India

“દુનિયાનો સાચો ખજાનો” માર્કો રૂબિયો તાજમહેલ જોઈ મંત્રમુગ્ધ,પત્ની સાથે આગ્રાની મુલાકાતે પહોંચ્યા

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો ભારત પ્રવાસ દરમિયાન વિશ્વવિખ્યાત તાજ મહેલ ની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની સાથે પત્ની જિનેટ રૂબિયો પણ હાજર રહ્યા હતા. તાજમહેલની ભવ્યતા અને ઐતિહાસિક સુંદરતા જોઈ માર્કો રૂબિયો ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેમણે તાજમહેલને “દુનિયાનો સાચો ખજાનો” ગણાવ્યો હતો.

માહિતી મુજબ, માર્કો રૂબિયો પોતાના ચાર દિવસીય ભારત પ્રવાસના ભાગરૂપે આગ્રા પહોંચ્યા હતા. તેમણે તાજમહેલની મુલાકાત દરમિયાન તેની સ્થાપત્ય કળા, ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી.મુલાકાત દરમિયાન તેઓએ અનેક તસવીરો પણ ખેંચાવી હતી.રૂબિયોએ મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, “તાજમહેલ ખરેખર દુનિયાનો અમૂલ્ય ખજાનો છે. અહીં આવીને ભારતની સંસ્કૃતિ અને ઇતિહાસની મહાનતા અનુભવાય છે.” તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં પણ ભારે ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

માર્કો રૂબિયો અને તેમની પત્ની જિનેટ રૂબિયો માટે તાજમહેલની આ મુલાકાત ખાસ માનવામાં આવી રહી છે. બંનેએ તાજમહેલ સામે ઊભા રહી તસવીરો પડાવી હતી, જે તસવીરો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. લોકો આ મુલાકાતને ભારત અને અમેરિકા વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોના પ્રતિક તરીકે પણ જોઈ રહ્યા છે.

મુલાકાત દરમિયાન અમેરિકાના ભારત સ્થિત રાજદૂત સર્જિયો ગોર પણ હાજર રહ્યા હતા. સમગ્ર પ્રવાસ દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.છતાં સામાન્ય પ્રવાસીઓ માટે તાજમહેલ ખુલ્લો રાખવામાં આવ્યો હતો.રિપોર્ટ્સ મુજબ, માર્કો રૂબિયોનો આ ભારત પ્રવાસ માત્ર રાજકીય અને કૂટનીતિક બેઠક સુધી સીમિત નહોતો, પરંતુ તેમાં ભારતની સંસ્કૃતિ અને ઐતિહાસિક ધરોહરને નજીકથી સમજવાનો પ્રયાસ પણ સામેલ હતો. તેઓ અગાઉ કોલકાતા માં મદર ટેરેસાના મિશનરીઝ ઓફ ચેરિટીની મુલાકાતે પણ ગયા હતા.

ભારત પ્રવાસ દરમિયાન માર્કો રૂબિયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મહત્વપૂર્ણ બેઠક પણ કરી હતી. બંને દેશો વચ્ચે વેપાર, સુરક્ષા, ઊર્જા અને QUAD સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તેમજ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે માર્કો રૂબિયોની આ મુલાકાત ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવશે. સાથે જ તાજ મહેલની મુલાકાત દ્વારા તેમણે ભારતીય સંસ્કૃતિ પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું છે.

Most Popular

To Top