Vadodara

વડોદરા : અક્ષરચોક સ્થિત ફોનવાલે સ્ટોરમાંથી રૂ. 26.84 લાખ મતાની ચોરી

ઓડિટ કરાતા બે વર્ષથી ચાલતા મેનેજરના કાંડનો ભાંડો ફુટ્યો

આઇફોન સહિત 39 મોબાઇલ, એસેસરીઝ, રોકડ રકમ સગેવગે કરી નાખી

વડોદરાના અક્ષરચોક વિસ્તારમાં ફોનવાલે દુકાનમાંથી 26.84 લાખ મતાની ચોરી થઇ હોવાની જે પી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. જેમાં દુકાનમાં નોકરી કરતા મેનેજર દ્વારા બે વર્ષ દરમિયાન 19.13 લાખના 39 મોબાઇલ તથા 22 હજારની એસેસરીઝ વગે કરી નાખી હતી. ઉપરાંત મોબાઇલના ડાઉન પેમેન્ટના 26 હજાર અને લોનથી વેચેલા 7 મોબાલઇના મળી 4.99 લાખ અને સ્ટોરમાં કલેક્શનના 2.44 લાખ બેન્ક ખાતામાં જમા ન કરાવી બારોબાર ચાઉં કરી નાખ્યા હતા.

શહેરના સમા સાવલી રોડ પર આવેલા સનરાઇઝ બંગ્લોઝમાં રહેતા જીગર ડાહ્યાભાઇ પટેલ અક્ષરચોક તથા પ્રતાપનગર ખાતે મોબાઇલ, ટીવી, એસેસરીઝની દુકાન ચલાવે છે. વર્ષ 2021માં અક્ષરચોક ખાતે કંપની સાથે કરાર કરી ફોનવાલે નામની દુકાન ચાલુ કરી હતી. જેમાં મોબાઇલ, ટીવી, એસી, મોબાઇલ એસેસરીઝ સહિતનું વસ્તુઓ વેચાણ માટે મુકવામાં આવી હતી. દુકાનમાં ગોત્રી ખાતે રહેતા ધવલ કિશોર જોષીને સ્ટોર મેનેજર તરીકે નોકરી કરતો હતો. ધવલ જોશી દુકાનનું મેન્ટેનન્સ, સ્ટોક મંગાવવો, કસ્ટમરના બિલ બનાવવા તથા રોજ સ્ટોરમાં કલેક્ટ થતી રોકડ બેન્કમાં જમા કરાવવા સહિતનું કામ પણ સંભાળતા હતા પરંતુ મેનેજર દ્વારા દુકાનમાં છુપી રીતે કૌભાંડ આચરવામાં આવતું હતું. 22 જાન્યુઆરીના રોજ અમદાવાદ ખાતેની ફોનવાલે શોપની હેડ ઓફિસથી રિપોર્ટ આવ્યો હતો કે અક્ષરચોક દુકાનમાંથી ત્રણ મોબાઇલ લોનથી વેચાણ થયા હતા પરંતુ રૂપિયા ફોનવાલેના બેન્ક ખાતામાં જમા નથી થયા. જેથી સંચાલક જીગર પટેલ સ્ટાફને બોલાવી દુકાનમાં તપાસ કરાવી હતી. ત્યારે 7 મોબાઇલની લોન ન થઇ હોવા છતાં વેચાણ આપી દીધા હોવાનું જાણવા મળ્યું હતું અને મેનેજર ધવલ જોષી દ્વારા દુકાનના વહીવટમાં શંકા જણાઇ હતી. જેથી બ્રાન્ચ મેનેજર દ્વારા દુકાનમાં ઓડિટ કરતા આઇફોન સહિત  39 મોબાઇલ મળ્યા ન હતા અને વેચાયા પણ ન હોવાનું જાણવા મળ્યું હતું. આમ મેનેજર વર્ષ 2022થી 2024 દરમિયાન દુકાનમાંથી ત્રણ મોબાઇલના ડાઉન પેમેન્ટના 26 હજાર, 7 મોબાઇલ વેચ્યા પણ લોન નથી કરી તેના 4.99 લાખ, 39 મોબાઇલના રૂ.18.91 લાખ, એસેસરીઝના રૂ.22 હજાર અને રોકડા  2.44 લાખ ફોનવાલેના એકાઉન્ટમાં જમા નહી કરાવેલા રૂ.2.44 લાખ મળી રૂ. 26.84 લાખની મતાની ચોરી કરી કૌભાંડ આચર્યું છે. જેથી સંચાલક જીગર પટેલે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં મેનેજર સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top