અંકલેશ્વરના પિલુદ્રા અને પાનોલી ગામની સીમમાં આવેલા વીજ ટાવરો પરથી તસ્કરો રૂ.૪.૭૪ લાખથી વધુની કિંમતના વીજ વાયરની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. તસ્કરોએ વાયર કાપીને વીજ કંપનીના અન્ય સાધનોને પણ મોટું નુકસાન પહોંચાડ્યું હતું.
શિયાળો આવતાં જ તસ્કરો ગેલમાં આવી ગયા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં વીજ વાયરોની ઘટનામાં વધારો છે. ગત તા.૨૮ ઓક્ટોબર, ૨૦૨૬થી ૫ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન અજાણ્યા ચોર ઈસમોએ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા પિલુદ્રા સીમમાં અને પાનોલી સીમમાં ડીપી વચ્ચે ઊભા કરાયેલા ટાવર પરથી ૨.૨૧૪ કિલોમીટર લંબાઈના ACSR પેન્થર કંડક્ટર વાયર (કિં.રૂ.૪,૭૪,૫૫૮) ઉતારી ચોરી લીધા હતા. ઉપરાંત તસ્કરોએ ટાવર પરના ટેન્શન હાર્ડવેર, સસ્પેન્શન હાર્ડવેર, ૧૨૦ KN તથા ૯૦ KN SRI ઈન્સ્યુલેટર અને વાઈબ્રેશન ડમ્પર મળી કુલ ૭૩ નંગ સાધનોની તોડફોડ કરી રૂ.૮૬,૫૦૮નું નુકસાન પહોંચાડ્યું હતું. જે.કે.પાવર કંપનીમાં સાઈટ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા હરેન્દ્ર સુરેન્દ્રપાલ સિંહે (રહે., ગ્રીન પાર્ક સોસાયટી, કોસંબા, માંગરોળ, સુરત)એ તા.૨૩ નવેમ્બરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પાનોલી પોલીસે ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ જયપાલભાઈ વસાવાને વધુ તપાસ સોંપી છે.