બીલીમોરા : ડેન્ટિસ્ટનો (Dentist) વ્યવસાય શરૂ કરવા માંગતી બીલીમોરાની (Bilimora) પરિણીતાને પતિ (Husband) સહિત સાસુના (Mother-in-law) વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણીતા તેની મરજી મુજબનો વ્યવસાય કે નોકરી નહીં કરે તે માટે મેણા ટોણા મારી શારીરિક-માનસિક ત્રાસ આપતા પરિણીતાએ પતિ અને સાસુ સામે પોલીસમાં (Police) ફરિયાદ નોંધાવી છે.
- ક્લિનિકમાં જવાનું બંધ કરી ઘરકામમાં ધ્યાન કેન્દ્રિત કરવા દબાણ કરી માર માર્યો
- પરિણીતાએ બીલીમોરા પોલીસમાં વલસાડના સાસારીયા સામે ફરિયાદ નોંધાવી
જલાલપોર તાલુકાના કણીયેટ ગામની વતની અને બીલીમોરા રહેતી રુચા દુર્લભભાઈ ટંડેલ ડેન્ટિસ્ટ છે. તે અમલસાડ ખાતે ડેન્ટલ ક્લિનિક પણ ચલાવતી હતી. તેણીના લગ્ન વલસાડમાં રહેતા અને બિટેક મિકેનિકલ એન્જિનિયર થયેલા વિવેક કાંતિલાલ ટંડેલ સાથે થયા હતા. જોકે રુચાના પતિ વિવેક અને સાસુ હસુમતીબેને રુચાને ડેન્ટલ ક્લિનિક વલસાડમાં ખોલી આપવાનો લગ્ન પહેલા વાયદો કર્યો હતો. લગ્નના પ્રારંભના દિવસો ખુબ ખુશ ખુશાલ વીત્યાં હતા.
જેથી રૂચાએ ક્લિનિક ખોલવાની વાત કરી હતી પણ તે શક્ય નહીં હોવાનું પતિ અને સાસુએ જણાવી ઘરકામમાં ધ્યાન કેન્દ્રિત કરવા રૂચાને દબાણ કરતા હતા. આ બાબતને લઈને ઘર કંકાશ વધી જતા દરરોજ તેનો પતિ વિવેક અને સાસુ હસુમતિબેન રુચાને માર મારતા રુચાએ વલસાડ પોલીસને બોલાવી હતી. આ વાતને મુદ્દો બનાવીને પોલીસને કેમ બોલાવી કહી પતિ અને સાસુએ રુચાને ઘરમાંથી કાઢી મૂકી હતી.
રુચાના મોટાભાઈ અને માતા પિતાએ વાતને થાળે પાડવા ઘણા પ્રયાસ કર્યા હતા પણ તે નિષ્ફળ રહ્યા હતા. જેથી રુચાએ બીલીમોરા પોલીસમાં પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે વિવેક કાંતિલાલ ટંડેલ અને હસુમતીબેન કાંતિલાલ ટંડેલ (રહેવાસી પારસી અગિયારી મોહલ્લો વલસાડ) વિરૂધ શારીરિક માનસિક ત્રાસ આપવાણી ફરિયાદ નોંધાવી છે. જેની તપાસ બીલીમોરા પોલીસ કરી રહી છે.
ગણદેવી નવી નગરીના યુવાનનો ગળે ફાંસો ખાઈ આપઘાત
નવસારી : ગણદેવી નવી નગરી ઇન્દિરા આવાસમાં ગીરીશ વિનોદભાઈ હળપતિ (ઉ.વ. 20) તેમના પરિવાર સાથે રહેતો હતો. ગત 16મીએ ગીરીશે કોઈ અગમ્ય કારણસર બાજુમાં મંજુબેન મહેશભાઈ પટેલના ઇન્દિરા આવાસના મકાનની છતના મોભના લાકડા સાથે નાયલોન દોરી બાંધી ગળે ફાંસો કહી આપઘાત કરી લીધો હતો. જે બાબતે ગણદેવી પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પી.એમ.અર્થેની તજવીજ હાથ ધરી છે. જયારે પોલીસે મૃતકના ભાઈ રોહિતની ફરિયાદને આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હે.કો. મનોજભાઈને સોંપી છે.