સુરત : દાદરા નગર હવેલીમાં સિક્યુરિટી ગાર્ડે 17 વર્ષની વિદ્યાર્થિની પર એના જ ઘરમાં ઘૂસી ચપ્પુ હુમલો કરતા તેણીને લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે.
મળી રહેલી માહિતી મુજબ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા દેમની નવીનગરી ખાતે રહેતી 17 વર્ષીય વિદ્યાર્થિની માતા અને બહેન સાથે બપોરના સમયે જમવા બેઠી હતી. તે સમયે 43 વર્ષીય મિથુ સાસોની (મૂળ રહેવાસી આસામ) દાદરામાં આવેલી ગ્રોવેલ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. જે સીધો વિદ્યાર્થિનીના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને ચપ્પુ કાઢી વિદ્યાર્થિની પર તૂટી પડ્યો હતો અને છાતીના અને પગના ભાગે ચારથી પાંચ જેટલા ગંભીર ઘા મારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આ તરફ ગંભીર હાલતમાં લોહી લુહાણ થઈ ગયેલી વિદ્યાર્થિની બેભાન થઈ પડી ગઈ હતી. પુત્રી પર થયેલા હુમલાને લઇ માતા અને બહેને બૂમાબૂમ કરી મુકતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને વિદ્યાર્થિનીને તુરંત સારવાર માટે એમ્બ્યુલન્સની મદદથી સેલવાસની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરી હતી. જોકે વિદ્યાર્થિનીના શરીરમાંથી ઘણું બધું લોહી વહી જવાના કારણે તેની હાલ સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘટનાની જાણ સેલવાસ પોલીસને થતા સેલવાસ પોલીસના પીએસઆઇ સોનુ દુબે પણ ઘટના સ્થળે આવી પોતાની ટીમ સાથે જરૂરી કાર્યવાહી કરી હતી. અને ઘટના સ્થળેથી જે પોલીસે ચપ્પુ કબજે કર્યું હતું. અને ફરાર થયેલા આરોપીને પકડવાના ચક્ર ગતિમાન કર્યા હતા. હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી વિદ્યાર્થિની 12 સાયન્સની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. હાલ તો પોલીસે આ મામલે ગુનો દાખલ કરી ફરાર આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.