નાગપુર : અહીં રમાયેલી રણજી ટ્રોફી ગ્રુપ ડીની એક મેચમાં (Match) વિદર્ભે સ્પીનર આદિત્ય સરવટેના જોરદાર બોલિંગ પ્રદર્શનની મદદથી 73 રનના નજીવા લક્ષ્યાંક સામે ગુજરાતનો બીજા દાવમાં માત્ર 54 રનમાં વિંટો વાળીને સૌથી ઓછા સ્કોરને ડિફેન્ડ કરવાનો નવો રેકોર્ડ બનાવીને મેચ 17 રને જીતી લીધી હતી. મેચમાં કુલ 11 વિકેટ ઉપાડનાર આદિત્યને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
આજની આ જીત સાથે વિદર્ભે સૌથી ઓછા સ્કોરને ડિફેન્ડ કરવાનો ભારતના ફર્સ્ટક્લાસ ક્રિકેટનો બિહારનો રેકોર્ડ તોડ્યો હતો. બિહારે 1948-49ની સિઝન દરમિયાન જમશેદપુરમાં દિલ્હી સામે 78 રનનો સ્કોર ડિફેન્ડ કર્યો હતો.
વિદર્ભ અને ગુજરાત વચ્ચેની આ મેચ નાગપુરના જામથા મેદાનમાં રમાઈ હતી. વિદર્ભની જીતનો હીરો ડાબોડી સ્પિનર આદિત્ય સરવટે રહ્યો હતો, જેણે બીજી ઇનિંગમાં માત્ર 17 રનમાં 6 વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ દાવમાં પણ પાંચ વિકેટ લીધી હતી. આ પહેલા બુધવારે ગુજરાતના ડાબોડી સ્પિનર સિદ્ધાર્થ દેસાઈએ 6 વિકેટ લઈને વિદર્ભને બીજી ઈનિંગમાં માત્ર 254 રને અટકાવી હતી. તે સમયે એવું લાગતું હતું કે ગુજરાત આ મેચ સરળતાથી જીતી જશે, પરંતુ એવું થયું નહીં. બીજા દિવસની રમતના અંતે ગુજરાતનો સ્કોર એક વિકેટે 6 રન હતો.
રમતના ત્રીજા દિવસે આદિત્યએ મેચનું પાસુ પલટાવી દીધું હતું. ગુરુવારે, તેણે પોતાનું કૌશલ્ય બતાવ્યું અને ગુજરાતની બેટિંગ લાઇનઅપને વિખેરી નાંખી તેના સિવાય ડાબોડી સ્પિનર હર્ષ દુબેએ પણ 11 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. 18 રને રનઆઉટ થયેલો સિદ્ધાર્થ ગુજરાતના બીજા દાવમાં ડબલ ફિગરને સ્પર્શનાર એકમાત્ર બેટ્સમેન રહ્યો હતો.
જે સ્થળે ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટ રમાવાની છે ત્યાં ત્રણ દિવસમાં વિકેટનો ઢગલો થયો
ભારતના પ્રવાસે આવી રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમ સામે ચાર ટેસ્ટની સીરિઝનો પ્રારંભ નાગપુરમાં જ પહેલી ટેસ્ટ સાથે થવાનો છે ત્યારે તેના એક મહિના કરતાં ઓછા સમય પહેલા રમાયેલી મેચમાં વિકેટનો ઢગલો થયો હતો. પહેલા દિવસે કુલ મળીને 15 અને બીજા દિવસે 16 વિકેટ પડી હતી અને ત્રીજા દિવસે બાકી રહેલી 9 વિકેટ પડી હતી. જો કે આ મેચ સાઇડ પીચ પર રમાઇ હતી અને ટેસ્ટ મધ્ય પીચ પર રમાવાની છે.