ઇન્ડસ્ટ્રીયલ પટ્ટી પોલીસ છાવણીમાં ફેરવાઈ, સોશિયલ મીડિયા પર ‘ડિજિટલ’ વોચ
હજીરામાં ઉદ્યોગ વિસ્તારમાં હાઇ એલર્ટ,AM/NS India ઘટના બાદ પોલીસનું સઘન ઓપરેશન
AM/NS India ના હજીરા સ્થિત પ્લાન્ટ ખાતે બનેલી હિંસક ઘટનાના અનુસંધાનમાં શુક્રવારે વહેલી સવારથી સમગ્ર ઉદ્યોગ વિસ્તાર પોલીસના કડક બંદોબસ્ત હેઠળ આવી ગયો હતો. ગુરુવારે Larsen & Toubro (L&T) ના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ દ્વારા થયેલા પથ્થરમારો અને તોડફોડની ઘટનાને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા તાત્કાલિક સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું.પોલીસના ઉચ્ચ અધિકારીઓ જાતે જ હજીરાના વિવિધ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ પર પહોંચી તમામ પરિસ્થિતિની સમીક્ષા કરતા નજરે પડ્યા હતા. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની ફોર્સ તહેનાત કરવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ફરી સર્જાય નહીં.
સવારે ફરી અંદાજે 50થી વધુ L&Tના કોન્ટ્રાક્ટ કામદારો એકત્ર થતા પોલીસ તંત્ર તરત જ સક્રિય બન્યું હતું. સજ્જ દળ દ્વારા સમયસર હસ્તક્ષેપ કરતા પરિસ્થિતિને શાંતિપૂર્ણ રીતે કાબૂમાં લઈ લેવામાં આવી અને સંભવિત મોટા બનાવને ટાળી દેવામાં સફળતા મળી હતી.હાલ સમગ્ર હજીરા પંથકમાં કડક ચેકિંગ, પેટ્રોલિંગ અને નજર રાખવામાં આવી રહી છે.ઔદ્યોગિક પ્રવૃત્તિ સામાન્ય બનાવવા તંત્ર સતર્ક બની કામગીરી કરી રહ્યું છે.
હરિયાણાના Panipat ખાતે થયેલા શ્રમિક આંદોલનના વીડિયો વ્હોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં વાયરલ થયા બાદ કર્મચારીઓને ઉશ્કેરવાનો પ્રયાસ થયો હતો. પોલીસની સાયબર સેલ હવે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વ્હોટ્સએપ ગ્રુપ પર સતત નજર રાખી રહી છે.
ગુરુવારની હિંસામાં Shefali Barwal સહિતના અધિકારીઓ ઇજાગ્રસ્ત થતા પોલીસે 40થી વધુ ઓળખાયેલા તોફાની તત્વો સામે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે અજ્ઞાત આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે.DCPએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે અને ચેતવણી આપી છે કે ભડકાઉ પોસ્ટ મૂકનાર સામે કડક કાયદેસર પગલાં લેવામાં આવશે. હાલ સમગ્ર હજીરા પટ્ટીમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.
40 સામે ગંભીર ગુનો નોંધાયો, સાયબર મોનિટરિંગ વધુ કડક
પોલીસે સ્પષ્ટ કર્યું છે કે અફવા ફેલાવનાર અથવા ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકનાર કોઈને પણ છોડવામાં નહીં આવે. હાલ હજીરા વિસ્તાર કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે શાંતિપૂર્ણ સ્થિતિ તરફ આગળ વધી રહ્યો છે.