Comments

પર્યાવરણની નીતિ અને અભ્યાસઃ ચોરને કહે ચોરી કર અને સિપાઈને કહે કે જાગતો રહેજે

પર્યાવરણ અને તેને લગતા વિવિધ અભ્યાસ વિશ્વભરમાં સતત થતા રહેતા હોય છે. ખાસ કરીને વિકાસનાં કહેવાતાં કામ કરવાના આવે ત્યારે પર્યાવરણ પર થનારી તેની વિપરીત અસરો વિશે વિસ્તારથી છણાવટ કરવામાં આવે છે. અલબત્ત, આ એક ઔપચારિકતા છે. પર્યાવરણને જે નુકસાન થવાનું હોય એ થઈને જ રહે છે. એક વાર નુકસાન થઈ ગયા પછી તેને સરભર કરવા ગમે એવાં પગલાંનું આયોજન કરાય, પણ એ મૃતદેહમાં હવા ભરવા જેવી વ્યર્થ કવાયત જ બની રહે છે. ‘ડબલ્યુ.આઈ.આઈ.’ (વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા) અને મહારાષ્ટ્ર વન વિભાગના સંયુક્ત ઉપક્રમે હાથ ધરાયેલા સંશોધનમાં મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં વાઘના ભ્રમણના વિસ્તારોનો અભ્યાસ કરવા માટે પહેલવહેલી વાર રેડિયો ટેલીમેટ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પદ્ધતિમાં વીજચુંબકીય મોજાંનાં અદૃશ્ય રેડિયો સંકેત થકી વાઘની ગતિવિધિઓનો ચોક્કસ ખ્યાલ મળે છે. વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૦ દરમિયાન આ અભ્યાસ હાથ ધરાયો હતો, જેમાં કેટલીક વિગતો નજર સામે આવી છે. વાઘ જે વિસ્તારમાં મુખ્યત્વે ભ્રમણ કરે છે એ રક્ષિત વિસ્તાર ગણાય છે.

આ વખતે જણાયું કે વાઘ રક્ષિત વિસ્તાર સિવાય બહોળા વિસ્તારમાં આવનજાવન કરી રહ્યા છે. આ પ્રદેશમાં વાઘ અને માનવના સંઘર્ષના બનાવો વધી રહ્યા છે. વિદર્ભના આશરે ૨૬,૭૭૫ ચો.મી. જેટલા વનવિસ્તારમાં ૩૩૧ વાઘ છે. આ વિસ્તાર ૮૪,૨૦૨ કિ.મી. લાંબા સડકમાર્ગ ઉપરાંત નહેરો તેમજ અન્ય પ્રકલ્પો થકી વિભાજીત થયેલો છે. એટલે કે એ સળંગ નથી. તેની સરખામણીએ વાઘનો ભ્રમણવિસ્તાર ૩૭,૦૬૭ ચો.કિ.મી. જેટલો છે. આ વિભાગને પણ વાઘના આવનજાવનની તીવ્રતા અનુસાર પાંચ પેટાવિભાગમાં આ મુજબ વર્ગીકૃત કરાયો છેઃ અતિશય ઓછી આવનજાવન, ઓછી, મધ્યમ, વધુ અને અતિશય વધુ આવનજાવન. આ અભ્યાસના અહેવાલ અનુસાર અગાઉ થયેલા અભ્યાસની સરખામણીએ વાઘની આવનજાવનનો વિસ્તાર ઘણો વધ્યો છે, જેમાં વન અને નદી સાથે સંકળાયેલી કૃષિના ઉપયોગમાં લેવાતી જમીનના નાના ટુકડામાં તેનું પ્રમાણ વધેલું છે. માનવવસવાટ ધરાવતા વિસ્તારોથી વાઘ સામાન્ય સંજાગોમાં દૂર રહે છે, પણ આ અભ્યાસમાં જણાયું છે કે વાઘ માનવ સાથેના સંઘર્ષનું જોખમ વહોરીને માનવક્ષેત્રમાં પગપેસારો કરવા લાગ્યો છે.

