Gujarat

ETP ટેન્કમાં મોતનો કાળો કાંડ: સુરતમાં ઝેરી ગેસે ચાર શ્રમિકોના જીવ લીધા

સુરતના ખાંડ બજાર વિસ્તારમાં રવિવારે સવારે બનેલી હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. ચોર્યાસી ડેરી નજીક આવેલા રતિ જ્વેલર્સના અંડરગ્રાઉન્ડ ETP (એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) ટેન્ક ચેમ્બરમાં સફાઈ માટે ઉતરેલા ચાર શ્રમિકોના ઝેરી ગેસની અસરથી કરુણ મોત નિપજ્યા છે. પ્રાથમિક તપાસમાં સુરક્ષાના નિયમોની ગંભીર અવગણના સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે.

મળતી માહિતી મુજબ, જ્વેલરી પ્રોસેસિંગ દરમિયાન નીકળતા વેસ્ટ મટીરિયલના સંગ્રહ માટે બનાવવામાં આવેલી ટેન્કની સફાઈ માટે ત્રણ મજૂરો અને એક સુપરવાઈઝર સવારે અંદર ઉતર્યા હતા. ટેન્કમાં પ્રવેશ્યા બાદ અચાનક ઝેરી ગેસ અથવા ઓક્સિજનની અછતને કારણે ચારેય બેભાન થઈ ગયા અને બહાર નીકળી શક્યા નહોતાં.

સવારે 10:22 વાગ્યે ફાયર કંટ્રોલ રૂમને ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. શરૂઆતમાં માત્ર એક વ્યક્તિ ફસાઈ હોવાની માહિતી મળી હતી, પરંતુ સ્થળ પર પહોંચ્યા બાદ ચોંકાવનારી હકીકત સામે આવી કે કુલ ચાર લોકો ચેમ્બરમાં ફસાયેલા હતા. ફાયર જવાનોએ ઓક્સિજન કીટની મદદથી જોખમી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ચારેયને બહાર કાઢ્યા અને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ડોક્ટરોએ ચારેયને મૃત જાહેર કર્યા હતા.

ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટના સ્થળે કોઈ પણ શ્રમિક પાસે PPE કીટ, સેફ્ટી માસ્ક, ગેસ ડિટેક્ટર અથવા અન્ય જરૂરી સુરક્ષા સાધનો જોવા મળ્યા નહોતાં. નિયમો મુજબ આવા બંધ ચેમ્બરમાં પ્રવેશતા પહેલાં ગેસ ચેકિંગ, ઓક્સિજન લેવલનું પરીક્ષણ અને સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા ફરજિયાત હોય છે. આ કારણે પ્રાથમિક દ્રષ્ટિએ મોટી બેદરકારીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોલીસે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ કબજે કરી તપાસ શરૂ કરી છે. અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો તપાસ દરમિયાન કંપની કે જવાબદાર વ્યક્તિઓની બેદરકારી સાબિત થશે તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

એક સામાન્ય સફાઈ કામગીરી કેવી રીતે ચાર પરિવારો માટે ક્યારેય ન ભૂલાય તેવી દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ, તે પ્રશ્ન આજે સૌના મનમાં છે. આ ઘટના ફરી એકવાર ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા તથા જવાબદારીના મુદ્દાઓને કેન્દ્રમાં લાવી છે.

Most Popular

To Top