વડોદરા શહેરમાં નશાના કારોબારીઓએ હવે જાહેર સ્થળોને પણ ગાંજાના વેચાણના અડ્ડા બનાવી દીધા છે. સોમાતળાવ બ્રિજ નીચે ગ્રાહકોને ગાંજાનું છૂટક વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી બે યુવકોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસની તપાસમાં બંને યુવકોના પેન્ટનાં ખિસ્સાં ઉપરાંત તેમની એક્સેસ ટુ-વ્હીલરની ડેકીમાંથી પણ ગાંજાની પડીકીઓ મળી આવી હતી. પોલીસે 103.99 ગ્રામ ગાંજો, બે મોબાઇલ, રોકડ રકમ અને એક્સેસ સહિત રૂ.85 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે બંનેને ગાંજાનો જથ્થો પૂરો પાડનાર અજય નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.
વડોદરા શહેરમાં પેટ્રોલિંગમાં ફરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે સોમાતળાવ બ્રિજ નીચે વિષ્ણુ લક્ષ્મણભાઇ પઢિયાર (ઉં.વ.20, રહે. અનુપમનગર, દંતેશ્વર) અને રવિ જયંતિભાઇ પરમાર (ઉં.વ.23, રહે. વિજયવાડી, ઘાઘરેટિયા) ગાંજાનું છૂટક વેચાણ કરી રહ્યા છે. જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં બંને યુવકો એક્સેસ ટુ-વ્હીલર સાથે મળી આવ્યા હતા. તેમની અંગઝડતી અને વાહનની તપાસ દરમિયાન પેન્ટનાં ખિસ્સાં તથા ડેકીમાંથી ગાંજાની પડીકીઓ મળી આવી હતી. 103.99 ગ્રામ ગાંજાની કિંમત રૂ.5,200 હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંને પાસેથી બે મોબાઇલ ફોન, રોકડા રૂ.9,850, ટુ-વ્હીલર અને પ્લાસ્ટિકની ખાલી થેલીઓ સહિત કુલ રૂ.85 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને વેચવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે. એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી માટે બંને આરોપીઓને મકરપુરા પોલીસને સોંપવામાં આવ્યા છે.