સુરત: (Surat) શહેરમાં સ્નેચરોનો આતંક ફરીથી પોલીસ (Police) માટે મોટો પડકાર બની રહ્યો છે. ઘોડદોડ રોડ પર જોગર્સ પાર્ક પાસે ખેડબ્રહ્માનાં ધારાસભ્યની (MLA) પત્નીનો મોબાઈલ ફોન સ્નેચીંગ (Mobile Snatching) થયો હોવાની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જોગર્સ પાર્ક જેવા અવર જવર વાળા વિસ્તારમાં પોલીસનો કોઇ જ ડર નહીં હોય તે રીતે સ્નેચર્સ ત્રાટક્યા અને મોબાઇલ ઝૂંટવી ગયા તે ગંભીર બાબત કહી શકાય તેમ છે.
- પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીનાં પત્નીનો મોબાઇલ ઝૂંટવી જતાં બદમાશો
- જોગર્સ પાર્ક પર વોકિંગ કરી રહ્યાં હતા ત્યારે મોપેડ પર આવેલા સ્નેચરો ત્રાટક્યા
ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઘોડદોડ રોડ પર આધારશિલા એપાર્ટમેન્ટ કેનોપસ મોલની સામે રહેતાં 55 વર્ષીય ડૉ. દીપ્તિબેન તુષારભાઈ ચૌધરી સ્મીમેર હોસ્પિટલમાં સિનિયર ફિઝીયોથેરાપ્સીટ તરીકે નોકરી કરે છે. ગઈકાલે રાત્રે રોજીંદા નિયમ મુજબ જોગર્સ પાર્ક પર વોકિંગ કરવા નીકળ્યા હતા. તે સમયે તકનો લાભ લઈને સ્નેચરોએ આવીને મોબાઈલ ઝૂંટવી પલાયન થઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે બે ઇસમો મોપેડ પર બેસીને આવ્યા અને મોબાઈલ સ્નેચ કરીને ભાગી ગયા હતા.
ખેડબ્રહ્માના ધારાસભ્યના પત્નીની ફરિયાદના ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર ઘટનાને પગલે જોગર્સ પાર્ક ખાતે ચાલવા આવતી જનતા અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓમાં ફરી ગભરાટ વ્યાપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના ધારાસભ્યના પરિવારજનો જ સલામત નહીં હોય તો સામાન્ય પ્રજાની શું હાલત હોય તે વિચારવા જેવું છે. બેફામ બનેલા મોબાઇલ સ્નેચર પોલીસને રીતસરનો પડકાર આપી રહ્યાં છે.