વલસાડ: (Valsad) હું રાત્રે મારા મિત્રને મળીને ઘરે પરત થઇ રહ્યો હતો, એ સમયે છરવાડા ગ્રામ પંચાયતથી સીતારામ મંદિર વચ્ચે અચાનક દીપડો (Leopard) મોંમાં શિકાર લઇ મારી કારની (Car) સામે આવી ગયો હતો. જેના કારણે હું હેબતાઇ ગયો અને મેં કારને જોરમાં બ્રેક મારી હતી. ત્યારબાદ જોરમાં હોર્ન મારતાં તે રોડની બીજી તરફ શિકાર લઇને ભાગી ગયો હતો, એવું વલસાડના (Valsad) ઉંટડી ગામે રહેતા યુવાન હિદાયલ કવલાએ જણાવ્યું હતું.
- ‘દીપડો મોંમાં શિકાર લઇ મારી સામે આવી ગયો, મેં કારની બ્રેક મારતાં ભાગી ગયો’
- છરવાડા ગામે શનિવારે સાંજે જ દીપડાને પકડવા માટે પાંજરૂ ગોઠવ્યું હતું પણ પાંજરામાં પુરાયો નહીં
વલસાડના છરવાડા ગામે કેટલાક દિવસથી દીપડો દેખાઇ રહ્યો છે. તેણે ગામમાં મરઘાં સહિતના અનેક શિકાર કરતા શનિવારે સાંજે જ ત્યાં પાંજરૂ ગોઠવ્યું હતુ. ત્યારબાદ શનિવારે સાંજે જ હિદાયતને આ દીપડાનો સામનો થયો હતો. તેણે કહ્યું તેનું મોટું કદ ડરામણું હતુ. તે શિકાર લઇને ખુબ જ ચપળતાથી રોડની બીજી તરફ કુદીને ભાગી ગયો હતો. ત્યારબાદ મેં રાહતનો શ્વાસ લીધો હતો. આ સંદર્ભે છરવાડા ગામના સરપંચ અજય પટેલને પુછતાં તેણે જણાવ્યું કે, થોડા દિવસથી અહીં દીપડો દેખાતાં વન વિભાગને જાણ કરી શનિવારે જ પાંજરૂ ગોઠવાયું હતુ.
અહીં દીપડાના બે બચ્ચા ફરી રહ્યા હોવાનું લોકોએ જોયું હતુ. તાજેતરમાં જ વલસાડમાં દીપડાએ પોતાની ઝલક બતાવી હતી. શહેરના અબ્રામા વિસ્તારમાં મારણ મળી આવ્યું હતુ. જ્યારે તિથલ રોડ પર દીપડો જોયો હોવાની વાત ચાલી હતી. હવે રાત્રી કરફ્યુ નીકળી જતાં દીપડો ભલે શહેરમાં આવતો ન હોય, પરંતુ વલસાડના આજુબાજુના ગામોમાં દીપડાની અવર-જવર હવે સામાન્ય બની ગઈ છે.