India

આજે CJPનું દિલ્હી પોલીસને અલ્ટીમેટમ; દિલ્હીમાં 6 મેટ્રો સ્ટેશનના ગેટ બંધ

રાજધાની દિલ્હીમાં રાજકીય ગરમાવો વધ્યો છે. INDIA ગઠબંધનના નેતાઓ દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરવાના પ્રસ્તાવ અને કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન માટે તારીખ આપવાની માંગને પગલે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)એ સોમવારે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી છ મેટ્રો સ્ટેશનના પ્રવેશ અને બહાર નીકળવાના ગેટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, શહેરના અનેક માર્ગો પર ટ્રાફિકને અસર થવાની શક્યતા છે.

INDIA ગઠબંધનની સુપ્રીમ કોર્ટ સુધી કૂચ
દિલ્હીમાં સોમવારે INDIA ગઠબંધનના નેતાઓ સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢવાના છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લોકોને ‘ચલો દિલ્હી—લોકતંત્ર માટે માર્ચ’માં જોડાવાની અપીલ કરી છે. કોંગ્રેસે પણ લોકોને આ માર્ચમાં ભાગ લેવા માટે આહ્વાન કર્યું છે.જોકે, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે INDIA ગઠબંધનના સાંસદો દ્વારા કરવામાં આવેલી અરજીને સ્વીકારવાનો ઇનકાર કર્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિપક્ષ જે મુદ્દાઓ ઉઠાવવા માગે છે, તે પહેલેથી જ સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે. આ કારણસર અરજી સ્વીકારવામાં આવી નથી. તેમ છતાં, વિપક્ષી પક્ષોએ માર્ચમાં ભાગ લેવાની અપીલ ચાલુ રાખી છે.

CJPનું દિલ્હી પોલીસને અલ્ટીમેટમ
બીજી તરફ, કોકરોચ જનતા પાર્ટી (CJP)એ પણ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન યોજવા માટે દિલ્હી પોલીસ પાસે તારીખ માગી છે. પાર્ટીના સહ-સંયોજક આશુતોષ રાંકાએ રવિવારે જાહેરાત કરી હતી કે તેઓ અને પાર્ટીના અન્ય નેતાઓ સોમવારે સવારે સંસદ માર્ગ પોલીસ સ્ટેશન જશે અને શાંતિપૂર્ણ પ્રદર્શન માટે તારીખ ફાળવવાની માગ કરશે.CJPએ સ્પષ્ટ કર્યું છે કે દિલ્હી પોલીસ તેમને જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન માટે તારીખ 21આપે. જો તેમની માગણીનો ઉકેલ નહીં આવે,તો પાર્ટી ફરીથી વિરોધ પ્રદર્શનનું આહ્વાન કરશે. આ ઘટનાક્રમને પગલે જંતર-મંતર સહિતના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે.

દિલ્હીના 6 મેટ્રો સ્ટેશનના ગેટ બંધ
INDIA ગઠબંધનની પ્રસ્તાવિત કૂચને ધ્યાનમાં રાખીને DMRCએ છ મેટ્રો સ્ટેશનના પ્રવેશ અને બહાર નીકળવાના ગેટ સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બંધ રાખ્યા છે. આ સ્ટેશનોમાં પટેલ ચોક, જનપથ, રાજીવ ચોક, મંડી હાઉસ, સેન્ટ્રલ સેક્રેટરિયેટ અને બારાખંભા રોડનો સમાવેશ થાય છે.મેટ્રો સ્ટેશનના ગેટ બંધ રહેવાને કારણે મુસાફરોને અવરજવરમાં મુશ્કેલી પડી શકે છે. તેથી મુસાફરોએ મુસાફરીનું આયોજન કરતી વખતે વૈકલ્પિક સ્ટેશન અને માર્ગોની માહિતી મેળવી લેવી જરૂરી છે.

ટ્રાફિક વ્યવસ્થા પર પણ અસર થવાની શક્યતા
દિલ્હી ટ્રાફિક પોલીસે જણાવ્યું છે કે સોમવારે રાજધાનીના અનેક માર્ગો પર વાહનવ્યવહાર પ્રભાવિત થઈ શકે છે. જરૂરિયાત મુજબ કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કરવામાં આવી શકે છે. રેલવે સ્ટેશન, બસ ટર્મિનલ અથવા એરપોર્ટ જતાં મુસાફરોને ઘરેથી વધારાનો સમય લઈને નીકળવાની સલાહ આપવામાં આવી છે.દિલ્હી પોલીસે લોકોને બિનજરૂરી રીતે અસરગ્રસ્ત વિસ્તારોમાં જવાનું ટાળવા પણ અપીલ કરી છે. ટ્રાફિકની સ્થિતિ અનુસાર રૂટ ડાયવર્ઝનમાં ફેરફાર થઈ શકે છે, તેથી મુસાફરોએ ઘરની બહાર નીકળતાં પહેલાં દિલ્હી ટ્રાફિક પોલીસના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર તાજા અપડેટ તપાસવા જોઈએ.હાલમાં રાજધાનીમાં રાજકીય માર્ચ, CJPની પ્રદર્શન માટેની માંગ અને સુરક્ષા વ્યવસ્થાને કારણે સાવચેતી રાખવામાં આવી રહી છે. દિલ્હીમાં અવરજવર કરનારા નાગરિકોએ મેટ્રો સ્ટેશનની સ્થિતિ અને ટ્રાફિક અંગેની તાજી માહિતી મેળવીને જ મુસાફરી કરવી હિતાવહ છે.

Most Popular

To Top