SURAT

આસામના ગૌહાટીથી 10 હજાર ઇંજેક્શનનો જથ્થો એરલિફ્ટ કરી સુરત લવાયો

સુરત: સુરતમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થવા સાથે મૃત્યુઆંક વધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંવાદ કર્યો હતો. તે પછી આજે આસામના ગૌહાટીથી 10 હજાર રેમડેસીવીર ઇન્જેકશનનો જથ્થો વિશેષ વિમાનમાં એરલિફ્ટ કરી સુરત એરપોર્ટ લાવવામા આવ્યો હતો અને અહીંથી કિરણ હોસ્પિટલમાં મોકલવામા આવ્યો હતો.

ગુજરાત સરકારના આયોજનને પગલે ખાસ કિસ્સામાં આસામના ગૌહાટીની આ ઇન્જેકશન સુરત લાવવામા આવ્યા હતાં. આ શહેરમાં વાયુવેગે ફેલાતા કિરણ હોસ્પિટલ ખાતે શહેરભરના દર્દીઓના સગાઓની લાંબી કતાર લાગી હતી. જેને પગલે હોસ્પિટલના તંત્રએ ટોકન વહેંચી વિતરણ વ્યવસ્થા ગોઠવી છે.

આજે એકજ દિવસમાં પાંચ સો જેટલા ઇન્જેકશન હોસ્પિટલના પ્રિસ્ક્રિપશન, દર્દીના આધારકાર્ડ અને આરટીપીસીઆર સર્ટિની નકલના આધારે વિતરણ કરાયા હતા. હોસ્પિટલના ટ્રસ્ટી મથુર સવાણીએ જણાવ્યું હતું કે હોસ્પિટલના તંત્ર દ્વારા સરકારને 10 હજાર ઇન્જેકશનના વિતરણ માટેની વ્યવસ્થા હોવાથી ઇન્જેકશનનો જથ્થો ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી હતી. સરકારે નક્કી કરેલા રાહત દર પ્રમાણે આ ઇન્જેકશન વિતરણ કરવામાં આવી રહ્યા છે.

સિટિઝન કાઉન્સિલ ટ્રસ્ટે કેન્દ્રના આરોગ્ય મંત્રી અને રૂપાણીને પત્ર લખી રેમડેસીવીર ઇન્જેકશનની અછત દૂર કરવા માંગ કરી
સુરત સિટિઝન કાઉન્સિલ ટ્રસ્ટના ચેરમેન શરદ કાપડિયાએ કેન્દ્રના આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી સુરતમાં કોરોના સંક્રમણની વકરી રહેલી પરિસ્થિતિમાં રેમડેસીવીર ઇજેક્શનની અછત દૂર કરવા અને દર્દીઓ માટેની જરૂરરિયાતને ધ્યાને રાખી ઇન્જેકશનનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે.

અત્યારે દર્દીના સગાઓ હોસ્પિટલ અને મેડિકલ સ્ટોરમાં આ ઇન્જેકશનની શોધ માટે ચિંતાતુર બની દોડી રહ્યા છે. આ ઇન્જેકશનનું ઉત્પાદન જે કંપનીઓ કરે છે તેવી કંપનીઓને ઉત્પાદન વધારવા પણ સરકાર આદેશ આપે તેવી માંગ કરવામાં આવી છે. અત્યારે ઇન્જેકશન માટે લાગી રહેલી લાંબી કતારો અસહ્ય છે અને અસામાજિક તત્વો આ ઇન્જેકશન કાળાબજાર કરી વેચી રહ્યાં છે તે અટકાવવુ જોઇએ.

Most Popular

To Top