બારડોલી: (Bardoli) બારડોલીના વધાવા ગામે ચીક ખાડીના હંગામી પુલ પરથી પસાર થઈ રહેલ મોટરસાઇકલ (Motorcycle) સ્લિપ થઈ જતાં ચાલક બાઇક (Bike) સાથે તણાઈ ગયો હતો. બારડોલી ફાયર બ્રિગેડની ટીમની શોધખોળ બાદ અંતે યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હતો.
- બારડોલીના ઉતારા વધાવા નજીક ચીકખાડીના હંગામી પુલ પરથી બાઇકચાલક તણાયો
- બારડોલી ફાયર બ્રિગેડની ટીમની શોધખોળ બાદ અંતે યુવકનો મૃતદેહ હાથ લાગ્યો
- વિજય આફવા ગામે તેના સાસરે ગયો હતો અને ત્યાંથી મોડી સાંજે પરત વધાવા જવા નીકળ્યો હતો
- અડધો કલાકની શોધખોળ બાદ યુવકનો મૃતદેહ ભૂંગળામાં ફસાયેલી હાલતમાં મળી આવ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલી ફાયર બ્રિગેડની ટીમને રવિવારે સાંજે 6.45 વાગ્યાની આસપાસ જાણ થઈ હતી કે, ઉતારા વધાવા ગામ પાસે ચીકખાડી પરના પુલ પરથી એક બાઇકચાલક ખાડીમાં પડતા તણાઈ ગયો છે. ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુવકની શોધખોળ આદરી હતી. અડધો કલાકની શોધખોળ બાદ યુવકનો મૃતદેહ ભૂંગળામાં ફસાયેલી હાલતમાં મળી આવ્યો હતો.
ડૂબી જનાર યુવક વધાવા ગામનો વિજય અજય ચૌધરી (ઉં.વ.28) હોવાનું સામે આવ્યું હતું. વિજય આફવા ગામે તેના સાસરે ગયો હતો અને ત્યાંથી મોડી સાંજે પરત વધાવા જવા નીકળ્યો હતો. તે સમયે નવા બની રહેલા પુલની પાસે બનાવેલા હંગામી પુલ પરથી પસાર થતાં મોટરસાઇકલ સ્લિપ થતાં તે તણાઈ ગયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરના માધવબાગમાં ૬૦ ભેંસ સહિત ૯૦ ઢોરના પૂરમાં ડૂબી જવાથી મોત
અંકલેશ્વર: અંકલેશ્વરના બોરભાઠા રોડ પર આવેલા માધવબાગ ઢોર તબેલાના માલિક જમયત મગન પટેલે જણાવ્યું હતું કે, હું તબેલામાં ૬૦ ભેંસ, 25નાં તાજાં જન્મેલાં વાછરડાં તથા ૫ ગાય રાખી પશુપાલનનો વ્યવસાય ચલાવતો હતો. રવિવારે સાંજે નર્મદા નદીના પૂરના પાણી વધી રહ્યા હતા એવી માહિતી મળતાં તેમના પુત્ર સંદીપને માધવબાગ મોકલ્યો હતો અને સંદીપ માધવબાગ પહોંચી ઢોર બચાવવાની કામગીરી હાથ ધરે એ પહેલાં પૂરના પાણી એકાએક વધી જતાં ૯૦ ઢોર સાથેનો તબેલો પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સંદીપ તથા રખેવાળો બહાર નીકળી ગયા હતા. પૂરના પાણીમાં ૬૦ ભેંસ, ૨૫ વાછરડાં તથા ૫ ગાયનાં મોત થયાં હતાં.