ડાયમંડ સિટી સુરતના નાગરિકોને વહીવટી કામકાજમાં સરળતા રહે તે માટે પીપલોદ વિસ્તારમાં લેકવ્યૂ ગાર્ડનની સામે અત્યંત આધુનિક અને સુવિધાસભર નવી જિલ્લા કલેક્ટર કચેરી (જિલ્લા સેવા સદન) નું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. અઠવાલાઇન્સ સ્થિત જૂની કચેરીમાં પાર્કિંગ અને જગ્યાની અછતને ધ્યાનમાં રાખીને તૈયાર થઈ રહેલા આ પ્રોજેક્ટ પાછળ તંત્રની વર્ષોની મહેનત અને મક્કમ નિર્ણયશક્તિ રહેલી છે.
તત્કાલીન કલેક્ટર ડૉ. ધવલ પટેલની કડક કાર્યવાહી
પીપલોદના મોકાના સ્થળે આવેલી આ કિંમતી સરકારી જમીન પર વર્ષોથી ગેરકાયદેસર કબજો જમાવીને દબાણ કરવામાં આવ્યું હતું. સુરતના તત્કાલીન જિલ્લા કલેક્ટર ડૉ. ધવલ પટેલે ભારે દબાણ વચ્ચે પણ મક્કમતા દાખવી હતી. તેમણે પોલીસ બંદોબસ્ત સાથે રાતોરાત ઓપરેશન હાથ ધરીને વસરામ ભરવાડનું વર્ષો જૂનું આ દબાણ દૂર કરાવ્યું હતું અને કરોડો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરાવી હતી. તેમના આ ઐતિહાસિક પગલાને કારણે જ આ જગ્યા પર સરકારી સંકુલ ઊભું કરવાનો માર્ગ મોકળો બન્યો હતો. જમીન ખુલ્લી થયા બાદ તત્કાલીન કલેક્ટર આયુષ ઓકે આ જગ્યાના શ્રેષ્ઠ ઉપયોગ માટે નવી કલેક્ટર કચેરી બનાવવાનું બીડું ઝડપ્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ 'ગ્રીન બિલ્ડિંગ' કોન્સેપ્ટ આધારિત નવા ભવનનો આધુનિક પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જોકે બાદમાં આ પ્રોજેક્ટમાં ફેરફાર કરીને પ્લાન બદલીને બાંધકામના શ્રીગણેશ થયા હતા.
નાગરિકોને એક જ છત નીચે મળશે તમામ સુવિધા
માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજે ₹૩૬ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આ નવા ભવનમાં મહેસૂલી વિભાગ સહિતની તમામ મહત્ત્વની કચેરીઓ કાર્યરત થશે. પર્યાવરણને અનુકૂળ ડિઝાઇન, વિશાળ પાર્કિંગ અને આધુનિક સુવિધાઓથી સજ્જ આ નવી કચેરી શરૂ થતાં જ સુરતવાસીઓના સમય અને શક્તિની બચત થશે.