Gujarat

ભારે વરસાદ વચ્ચે સૌરાષ્ટ્રમાં સિંહ-મગર રસ્તા પર લટાર મારતા દેખાયા, વીડિયો

તાલાલા: છેલ્લાં 48 કલાકથી સૌરાષ્ટ્રના (Saurashtra) અનેક જિલ્લામાં ધમધોકાર અનરાધાર વરસાદ (HeavyRain) વરસી રહ્યો હોઈ નદી નાળા છલકાયા છે. જંગલોમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના લીધે સાપ, મગર, સિંહ જેવા પશુઓ શહેરના રસ્તાઓ પર દેખાવા લાગ્યા છે.

તાલાલામાં એક મગર રસ્તા પર દેખાયો હતો. હિરણ નદી છલકાતા આ મગર તણાઈને બહાર આવી ગયો હતો, જેને જોઈ લોકોમાં અચરજ ઉભું થયું હતું, બીજી તરફ ભવનાથ ચોક પાસે એક સિંહ રસ્તા પર લટાર મારવા નીકળ્યો તેમ જોવા મળ્યો હતો.

હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લાં બે દિવસથી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. આજે ગુરુવારે સવારે પણ સૌરાષ્ટ્રમાં વરસાદ ચાલુ રહ્યો છે. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં જૂનાગઢ જિલ્લાના કેશોદમાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. લાઠી શહેર અને આસપાસના ગ્રામ્યવિસ્તારમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 

બીજી તરફ પાલિતાણાનો શેત્રુંજી ડેમ 85 ટકાથી વધારે ભરાઈ ગયો છે. ડેમની સપાટી 31.11 ફૂટે પહોંચી છે અને હજુ ઉપરવાસમાંથી 2030 ક્યુસેક પાણીની આવક થઈ રહી હોય ડેમની સપાટી હજુ વધે તેવી શક્યતા રહેલી છે. શેત્રુંજી ડેમ હેઠળનાં 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. નાની રાજસ્થળી, લાપાળિયા, લાખાવડ, માઈધાર, મેંઢા તથા ભાવનગર તાલુકાના ભેગાળી, દાંત્રડ,પીંગળી, ટીમાણા, શેવાળિયા, રોયલ, માખણિયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા તથા સરતાનપર સહિતના ગામના લોકોને સાવધાન રહેવા સૂચના અપાઈ છે.

જામનગરની જીવાદોરી સમાન રજિતસાગર ડેમ ઓવરફ્લો થયા બાદ આજે સસોઈ ડેમમાં એક ફૂટથી વધુ પાણીની આવક થતાં ઓવરફ્લો થયો છે. આ તરફ અમરેલી, જાફરાબાદ, રાજુલા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સાતલડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે.

રાજ્યમાં સિઝનનો 65 ટકાથી વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે. સુરત, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી, દમણ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં આજે ભારે વરસાદની શક્યતા છે.

Most Popular

To Top