એનિમલ વેલ્ફેર સંસ્થા અને પોલીસની સંયુક્ત રેડમાં માંસનો જથ્થો તથા સાધનો જપ્ત
FSL તપાસ શરૂ, સ્થળ પરથી એક વ્યક્તિ ઝડપાતા ગેરકાયદે નેટવર્ક અંગે તપાસ તેજ
વડોદરા, તા. 7:
વડોદરા શહેરના સમા વિસ્તારના સંજયનગરમાં ગેરકાયદે રીતે ચાલી રહેલા ભૂંડના કતલખાના પર રવિવારે દર્શના એનિમલ વેલ્ફેર સંસ્થાના કાર્યકરો અને સ્થાનિક પોલીસની ટીમે સંયુક્ત દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન બે દુકાનોમાંથી મોટી માત્રામાં ભૂંડનું માંસ, કતલ માટે ઉપયોગમાં લેવાતા સાધનો અને અન્ય સામગ્રી મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી એક વ્યક્તિને ઝડપી લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ સ્થિત દર્શના એનિમલ વેલ્ફેર સંસ્થાને સમા સંજયનગર વિસ્તારમાં ગેરકાયદે રીતે ભૂંડનું કતલ કરી તેનું માંસ વેચવામાં આવતું હોવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે સંસ્થાના કાર્યકરોએ સ્થાનિક પોલીસનો સંપર્ક કરી સંયુક્ત દરોડાની યોજના બનાવી હતી. રેડ દરમિયાન બે દુકાનોમાં ગેરકાયદે રીતે ભૂંડનું કટીંગ અને માંસનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું.
કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી મોટી માત્રામાં સંગ્રહ કરાયેલો માંસનો જથ્થો, કતલ માટે વપરાતા ધારદાર હથિયારો અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. પોલીસને સ્થળ પરથી એક વ્યક્તિ મળી આવતા તેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
કબજે કરાયેલા માંસની ગુણવત્તા તેમજ તે કયા પ્રાણીનું છે તેની ચોક્કસ ઓળખ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની મદદ લેવામાં આવી છે. નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ ગેરકાયદે કતલખાનાના સંચાલન અને માંસના વેપાર સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓની ભૂમિકા અંગે પણ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. શહેરમાં ગેરકાયદે કતલખાનાઓ સામે આગામી સમયમાં વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.