કલ્પના કરો કે કોઈ મહિલા અકસ્માતમાં પોતાનો હાથ ગુમાવી બેસે છે અને તેને પાણીનો ગ્લાસ પકડવા, વાળ ઓળવા કે બાળકનો હાથ પકડવા પણ બીજા પર આધાર રાખવો પડે છે. પરંતુ જો એવો કૃત્રિમ હાથ મળે, જે સ્નાયુઓના સંકેત સમજીને આંગળીઓ હલાવી શકે અને વસ્તુ પકડતી વખતે કેટલું દબાણ આપવું તેની જાણ પણ કરાવી શકે તો? વિજ્ઞાનની દુનિયામાં આ હવે માત્ર કલ્પના નથી. બાયોનિક હાથની મદદથી અંગ ગુમાવનાર વ્યક્તિને ફરી રોજિંદાં કામમાં સ્વતંત્ર બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, અને અદ્યતન ટેક્નોલોજીમાં કૃત્રિમ હાથ દ્વારા સ્પર્શની સંવેદના પાછી આપવાના પ્રયોગો પણ સફળ થયા છે.
બાયોનિક હાથ વાસ્તવમાં છે શું?
સામાન્ય કૃત્રિમ હાથ મર્યાદિત હલનચલન માટે વપરાય છે, જ્યારે બાયોનિક હાથમાં સેન્સર, મોટર, બેટરી અને ઇલેક્ટ્રોનિક નિયંત્રણ પ્રણાલી હોય છે. તે શરીરના સ્નાયુઓમાંથી મળતા વિદ્યુત સંકેતોના આધારે કામ કરે છે, જેને માયોઇલેક્ટ્રિક ટેક્નોલોજી કહેવાય છે. હાથ ગુમાવ્યા પછી પણ ઉપરના ભાગના સ્નાયુઓમાં સંકોચવાની ક્ષમતા રહે છે. બાયોનિક હાથના સેન્સર આ સંકેતો ઓળખે છે અને નાની મોટર આંગળીઓને ખોલે કે બંધ કરે છે. આથી વ્યક્તિ કપ કે ચમચી જેવી વસ્તુઓ પકડી શકે છે, જોકે તેના માટે યોગ્ય તાલીમ જરૂરી છે.
મશીનમાં માણસ જેવી સંવેદના કેવી રીતે આવશે?
સામાન્ય રીતે ચામડીના સંવેદનશીલ કોષો મગજ સુધી સ્પર્શ અને ગરમી-ઠંડીના સંકેત મોકલે છે. બાયોનિક હાથમાં ખાસ સેન્સર દબાણ અને સ્પર્શની માહિતી મેળવી ઇલેક્ટ્રોડ દ્વારા ચેતાતંત્ર સુધી પહોંચાડે છે. વર્ષ 2019માં સંશોધકોએ હાથ ગુમાવેલી એક યુવતીની ચેતાઓ સાથે ખાસ ઇલેક્ટ્રોડ જોડી પ્રયોગ કર્યો હતો. 11 અઠવાડિયાના આ પ્રયોગમાં વસ્તુ પકડતી વખતે દબાણ અને વસ્તુ સરકતી હોવાની માહિતી ચેતાતંત્ર સુધી પહોંચાડાઈ, જેનાથી યુવતી પોતાની પકડ સુધારી શકી. વર્ષ 2023ના અન્ય એક સંશોધનમાં બાયોનિક હાથને હાડકાં અને ચેતાતંત્ર સાથે જોડવાની પદ્ધતિ દર્શાવાઈ, જેમાં રોજિંદા જીવનમાં વધુ સારું નિયંત્રણ અને સ્પર્શ જેવી સંવેદનાનો અનુભવ નોંધાયો.
વિશ્વભરમાં કેટલી જરૂરિયાત છે?
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના જાન્યુઆરી 2024ના આંકડા મુજબ, દુનિયાભરમાં 250 કરોડથી વધુ લોકોને કૃત્રિમ હાથ-પગ, વ્હીલચેર કે શ્રવણયંત્ર જેવી સહાયક ટેક્નોલોજીની જરૂર છે. વર્ષ 2050 સુધીમાં આ આંકડો 350 કરોડને પાર થવાનો અંદાજ છે. ઓછી આવક ધરાવતા દેશોમાં જરૂરિયાતમંદોમાંથી માત્ર 3 ટકા લોકોને જ આ સાધનો મળી શકે છે. આથી ટેક્નોલોજીની શોધ સાથે તેને સામાન્ય લોકો સુધી પહોંચાડવી પણ જરૂરી છે.
આગળ વિજ્ઞાન ક્યાં પહોંચવા માગે છે?
ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી વ્યક્તિની હલનચલનની ટેવ પ્રમાણે અનુકૂળ બને, હળવા અને ઓછી કિંમતના હોય તેવા બાયોનિક હાથ વિકસાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી વ્યક્તિની હલનચલનની ટેવ પ્રમાણે હાથને અનુકૂળ બનાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. સાથે હળવા, મજબૂત, ઓછી કિંમતના અને લાંબા સમય સુધી ચાલે તેવા કૃત્રિમ અંગો બનાવવાનું પણ લક્ષ્ય છે.
જોકે, ઊંચી કિંમત, બેટરી, જાળવણી અને તાલીમ જેવા પડકારોને કારણે આ ટેક્નોલોજી હજુ કુદરતી હાથનો સંપૂર્ણ વિકલ્પ બની નથી. તેમ છતાં, તે અંગ ગુમાવનાર વ્યક્તિને આત્મવિશ્વાસ અને સ્વતંત્રતા પાછાં અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ખરેખર, અહીં હાથ મશીનનો છે, પરંતુ તેને ચલાવવાની ઇચ્છા અને લાગણી માણસની જ છે!