તેનું મકાન જપ્ત કરીને તેનું લિલામ કરી શકે છે અને પોતાના રૂપિયા વસૂલ કરી શકે છે.
ગૌતમ અદાણી જૂથ દ્વારા બંદરો, વીજળી કંપનીઓ, એરપોર્ટો, કોલસાની ખાણો વગેરે ખરીદવામાં આવી રહ્યાં છે, તેમાં બેન્કોમાંથી લોનના રૂપમાં લેવામાં આવેલી મૂડીનો ફાળો બહુ મોટો છે અને તે સતત વધી રહ્યો છે. ૨૦૨૧ ના માર્ચમાં અદાણી જૂથની કંપનીઓના નામે કુલ ૧.૫૭ લાખ કરોડ રૂપિયાની લોન બોલતી હતી, જે ૨૦૨૨ ના માર્ચમાં વધીને ૨.૨૦ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. બીજા શબ્દોમાં એક વર્ષમાં અદાણી જૂથને બેન્કો દ્વારા ૬૩ હજાર કરોડ રૂપિયાની નવી લોન આપવામાં આવી છે. ગૌતમ અદાણી જૂથને બેન્કો દ્વારા આટલી મોટી લોન ક્યા આધારે આપવામાં આવે છે? તે રહસ્યમાં વિંટળાયેલો કોયડો છે.
ગુજરાતના રમેશ રણછોડદાસ જોશી નામના નાગરિકે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને માહિતી મેળવવાના અધિકાર હેઠળ સવાલ કર્યો હતો કે અદાણી જૂથને આટલી બધી લોન ક્યા આધારે આપવામાં આવે છે? સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા કોઈ સંતોષકારક જવાબ ન મળતાં રમેશ જોશીએ સેન્ટ્રલ પબ્લિક ઇન્ફોર્મેશન કમિશનર સમક્ષ અપીલ કરી હતી. તેમણે જવાબ આપ્યો હતો કે ‘‘આ માહિતી બેઝનેસ સિક્રેટ હોવાથી આપી શકાય તેમ નથી.’’ જો કોઈ વ્યક્તિ કોઈ બેન્કની ખાનગી માહિતી મેળવવા માગતી હોય તો તેણે સાબિત કરવું પડે કે તેમાં જાહેર હિત સંકળાયેલું છે. રમેશ જોશી તેવું સાબિત કરવામાં નિષ્ફળ ગયા હતા.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.