India

તમિલનાડુમાં CM વિજયનો મોટો નિર્ણય

સ્કૂલ, મંદિરો અને બસ સ્ટેન્ડ નજીકની 717 TASMAC નસાનો વેપલો બંધ થશે

તમિલનાડુના નવા મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે સત્તા સંભાળ્યા બાદ મોટો અને ચર્ચાસ્પદ નિર્ણય લીધો છે. રાજ્યમાં સ્કૂલ, કોલેજ, ધાર્મિક સ્થળો અને બસ સ્ટેન્ડ નજીક આવેલી 717 સરકારી TASMAC નશા ની દુકાનો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર આગામી બે અઠવાડિયામાં આ તમામ દુકાનો બંધ કરી દેવામાં આવશે.
મુખ્યમંત્રી વિજયે જાહેર કલ્યાણ અને યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે. રાજ્ય સરકારના સત્તાવાર નિવેદન મુજબ, 500 મીટરની અંદર આવેલા ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને બસ સ્ટેન્ડ નજીકની દારૂની દુકાનોને ઓળખી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

હાલ તમિલનાડુમાં TASMAC દ્વારા કુલ 4,765 નશા નો કારોબાર સંચાલિત થાય છે. તેમાંમાંથી 276 દુકાનો ધાર્મિક સ્થળો નજીક, 186 શૈક્ષણિક સંસ્થાઓ પાસે અને 255 બસ સ્ટેન્ડ નજીક આવેલી હોવાનું સરકારે જણાવ્યું છે. આ તમામ દુકાનો હવે તબક્કાવાર રીતે બંધ કરવામાં આવશે.

વિજય સરકારે આ નિર્ણયને “સામાજિક સુધારાની શરૂઆત” ગણાવ્યો છે. લાંબા સમયથી સમાજસેવકો, મહિલા સંગઠનો અને વાલીઓ દ્વારા સ્કૂલ અને મંદિરો નજીક આવી દુકાનો દૂર કરવાની માંગ કરવામાં આવી રહી હતી. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાઓ પર તેની નકારાત્મક અસર થતી હોવાના મુદ્દે અનેક વખત વિરોધ પ્રદર્શન પણ થયા હતા. હવે વિજય સરકારના આ નિર્ણયને કારણે રાજ્યમાં નવી રાજકીય ચર્ચા શરૂ થઈ છે.

તમિલનાડુમાં TASMAC રાજ્ય સરકારની માલિકીની સંસ્થા છે, જે દારૂના વેચાણ પર મોનોપોલી ધરાવે છે. રાજ્યની આવકમાં TASMACનો મોટો ફાળો માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, 2025 દરમિયાન TASMAC મારફતે રાજ્યને હજારો કરોડ રૂપિયાની આવક થઈ હતી. છતાં પણ વિજય સરકારે સામાજિક હિતને પ્રાથમિકતા આપતા આ નિર્ણય લીધો હોવાનું કહેવાઈ રહ્યું છે.

રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે સત્તા સંભાળ્યા બાદ વિજયનો આ પ્રથમ મોટો વહીવટી નિર્ણય છે અને તેનાથી લોકો વચ્ચે સકારાત્મક સંદેશ આપવા પ્રયાસ થયો છે. ખાસ કરીને મહિલાઓ અને યુવાનોમાં આ નિર્ણયને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો આ નિર્ણયનું સ્વાગત કરી રહ્યા છે તો કેટલાકનો મત છે કે રાજ્યની આવક પર તેની અસર પડી શકે છે. આ નિર્ણય બાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાં આવેલી TASMAC દુકાનો પર અસર પડશે. અધિકારીઓને તાત્કાલિક સર્વે પૂર્ણ કરીને દુકાનો બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં સરકાર નશા ને નિયંત્રણ અને જાહેર આરોગ્યને લગતા વધુ કડક પગલાં લઈ શકે તેવી પણ ચર્ચા ચાલી રહી છે.

Most Popular

To Top