Dakshin Gujarat

ઉકાઈ ડેમની સુરક્ષામાં છિંડા: પ્રતિબંધિત વિસ્તારમાં અજાણ્યા ઇસમો ભરેલો ટેમ્પો લઈ ઘૂસ્યા

વ્યારા: (Vyara) ઉકાઇ ડેમ (Ukai Dam) અને પાવર હાઉસ પર ગુપ્તચર વિભાગ દ્વારા આતંકી હુમલાની વારંવાર ચેતવણી અપાય છે, આવા સમય ઉકાઇ ડેમ આતંકીઓનાં સોફ્ટ ટાર્ગેટ પર હોવાનું મનાય છે. હાલ દક્ષિણ ગુજરાતની (South Gujarat) જીવાદોરી સમાન હાઇ એલર્ટ સપાટીએ પહોંચેલ ઉકાઇ ડેમના રેડિયલ ગેટમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી છોડાઇ રહ્યું છે. ત્યારે અત્યંત સંવેદનશીલ ગણાતા આ ઉકાઇ ડેમની સુરક્ષા સઘન બનાવવી જરૂરી બને છે. પણ આવા સમય ડેમ ઓથોરિટી સુરક્ષા બાબતે કુંભકર્ણની નિંદ્રા પોઢતી ઝડપાઇ છે.

  • ઉકાઈ ડેમના પ્રતિબંધિત વિસ્તારમાં અજાણ્યા ઇસમો ભરેલો ટેમ્પો તપાસ વિના જ ઘૂસી ગયો
  • સુરક્ષાકર્મીઓની કામગીરી શંકાના દાયરામાં, ડેમ ઉપર પ્રવેશનારી તમામ વ્યક્તિઓની ડેમ ઓથોરિટીની પરમિશન ઉપરાંત ફોટો સાથેની આઈડી જોવી જરૂરી, પણ કોઈ તપાસ સુરક્ષા કર્મીઓએ કરી ન હતી

સોમવારે સવારે ઉકાઇ ડેમનાં સંવેદનશીલ વિસ્તારમાં એક- બે નહીં પણ આખો ટેમ્પો ભરી આશરે ૮થી ૧૦ જેટલા ઇસમ ડેમના પ્રવેશ દ્વારેથી કોઇ પણ તપાસ વિના અંદર ઘૂસતા કેમેરામાં કેદ થયા છે. જેથી અહીં તૈનાત કરાયેલા સુરક્ષાકર્મીઓની કામગીરી શંકાના દાયરામાં આવી છે. અહીં ઉકાઇ ડેમની સુરક્ષાની દૃષ્ટિએ ડેમ ઓથોરિટી દ્વારા ભારે ઉપેક્ષા થતી નજરે પડી છે. ઉકાઇ ડેમની સુરક્ષા માટે ડેમ સત્તાધીશો દ્વારા ડેમમાં પ્રવેશનારાઓની ઓળખ માટે ફોટો સહિતનાં આઈડી પ્રૂફ સામાન્ય રીતે તપાસી તેનો રેકોર્ડ રજિસ્ટર્ડમાં નોંધતા હોય છે. જેથી કોઇ ઘટના બને તો ડેમમાં પ્રવેશનારી શંકાશીલ વ્યક્તિને સરળતાથી કસ્ટડીમાં લઈ શકાય, પણ સોમવારે ડેમ ઉપર આશરે ૭૦થી ૮૦ જેટલા અજાણ્યા માણસો જોવા મળ્યા હતા.

ડેમના પ્રવેશદ્વારે તપાસ કરતા ઉકાઇ ડેમ જાણે પ્રવાસીઓ, આમ નાગરિકો માટે ખુલ્લો મુકાયો હોય તેમ મોટી સંખ્યામાં કોઇપણ તપાસ વિના ડેમમાં ઘૂસણખોરી થતી જોવા મળી હતી. ઉકાઇ ડેમ પર મુકાયેલા સુરક્ષાકર્મીઓએ ડેમ ઉપર જનાર વ્યક્તિઓ અને તેમના વાહનોનું સઘન ચેકિંગ કરવાની ફરજ હોય છે, ડેમ ઉપર પ્રવેશનારી તમામ વ્યક્તિઓની ફોટો સાથેની આઈડી પણ ચકાસવી જરૂરી છે, પણ અહીં તેની કોઇ તપાસ ગેટ પર તૈનાત સુરક્ષા જવાનોએ કરી ન હતી.

કોઈપણ તપાસ કે રોકટોક વિના આટલી મોટી સંખ્યામાં અજાણ્યા ઇસમો ઉકાઇ ડેમમાં ઘૂસી જતા હોય અને તેઓની કોઇ ઓળખ પણ નહીં થાય. અંદર પ્રવેશતાં કોમર્શિયલ વાહનોની અંદર શું ભર્યુ છે? તેની તપાસ સુદ્ધાએ કરાતી ન હોય ત્યારે આવા સુરક્ષાકર્મીઓના ભરોસે ડેમ સુરક્ષાના દાવાઓ કેવી રીતે કરી શકાય? આ ડેમ વિસ્તારમાં કોઈપણ તપાસ વિના, વગર પરમિશને અજાણ્યા ઇસમોની ઘૂસણખોરી અટકાવવાની જવાબદારી ડેમ ઓથોરીટી અને અહીં મુકાયેલ સુરક્ષાકર્મીઓની છે. તેના માટે દરેક ગેટ પર તેમજ ડેમ ઉપર હથિયાર સાથેના સુરક્ષાકર્મીઓ મુકાયા છે. અન્ય કિસ્સામાં આ સુરક્ષા કર્મીઓ આઈડીની સાથે વાહનોની ડીકી સુદ્ધા તપાસતા હોય છે. પણ સોમવારે ટેમ્પોના કિસ્સામાં આવી તમામ બાબતોની ઉપેક્ષા કરતા મોટી સંખ્યામાં ઘૂસણખોરી થઈ છે ? આવા સમય ઉકાઇ ડેમની સિક્યુરિટીમાં છીંડા જોવા મળ્યા હોય, ત્યારે આવી સ્થિતિ એ ઉકાઇ ડેમની સુરક્ષાની બાબત ખૂબ જ ચિંતાજનક ગણી શકાય.

ઉકાઇ ડેમના કાર્યપાલક ઇજનેરે ફોન રિસિવ ન કર્યો
ઉકાઇ ડેમના કાર્યપાલક ઇજનેર પી.જી.વસાવાને આ બાબતે ફોન કરતાં તેમણે ફોન રિસિવ કર્યો ન હતો.

Most Popular

To Top