યુવાનોમાં બોડી બનાવવાનો ક્રેઝ વધવાની સાથે જિમમાં પ્રોટીન પાઉડર, ન્યુટ્રાસ્યુટિકલ્સ અને વિવિધ પ્રકારનાં હેલ્થ સપ્લિમેન્ટ્સનો વપરાશ પણ ઝડપથી વધી રહ્યો છે. અનેક જિમમાં ટ્રેનર્સ દ્વારા યુવાનોને ચોક્કસ બ્રાન્ડનાં સપ્લિમેન્ટ્સ લેવાની સલાહ આપવામાં આવે છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ પણ આવા ઉત્પાદનોના ફાયદા ગણાવીને તેનું પ્રમોશન કરે છે. પરંતુ આ ઉત્પાદનોની ગુણવત્તા, કાયદેસર લાઇસન્સ, તેમાં રહેલા ઘટકો અને તેના દાવાઓની ખરાઈ કોણ કરે છે? સુરત સહિત ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે આ સવાલ ઊભો થયો છે.
મહારાષ્ટ્રના FDA કમિશનર તુકારામ મુંઢેએ આ મુદ્દે ગંભીરતા દાખવીને ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર્સ, સોશિયલ મીડિયા પ્રમોટર્સ, જિમ ટ્રેનર્સ અને હેલ્થ સપ્લિમેન્ટ્સના વેપારીઓને કડક ચેતવણી આપી છે. સપ્લિમેન્ટ્સના ફાયદા અંગે આધાર વગરના દાવા કરવા, ભ્રામક મેડિકલ પ્રચાર કરવો અને જરૂરી મંજૂરી વિના વેચાણ કરવા સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. સાથે જ વેચાણકારો માટે FSSAIના લાગુ પડતા લાઇસન્સનું પાલન ફરજિયાત ગણાવ્યું છે.
મહારાષ્ટ્ર FDAએ 13 નવેમ્બરે 17 એકમોમાં તપાસ કરીને આશરે રૂ.1.38 કરોડની કિંમતનાં ન્યુટ્રાસ્યુટિકલ ઉત્પાદનો જપ્ત કર્યાં હતાં. આ કાર્યવાહી દર્શાવે છે કે હેલ્થ સપ્લિમેન્ટ્સનું વેચાણ માત્ર વેપારનો વિષય નથી, પરંતુ જાહેર આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે. બીજી તરફ સુરત અને ગુજરાતમાં ફૂડ વિભાગની કામગીરી મોટાભાગે હોટલ, રેસ્ટોરન્ટ અને ખાદ્ય ચીજવસ્તુઓની સ્વચ્છતા તપાસવા પૂરતી જ દેખાતી હોવાની ફરિયાદો ઊઠી રહી છે. સમયાંતરે હોટલોમાં દરોડા, નમૂના લેવા અને અખાદ્ય જથ્થાનો નાશ કરવાની જાહેરાતો થાય છે, પરંતુ આવી કાર્યવાહીનાં પરિણામો, લેબોરેટરી રિપોર્ટ અને જવાબદારો સામે લેવાયેલાં અંતિમ પગલાં અંગે પૂરતી જાહેર માહિતી સામે આવતી નથી.
યુવાનોના આરોગ્ય સાથે જોડાયેલા આ મુદ્દે હવે સુરત અને ગુજરાતના ફૂડ વિભાગે જિમ, સપ્લિમેન્ટ્સ વેચતી દુકાનો, ઓનલાઇન વેચાણકારો અને પ્રચાર કરતા ઇન્ફ્લુએન્સર્સની પણ તપાસ શરૂ કરવી જરૂરી બની છે. પ્રોટીનના નામે યુવાનો શું ખરીદી રહ્યા છે, તે કેટલું પ્રમાણિત છે અને તેના વેચાણ પાછળના દાવાઓ કેટલા સાચા છે તેની તપાસ માટે વિશેષ ઝુંબેશ ક્યારે હાથ ધરાશે તે સવાલ મહત્ત્વનો બન્યો છે.