ભરૂચ શહેરમાં સ્પાની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ સામે પોલીસે કાયદાનો કોરડો વિંઝ્યો હતો. ભરૂચ શહેર 'એ' ડિવિઝન પોલીસે શાલીમાર ત્રણ રસ્તા પાસે આવેલા આંબેડકર શોપિંગ સેન્ટર (મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર) ખાતે દરોડો પાડી ગેરકાયદે કુટણખાનું ઝડપી પાડ્યું હતું. આ બનાવમાં એક મહિલાની અટકાયત કરવામાં આવી હતી.
થોડા દિવસો પહેલા ભરૂચ શહેરના આંબેડકર શોપિંગ સેન્ટરના ધાબા પર વપરાયેલાં કોન્ડમ પડ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરતાં શોપિંગ સેન્ટરની દુકાન નં.૮ અને ૯માં આવેલા ‘પી.પી. થાઈ સ્પા’ (P.P. Spa Health and Care Therapy)માં મસાજની આડમાં દેહવ્યાપાર ચાલતો હોવાની હકીકત સામે આવી હતી.
બાતમીની ખાતરી કરવા પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી.માંગરોલીયાની ટીમે પંચોની હાજરીમાં એક ડમી ગ્રાહક તૈયાર કર્યો હતો. ડમી ગ્રાહકને રૂ.૫૦૦ના દરની ૬ ચલણી નોટો (કુલ રૂ.૩,૦૦૦) આપી સ્પામાં મોકલવામાં આવ્યો હતો. ગ્રાહક દ્વારા વોટ્સએપ પર મિસકોલ મળતાં જ પોલીસે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સ્પાના રૂમમાંથી બે યુવતી મળી આવી હતી, જેમને પૂછપરછ બાદ મુક્ત કરવામાં આવી છે.
પોલીસે સ્થળ પરથી કાઉન્ટર સંભાળતી મેનેજર સીમાબાનુ અબ્દુલમનાન શેખ (ઉં.વ.૨૩) (હાલ રહે., ફ્લેટ નં.34, અલ-મદિના એપાર્ટમેન્ટ, મનુબર ચોકડી પાસે, ભરૂચ, મૂળ રહે., ફ્લેટ નં.703, હાર્ટકેશ ગૌરવવેલી બિલ્ડિંગ, મીરા રોડ, ઇસ્ટ મુંબઈ)ની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં ખૂલ્યું છે કે, આ સ્પાની મુખ્ય માલિક સીમાબાનુની માતા અફરોઝ મહંમદ મુસ્લિમ શેખ (રહે.,મુંબઈ) છે, જે હાલ ફરાર છે. પોલીસે કાઉન્ટરમાંથી રૂ.૩,૦૦૦ રોકડા અને કોન્ડમ કબજે કરી બંને આરોપી વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ-૧૯૫૬ની કલમ ૩, ૪, ૫ અને ૭ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.