અભ્યાસની પરિભાષાની બહાર જઈને તેને સાદી ભાષામાં સમજીએ તો ખ્યાલ આવશે કે વાઘની આવનજાવનનો વિસ્તાર વધ્યો છે, એનો સીધો અર્થ એ થાય છે કે વનપ્રદેશ એટલો સંકોચાયો છે. વાઘે માનવહદમાં પ્રવેશ નથી કર્યો, બલ્કે માનવે વાઘના વિસ્તારમાં ઘુસણખોરી કરી છે. પરિણામે વાઘ-માનવના સંઘર્ષના બનાવો વધ્યા છે. વાઘના ભ્રમણવિસ્તારમાં વચ્ચે સડક બનાવવામાં આવે, નહેર કાઢવામાં આવે કે અન્ય કોઈ પ્રકલ્પ તેના માર્ગમાં આવે ત્યારે તેનો ભ્રમણવિસ્તાર ખંડિત થતો રહે છે. વાઘના સંરક્ષણ માટેનો એક ઉત્તમ ઉપાય વાઘના વિવિધ ભ્રમણવિસ્તારોને એકમેક સાથે સાંકળવાનો છે. આ ભ્રમણવિસ્તારો આંતરરાજ્ય પણ હોઈ શકે. તેને બદલે આ ભ્રમણવિસ્તારને વિવિધ યોજનાઓ થકી ખંડિત કરવામાં આવતો રહે તો તેનું જે પરિણામ આવવું જોઈએ એ જ આવ્યું છે. એક તરફ આડેધડ નવી વિકાસયોજનાઓ અમલી બનતી રહે અને બીજી તરફ વાઘ યા અન્ય જીવો પર તેની વિપરીત અસર નિવારવાના અભ્યાસ થતા રહે એ આખી વાત ‘ચોરને કહે ચોરી કર અને સિપાઈને કહે કે જાગતો રહેજે’ જેવી વિચિત્ર જણાય છે. આ અભ્યાસમાં નોંધાયા અનુસાર હવે વનવ્યવસ્થાપન માટે સ્થાનિક લોકો, જિલ્લા પ્રશાસન, સ્થાનિક સ્વૈચ્છિક સંગઠનો અને વિકાસલક્ષી વિવિધ એજન્સીઓ જેવા અનેકવિધ હિસ્સેદારોએ મળીને કામ કરવું પડશે.

ડબલ્યુ.આઈ.આઈ.ના સિનીયર વિજ્ઞાની બિલાલ હબીબ તેમના સાથીદાર પરાગ નિગમ આ અભ્યાસ સાથે સંકળાયેલા હતા. એક ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું હતું કે એક ચોક્કસ વાઘે મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના તીપેશ્વર અભયારણ્યથી બુલઢાણા જિલ્લાના ધાન્યગંગા અભ્યારણ્ય સુધી પહોંચતાં ત્રણ હજાર કિ.મી.નો પ્રવાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. અગાઉ ૨૦૧૯ ના ડિસેમ્બરમાં તીપેશ્વરનો એક વાઘ તેરસો કિ.મી.નો પ્રવાસ ખેડીને ધાન્યગંગા સુધી પહોંચ્યો હોવાના સમાચાર ચમક્યા હતા. રેડિયો ટેલીમેટ્રી દ્વારા વાઘનો ચોક્કસ પ્રવાસમાર્ગ જાણી શકાય છે અને માનવ-વાઘ સંઘર્ષ ચોક્કસપણે કયા વિસ્તારમાં થાય છે, કયા વિસ્તારમાં તેમને વધુ સલામતી પૂરી પાડવાની જરૂર છે એ માહિતી મળી શકે છે. એટલે રેડિયો ટેલીમેટ્રી થકી કરાતા અભ્યાસના આશય તેમજ તેની ચોકસાઈ અંગે કોઈ શંકાને સ્થાન નથી. મૂળ વાત બીજી છે. વિવિધ સરકારો ‘ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ’ (વ્યવસાય કરવાની સરળતા)ના નામે પર્યાવરણને લગતા કાનૂનમાં જાતભાતના ફેરફાર કરતી રહી છે. પર્યાવરણને ભોગે ‘વિકાસ’ને તેઓ મહત્ત્વ આપતા રહ્યા છે. વર્તમાન સરકારે આ તરાહને વધુ ગતિશીલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

ગયા વર્ષે લૉકડાઉન દરમિયાન ‘એન્વાયર્નમેન્ટલ ઈમ્પેક્ટ એસેસમેન્ટ નોટિફિકેશન’ (ઈ.આઈ.એ.)- પર્યાવરણીય પ્રભાવ આકલનનો નવો મુસદ્દો વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા ઘોષિત કરવામાં આવેલો, જેનો પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો હતો. આ સૂચિત મુસદ્દામાં આગોતરી મંજૂરી વિના કામ ચાલુ કરી શકાય અને મંજૂરી પછી મેળવવાની જોગવાઈ, કોઈ પણ પ્રકલ્પ માટે અનિવાર્ય કહી શકાય એવા જનવિમર્શની સદંતર નાબૂદી, પર્યાવરણલક્ષી સંસ્થાઓને નબળી બનાવવા સહિત અનેક સુધારાઓનો સમાવેશ થતો હતો. અદાલત આમાં વચ્ચે પડી છે, પણ એનાથી બહુ બહુ તો આજનો વિકાસ કાલ પર ટળશે. કાલે એ અનિવાર્યપણે થનારો છે અને તેને ટાળી કે ખાળી શકાય એમ નથી. સરકાર ગમે એ હોય! પર્યાવરણ સાથે થતાં ચેડાંને લઈને થતી વિપરીત અસરોનો પરચો માનવજાતને અવારનવાર મળતો રહ્યો છે અને તેનું પ્રમાણ હવે વધી રહ્યું છે. ‘ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ’ની જોગવાઈ ધરાવતાં રાષ્ટ્રોમાં આપણે ૬૩ મા ક્રમે છીએ. આ ક્રમ હજી આગળ લઈ જવાનો છે. એમ સમજવું કે જેમ આ ક્રમ આગળ જશે એમ દેશના પર્યાવરણનો ખો વળવાનું પ્રમાણ વધતું જશે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top