National

દેવી-દેવતાઓ પર ટિપ્પણી કરતા પહેલાં વિચારો: IFFI વિવાદમાં ફસાયેલા રણવીર સિંહને કોર્ટે આપ્યો ઠપકો

બોલિવુડના સુપરસ્ટાર રણવીર સિંહ હાલ એક ગંભીર કાનૂની વિવાદનો સામનો કરી રહ્યા છે. ગોવામાં યોજાયેલા 56માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ દરમિયાન ફિલ્મ કાંતારાના પાત્રની નકલ કરતી વખતે કરેલી ટિપ્પણીને લઈને કર્ણાટકમાં ભારે વિરોધ ઉભો થયો છે. આરોપ છે કે પ્રસ્તુતિ દરમિયાન પવિત્ર દેવતા વિશે અયોગ્ય શબ્દપ્રયોગ થતાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ મામલે કર્ણાટક હાઇકોર્ટે રણવીર સિંહને નોટિસ પાઠવી જવાબ માંગ્યો હતો.

જસ્ટિસ એમ. નાગપ્રસન્નાની બેન્ચ સમક્ષ સુનાવણી દરમિયાન કોર્ટે રણવીર સિંહના વલણ પર નારાજગી વ્યક્ત કરી હતી સુનાવણી દરમિયાન જસ્ટિસ એમ. નાગપ્રસન્નાની બેન્ચે કડક શબ્દોમાં કહ્યું કે “સુપરસ્ટાર માટે કાયદા અલગ નથી. તમે રણવીર સિંહ હો કે કોઈ બીજા, કાયદા ઉપર કોઈ નથી. જાહેર હસ્તી તરીકે તમારા શબ્દો પ્રત્યે જવાબદારી હોવી જ જોઈએ.” કોર્ટે સ્પષ્ટ કર્યું કે દેવી-દેવતાઓને ‘ભૂત’ કહી સંબોધવા જેવી ટિપ્પણીઓ હળવાશથી લઈ શકાય નહીં.જોકે, અદાલતે રાહત આપતાં જણાવ્યું કે 2 માર્ચે થનારી આગામી સુનાવણી સુધી રાજ્ય સરકાર રણવીર સિંહ સામે કોઈ કડક પગલું નહીં ભરે. સાથે જ, સંબંધિત તમામ પક્ષોને આગામી તારીખ સુધીમાં પોતાની વાંધા અરજીઓ દાખલ કરવા સૂચના આપવામાં આવી. રણવીર સિંહ તરફથી હાજર વરિષ્ઠ એડવોકેટ સાજન પૂવૈયાએ દલીલ કરી કે નિવેદન બેદરકારીવશ આપવામાં આવ્યું હતું અને તેના માટે તેઓ દિલગીર છે. બીજી તરફ, ફરિયાદી પક્ષે જણાવ્યું કે આ નિવેદને કર્ણાટકના લોકોની આસ્થાને ઊંડો ઘા પહોંચાડ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ વ્યક્તિ રાજ્યના લોકોની ધાર્મિક લાગણીઓ સાથે રમત કરી ના શકે.

Most Popular

To Top