સુરતના જાણીતા આંખના નિષ્ણાત અને તબીબી ક્ષેત્રે શૈક્ષણિક તેમજ સામાજિક સેવા સાથે સંકળાયેલા ડૉ. મહેન્દ્રસિંહ ડી. ચૌહાણને પ્રતિષ્ઠિત ‘નેશનલ એકેડેમિક એક્સેલન્સ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) હેડક્વાર્ટર, નવી દિલ્હી દ્વારા આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. તબીબી ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન, શૈક્ષણિક સિદ્ધિઓ અને આધુનિક ચિકિત્સાના વિકાસમાં આપેલા પ્રદાન બદલ તેમને આ રાષ્ટ્રીય સન્માન મળશે. 26 ડિસેમ્બર, 2026ના રોજ મુંબઈ ખાતે યોજાનારા ‘નેટકોન-2026’ સંમેલનમાં એવોર્ડ એનાયત કરાશે.
ડૉ. ચૌહાણ હાલમાં સુરતની શ્રી ભારતીમૈયા કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ તથા ભારત કેન્સર હોસ્પિટલના ચેરમેન તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. અગાઉ તેમણે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (MCI)ના સભ્ય તરીકે તેમજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મેડિકલ ફેકલ્ટીના ડીન અને સિન્ડિકેટ સભ્ય તરીકે પણ મહત્વપૂર્ણ કામગીરી કરી છે.
તેમની ઓળખ માત્ર એક નિષ્ણાત તબીબ પૂરતી સીમિત નથી. શ્રી સત્ય સાંઈ આંખની હોસ્પિટલ ખાતે તેમણે જરૂરિયાતમંદ દર્દીઓના 20 હજારથી વધુ મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે કરી માનવસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તબીબી શિક્ષણ, સંસ્થાકીય જવાબદારી અને નિઃસ્વાર્થ આરોગ્યસેવાના ત્રિવેણી સંગમરૂપ તેમના યોગદાનને મળેલું આ રાષ્ટ્રીય સન્માન સુરતના તબીબી જગત માટે ગૌરવરૂપ બન્યું છે.