માંડવી: (Mandvi) માંડવીના કાલીબેલના નિશાળ ફળિયામાં રહેતા ઉમેદ ભીમાસિયા ચૌધરી (ઉં.વ.50) ગામ (Village) નજીકથી પસાર થતાં શૌચક્રિયા કરવા ઊભા રહેતાં શેરડીના ખેતરમાંથી (Farm) નીકળી દીપડાએ (Panther) હુમલો કરી દેતાં આધેડ ગભરાઈ ગયો હતો. જો કે, પોતાનો જીવ બચાવા ખૂંખાર દીપડા સાથે 5 મિનીટ સુધી જીવસટોસટનો ખેલ ખેલી દીપડાને ભગાવવા મજબૂર કરી દીધો હતો. જો કે, ઇજાગ્રસ્ત થયેલા આધેડે બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને માંડવી સરકારી રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. ઈજાગ્રસ્ત આધેડને 10 જેટલા ટાકા આવ્યા હતા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેતાં પરિવારે હાશકારો લીધો હતો. આ ઘટના બાદ વનવિભાગ હરકતમાં આવ્યો હતો. અને ખૂંખાર દીપડાને પાંજરે પૂરવા ચક્રો ગતિમાન કર્યાં હતાં.
- ડિસ્કવરી ઉપર જોયેલી ડોક્યુમેન્ટ્રીના આધારે દીપડાથી જીવ બચાવ્યો
- હિંસક પ્રાણી હુલમો કરે તો ગળુ બચાવવું જરૂરી
- માંડવીના કાલીબેલના આધેડે દીપડા સાથે 5 મિનીટ સુધી જીવસટોસટનો ખેલ ખેલ્યો હતો
ઉમેદભાઈએ જણાવ્યું હતું કે, મેં દીપડો ગળાને પકડે નહીં એ માટે જીવ દાવ પર લગાવ્યો હતો. ડિસ્કવરી પર આવતા ટી.વી. શો જોઈ જંગલી પ્રાણીઓથી જીવ કેવી રીતે બચાવી શકાય એ શીખ્યો હતો. અને એ રીતે દીપડાનો સામનો કરી જીવ બચાવ્યો હતો. આ બાબતે ગામના સરપંચ સતીષ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગતરોજ દીપડાની હુમલાની ઘટના બનતાં ધારાસભ્ય આનંદ ચૌધરી અને તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા શંકર ચૌધરીએ ઈજાગ્રસ્તની મુલાકાત લીધી હતી. અને વન વિભાગ દ્વારા વળતર આપવા ભલામણ કરાઈ છે.
ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં દીપડો ઘૂસી જતાં છેલ્લા બે દિવસથી ભયનો માહોલ
વ્યારા: ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના સ્વિચ યાર્ડ વિસ્તારમાં કદાવર દીપડો ઘૂસી જતાં છેલ્લા બે દિવસથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં ગત તા.૨૦મી મેના રોજ મધ્ય રાત્રિનાં અરસામાં આ કદાવર દીપડો થર્મલ પાવર સ્ટેશનમાં કામ કરતા કર્મચારીઓ અને સુરક્ષા કર્મીઓને દેખાયો હતો. જેને લઈ આ પાવર સ્ટેશનમાં અફડાતફડી સાથે ભયનો માહોલ પ્રસર્યો હતો.
થર્મલ પાવર સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓએ આ બનાવ અંગેની જાણ સોનગઢ વન વિભાગને કરી હતી. બીજા દિવસે જ્યાં દીપડો દેખાયો તે સ્થળે તેમજ તેના પગનાં નિશાનો દેખાયાં તે તમામ સ્થળોએ મારણ સાથે ચાર જેટલાં પાંજરાં વન વિભાગે ગોઠવ્યાં હતાં. જ્યારે અન્ય એક પાંજરું થર્મલ પાવર સ્ટેશનની બહાર મૂકવામાં આવ્યું હતું. પણ હજુ સુધી આ દીપડો પાંજરે પુરાયો નથી. જેને લઈ આ થર્મલ પાવર સ્ટેશનમાં કામ કરનાર કર્મચારીઓના જીવને જોખમ બન્યું છે. રવિવારે સવારે સોનગઢ આરએફઓએ થર્મલ પાવર સ્ટેશન પાસેથી પસાર થતી કેનાલ પાસે દીપડાનાં પંજાનાં નિશાન જોઇ આ દીપડો થર્મલ પાવર સ્ટેશન વિસ્તારમાંથી બહાર નીકળી ગયો હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. જો કે, તેને ૧૦૦ ટકા ખાતરી આપી શકાય તેમ ન હોવાથી હાલ આ થર્મલ પાવર સ્ટેશન વિસ્તારમાં કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ કામ કરતા જોવા મળ્યા છે. ઉકાઇ થર્મલ પાવર સ્ટેશન વિસ્તારમાં ખુલ્લેઆમ લટાર મારતો દીપડો દેખાતાં વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.