માંડવી: અરેઠના ઝરપણની સીમમાં કીમ-માંડવી રોડ પર આવેલા પેટ્રોલ પંપ સામે ગત રવિવાર, તા.૨૨ નવેમ્બરે સાંજે સુમારે બે વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતી બાઈકની ટક્કરથી મોપેડ પર સવાર ૧૯ વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ચાલક યુવાનને ઈજા પહોંચી હતી.
મળતી માહિતી મુજબ અરેઠના ટિટોઈ ગામના ડુંગરી ફળિયામાં રહેતા ૧૯ વર્ષીય ફાગેશકુમાર માનસિંગભાઈ ચૌધરીએ રવિવારે બપોરે ૩:૩૦ વાગ્યે પોતાના ગામના માયા ફળિયામાં રહેતા મિત્ર સ્મિતભાઈ અનિલભાઈ ચૌધરી (ઉં.વ.૧૯)ને ફોન કરી શેરડીનું વજન કરાવવા અને પેમેન્ટ લેવા અરેઠ આવવા જણાવ્યું હતું. બંને મિત્ર ફાગેશકુમારની હોન્ડા મોપેડ નં.(GJ-19-BQ-5223) લઈને અરેઠ ગયા હતા.

કામ પતાવી સાંજે ૭ વાગ્યાની આસપાસ સ્મિતભાઈ મોપેડ ચલાવીને અને ફાગેશકુમાર પાછળ બેસીને પરત ટિટોઈ જઈ રહ્યા હતા. ઝરપણ નજીક પેટ્રોલ પંપ સામે પહોંચતા સામેથી આવતી હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઈક નં.(GJ-05-HB-6493)ના અજાણ્યા ચાલકે મોપેડને સામેથી ટક્કર મારતાં બંને રોડ પર ફંગોળાયા હતા. માથા અને જમણી આંખમાં ગંભીર ઈજા થતાં ફાગેશકુમારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે સ્મિતભાઈને હાથ, પગ અને મોંના ભાગે ઈજા થઈ હતી. ૧૦૮ મારફતે બંનેને અરેઠ સરકારી દવાખાને ખસેડાયા હતા. સ્મિતભાઈની ફરિયાદના આધારે તડકેશ્વર પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.