"તમે રાજકીય પક્ષોને તેમનો એજન્ડા ઉઠાવતા કેવી રીતે રોકી શકો?" સુપ્રીમ કોર્ટે સોમવારે કેટલાક રાજકારણીઓ અને અન્યોના નિવેદનોથી ન્યાયતંત્રની કામગીરીમાં અવરોધ ઊભો થયો હોવાના આક્ષેપ કરતી અરજીની સુનાવણી દરમિયાન આ અવલોકન કર્યું હતું.
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ અપરેશ કુમાર સિંહની ખંડપીઠ બે વકીલો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી રહી હતી, જેમાં કેટલાક રાજકારણીઓ દ્વારા સોશિયલ મીડિયા સહિત અન્ય માધ્યમો પર ન્યાયતંત્ર વિરુદ્ધ કરવામાં આવેલા તાજેતરના નિવેદનો અને ટિપ્પણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ગૌરવ ભાટિયાએ તાજેતરની એક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં એક વકીલે કોર્ટરૂમમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ(CJI) સૂર્યકાંત વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી કરી હતી.
ભાટિયાએ કહ્યું, "આ કોર્ટ આ ઘટનાઓમાંની એકથી વાકેફ છે. આ સીધી રીતે ન્યાયતંત્રને અસર કરે છે. આ અરજી દાખલ થયા પછી આવી વધુ બે ઘટનાઓ બની છે. આ એક ગંભીર મુદ્દો છે." તેમણે જણાવ્યું કે CJI વિરુદ્ધ વકીલ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી અંગેનો તિરસ્કારનો કેસ સર્વોચ્ચ અદાલતની અન્ય ખંડપીઠ સમક્ષ પેન્ડિંગ છે, ત્યારબાદ ખંડપીઠે કહ્યું કે જો આ અરજી પણ તે જ ખંડપીઠ સમક્ષ મૂકવામાં આવે તો તે યોગ્ય રહેશે. ખંડપીઠે સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીને આ મામલો યોગ્ય નિર્દેશો પસાર કરવા માટે CJI સમક્ષ મૂકવા જણાવ્યું હતું. ૧૮ નવેમ્બરના રોજ, જસ્ટિસ દીપાંકર દત્તાની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર નોટિસ ફટકારી હતી, જેમાં CJI વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી કરનાર વકીલ સામે અદાલતના તિરસ્કારની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.