Vadodara

વડોદરાના જનપ્રિય નેતા યોગેશ પટેલની પ્રાર્થના સભા યોજાઈ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મેનકા ગાંધીએ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી

ખુમારી અને પ્રામાણિકતાની વિદાય: ૪૫ વર્ષ જૂના કૌટુંબિક સંબંધોને યાદ કરી પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી ભાવુક થયા; મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી

વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે માંજલપુરના લોકપ્રિય ધારાસભ્ય અને વરિષ્ઠ જનપ્રતિનિધિ સ્વર્ગસ્થ યોગેશ પટેલની પ્રાર્થના સભા યોજાઈ હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપીને દિવંગત નેતાના ફોટા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પરિવારના સભ્યોને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી હતી. પ્રાર્થના સભામાં રમણભાઇ સોલંકી,બાલકૃષ્ણ ભાઈ શુક્લા, જયદ્રથસિંહ પરમાર, કેતન ઇનામદાર, ગોરધનભાઇ ઝડફિયા,સહિત વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
​બીજી તરફ, વડોદરાના રાજકારણના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી યોગેશ પટેલનું ૭૯ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થતાં શોકગ્રસ્ત પરિવારને મળવા પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી વડોદરા સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમણે ૪૫ વર્ષ જૂના ભાઈ-બહેનના સંબંધોની યાદો તાજી કરતા ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું. મેનકા ગાંધી દર વર્ષે રક્ષાબંધન પર રાખડી મોકલતા હતા અને સંજય ગાંધીના અવસાનના મુશ્કેલ સમયમાં યોગેશ પટેલ તેમની પડખે ઊભા રહ્યા હતા. તેમણે જણાવ્યું કે યોગેશ પટેલના જવાથી સમગ્ર દેશને મોટી ખોટ પડી છે, કારણ કે તેમના જેવા મહેનતુ અને પ્રામાણિક માણસ મળવા મુશ્કેલ છે. સત્તા પર હોવા છતાં તેમણે ક્યારેય પરિવારને રાજકારણમાં આગળ લાવવા પદનો દુરુપયોગ કર્યો નહોતો.
​’યોગેશ કાકા’ તરીકે લોકપ્રિય બનેલા આ નેતાએ સતત ૩૬ વર્ષ સુધી જનસેવા કરી હતી. તેઓ રાવપુરા અને માંજલપુર બેઠક પરથી સતત ૮ વખત અજય રહીને ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા તેમજ નર્મદા વિકાસ મંત્રી તરીકે પણ સેવાઓ આપી હતી. સૂરસાગર તળાવમાં સર્વેશ્વર મહાદેવની પ્રતિમાના નિર્માણ અને શિવજીની સવારી શરૂ કરાવવામાં તેમનો સિંહફાળો હતો. પ્રજાના પ્રશ્નો માટે વહીવટી તંત્ર સામે નીડરતાથી અવાજ ઉઠાવવા બદલ તેઓ હંમેશાં યાદ રહેશે.

Most Popular

To Top