Editorial

ગૌતમ અદાણીએ ફોબર્સની યાદીમાં વિશ્વના બીજા ક્રમના ધનાઢ્ય બની ગુજરાતીઓનું ગૌરવ વધાર્યું છે

ગુજરાતીઓ હંમેશા ઈતિહાસ રચવા માટે જાણીતા છે. અગાઉ એક ગુજરાતી મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના નારા સાથે ભારતને આઝાદી અપાવી હતી. મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના નારાને આજે આખી દુનિયા અપનાવી રહી છે. ગુજરાતી મહાત્મા ગાંધી વિશ્વકક્ષાના વિભૂતી બની ગયા છે. હવે વધુ એક ગુજરાતીએ પણ ઈતિહાસ સર્જયો છે. મુળ ગુજરાતી ગૌતમ અદાણીએ હાલમાં જ આખા વિશ્વમાં બીજા ક્રમના સૌથી વધુ ધનાઢ્ય વ્યક્તિ તરીકે ફોબર્સની યાદીમાં સ્થાન મેળવ્યું છે. સંભવત: વિશ્વમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ ગુજરાતી ફોબર્સની યાદીમાં બીજા ક્રમે ધનાઢ્ય વ્યક્તિ તરીકે પહોંચ્યા હોય. ગુજરાત અને ગુજરાતીઓ માટે આ ગર્વ લેવા જેવી બાબત છે. ફોબર્સના રિઅલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્ષ હાલમાં જાહેર કરવામાં આવ્યા હતા. તેમાં ગૌતમ અદાણીને બીજા ક્રમનું સ્થાન અપાયું છે. જ્યારે પ્રથમ સ્થાન પર એલન મસ્ક છે.

આ ઈન્ડેક્ષ પ્રમાણે, શુક્રવારે બપોર સુધીમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 5.5 બિલિયન ડોલરનો વધારો થયો હતો. આ સાથે જ ગૌતમ અદાણીની સંપત્તિ 155.7 બિલિયન ડોલર થઈ ગઈ છે. આ સંપત્તિ સાથે ગૌતમ અદાણી બીજા ક્રમે છે. જ્યારે પ્રથમ ક્રમે 273.5 બિલિયન ડોલર સાથે એલન મસ્ક છે. અગાઉ બર્નાર્ડ આર્નોલ્ટ આ યાદીમાં બીજા ક્રમે હતાં પરંતુ હવે તે ત્રીજા ક્રમે આવી ગયા છે. બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિ 155.2 બિલિયન ડોલર છે. જોવા જેવી વાત એ છે કે એક સમયે દેશના સૌથી ધનાઢ્ય ગણાતા મુકેશ અંબાણીને આ યાદીમાં નવમાં ક્રમે મુકવામાં આવ્યા છે.

રિલાયન્સના મુકેશ અંબાણીની સંપત્તિ 92.6 બિલિયન ડોલર ગણવામાં આવી છે. સ્ટોક માર્કેટની વિગતો પ્રમાણે ગૌતમ અદાણી અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પાવર તેમજ અદાણી ટ્રાન્સમિશનમાં 75 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે અદાણી ગેસમાં ગૌતમ અદાણીનો હિસ્સો 37 ટકા છે. અદાણી સ્પેશ્યલ ઈકોનોમી ઝોનમાં ગૌતમ અદાણીનો હિસ્સો 65 ટકા અને અદાણી ગ્રીન એનર્જીમાં 61 ટકા હિસ્સો છે. ગુજરાતીઓ માટે ગર્વ લેવા જેવી બીજી બાબત એ છે કે ગૌતમ અદાણીની આ તમામ કંપનીઓ ગુજરાતમાં અમદાવાદ ખાતે આવી છે.

અદાણી ભારતમાં હાલમાં સૌથી મોટા પોર્ટ ઓપરેટર તરીકે સ્થાન ધરાવે છે. ગૌતમ અદાણીએ હીરાના ધંધામાં પણ કામ કર્યું છે. પોતાના ભાઈના પ્લાસ્ટિકના ધંધામાં ઝંપલાવનાર ગૌતમ અદાણીએ આખા વિશ્વમાં ધંધો શરૂ ર્યો હતો. છેક 1988માં અદાણી એન્ટરપ્રાઈઝ શરૂ કરનાર ગૌતમ અદાણીએ બાદમાં જે હરણફાળ ભરી છે તે કાબિલે દાદ છે. 1994માં ગૌતમ અદાણીએ ગુજરાતમાં મુંદ્રા પોર્ટને હેન્ડલ કરવાની મંજૂરી લીધી હતી અને બાદમાં તેને કોમર્શિયલ પોર્ટમાં ફેરવીને ભારે વિકાસ કર્યો હતો. અદાણીએ આ પોર્ટને ભારતનું સૌથી મોટું બંદર બનાવવા માટે તેને રેલ અને માર્ગથી જોડવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. 2009માં પાવર જનરેશનનો બિઝનેસ પણ શરૂ કરનાર ગૌતમ અદાણીએ બાદમાં ક્યારે પાછા ફરીને જોવું પડ્યું નથી.

ગૌતમ અદાણીએ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સરકાર બની ત્યારથી ભારતમાં વેપાર ક્ષેત્રે જબરદસ્ત વિકાસ કર્યો છે. જે લાંબા સમયથી ભારતમાં ધનાઢ્ય વ્યક્તિ તરીકે પ્રથમ નંબરે હતાં તેવા રિલાયન્સના મુકેશ અંબાણીને ઘણા પાછળ છોડી દીધા છે. ધંધો અને વેપાર ગુજરાતીઓના લોહીમાં હોય છે. ગુજરાતીઓ આખા વિશ્વમાં ફેલાયેલા છે. જે તે દેશમાં એકાદ ગુજરાતી તો મળી જ આવે. ગુજરાતીઓની હાજરી ભૂતકાળમાં જે તે દેશમાં જણાતી હતી પરંતુ હવે ગુજરાતીઓ આખા વિશ્વમાં સૌથી વધુ ધનાઢ્ય વ્યક્તિ તરીકે પણ પોતાની છાપ ઊભી રહ્યા છે. ગૌતમ અદાણીની આગળ હવે માત્ર એલન મસ્ક જ છે અને જે રીતે અદાણી આગળ વધી રહ્યા છે તે જોતાં આગામી દિવસોમાં ગૌતમ અદાણી એલન મસ્કને પણ પછાડી દે તો નવાઈ નહીં હોય.

Most Popular

To Top