Vadodara

વડોદરા: નેશનલ હાઈવે પર બાબા રામદેવ હોટલ પર પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ

6 કામદારોનું રજિસ્ટ્રેશન ન કરાતા હોટલ માલિક સામે ગુનો દાખલ, અન્ય હોટલ સંચાલકોમાં ફફડાટ
વડોદરા, તા. 6:
વડોદરા શહેર અને જિલ્લામાં વધતી ચોરીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર વધુ સતર્ક બન્યું છે. ખાસ કરીને નેશનલ હાઈવે પર આવેલી હોટલો અને ગેસ્ટહાઉસોમાં કામ કરતા પરપ્રાંતિય તેમજ અન્ય કામદારોની સંપૂર્ણ માહિતી પોલીસ પાસે નોંધાવવી ફરજિયાત બનાવવામાં આવી છે. તેમ છતાં ઘણા હોટલ સંચાલકો આ નિયમનું પાલન કરતા ન હોવાનું સામે આવ્યું છે.
આ સંદર્ભમાં કપુરાઈ પોલીસ દ્વારા નેશનલ હાઈવે પર આવેલી બાબા રામદેવ રાજપુરોહિત હોટલ ખાતે રવિવારે રાત્રે અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હોટલ સંચાલક લાલા બોગા ભરવાડ દ્વારા આશરે 6 કામદારોને નોકરીએ રાખવામાં આવ્યા હતા, પરંતુ તેમની ઓળખ, સરનામા તેમજ જરૂરી દસ્તાવેજો સાથેનું લેબર રજિસ્ટ્રેશન ફોર્મ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવ્યું નહોતું.
આ બાબતને ગંભીરતાથી લઈ કપુરાઈ પોલીસે હોટલ માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરીને ગુનો નોંધ્યો છે.
પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ, કોઈપણ હોટલ સંચાલકે કામદારને નોકરીએ રાખતી વખતે તેની સંપૂર્ણ માહિતી પોલીસને આપવી ફરજિયાત છે. ઉપરાંત, કામદાર નોકરી છોડે અથવા શહેર બહાર જાય તો તેની જાણ પણ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં કરવી જરૂરી છે.
પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીના પગલે હાઈવે વિસ્તારના અન્ય હોટલ સંચાલકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે

Most Popular

To Top